ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપનો ભારે બહુમત સાથે વિજય થયો છે. ગાંધીનગર મનપાની 44 બેઠક માંથી કુલ 41 બેઠક પર ભાજપ, 2 બેઠક પર કૉંગ્રેસ અને 1 પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે. મતદાન પહેલા તમામ પક્ષો દ્વારા પ્રચાર માટે રેલીઓ, સભાઓ અને રોડ-શોના આયોજન કરવામાં આવ્યા હતા. આ વખતે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ હોવાથી ખુબ જ ચર્ચાનો માહોલ બન્યો હતો. આપ નેતા અને દિલ્હી ડેપ્યુટી CM મનીષ સીસોદીયા દ્વારા પણ ગાંધીનગર ખાતે રોડ-શો કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર મનપા ચૂંટણીમાં બહુમત સાથે 41 બેઠક પર વિજય મેળવ્યા બાદ ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ અને આપની હાર બાદ સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે ચર્ચાઓ ચાલી રહી હતી, જે ક્રમમાં ફેસબુક પર Gopal italiya aap અને આમ આદમી પાર્ટીના યુથ નેતા Vishal Dave દ્વારા ન્યુઝ18 ગુજરાતી ચેનલની એક બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવેલ છે, જેમાં સી.આર.પાટીલ સાથેના એક ઇન્ટરવ્યૂની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર “પાટીલ નું આજનું નિવેદન,ભાજપ ને કોઈ ની જરૂર નથી, એકવાર આ અહંકારી ભાજપ ને ધૂળ ચાટતી કરી દો વોટ ની તાકાત થી…” ટાઇટલ સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય યુઝર્સ દ્વારા પણ આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા સમાન તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ગાંધીનગર મનપા ચૂંટણીના પરિણામ આવી ચુક્યા છે, ભાજપે ગાંધીનગર ખાતે બહુમત સાથે વિજય મેળવ્યો છે. જયારે સોશ્યલ મીડિયા પર સી.આર.પાટીલ દ્વારા ભાજપ ને કોઈ ની જરૂર નથી જેવા નિવેદનો આપવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ બ્રેકીંગ પ્લેટ અંગે ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર News18 Gujarati દ્વારા 1 ઓક્ટોબરના પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. આ વિડીઓમાં વાયરલ બ્રેકીંગ પ્લેટ અને પત્રકાર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબ જાણવા મળે છે.
આ પણ વાંચો :- શું ખેરખર વોટસએપ વાપરવા માટે હવે ચૂકવવો પડશે 499નો ચાર્જ અને દરરોજ રાત્રે 11 વાગ્યાથી મેસેજ સર્વિસ થશે બંધ?
ગાંધીનગર મનપા ચૂંટણી સમયે ભાજપ દ્વારા આયોજીત રોડ-શો દરમિયાન પત્રકાર દ્વારા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. આ ક્રમમાં રિપોર્ટર દ્વારા ગાંધીનગર ચૂંટણી સંદર્ભે જોડતોડની રાજનીતિ અંગે સવાલ કરવામાં આવે છે, જેનો જવાબ આપતા સી.આર.પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે “ભાજપને કોઈપણ અન્ય પક્ષના સાથની જરૂર નથી”. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક ટર્મથી ગાંધીનગરમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આકરી હરીફાઈ રહેતી હતી.
Conclusion
ગાંધીનગર મનપા ચૂંટણી સંદર્ભે ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ ભ્રામક ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે. સી.આર.પાટીલ દ્વારા અન્ય પક્ષો સાથે જોડતોડની રાજનીતિ કરવા મુદ્દે ભાજપને કોઈની જરૂર ન હોવાનું નિવેદન આપ્યું હતું. સોશ્યલ મીડિયા પર આમ આદમી પાર્ટી ગ્રુપ પરથી ભ્રામક દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044