દલવીર ભંડારી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ વિશે એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. વાયરલ દાવા મુજબ, આ પદ 71 વર્ષ સુધી ગ્રેટ બ્રિટન પાસે હતું. પરંતુ, આ વખતે જ્યારે આ પદ માટે મતદાન થયું ત્યારે દલવીર ભંડારીને 193માંથી 183 મત મળ્યા હતા.

ફેસબુક પર વાયરલ પોસ્ટ સાથે લખાણ શેર કરવામાં આવેલ છે. જે સાથે દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદીએ સમગ્ર વિશ્વમાં કેવી રીતે સંબંધો વિકસાવ્યા છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જસ્ટિસ દલવીર ભંડારીની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ચીફ જસ્ટિસ તરીકે પસંદગી કરવામાં આવી છે. PM મોદી અને વિદેશ મંત્રાલય આ માટે છેલ્લા 6 મહિનાથી કામ કરી રહ્યા છે! તમામ 193 દેશોના પ્રતિનિધિઓનો સંપર્ક કરવો અને તેમને સરળતાથી જીતી જવાની ખાતરી ધરાવતા બ્રિટિશ ઉમેદવાર અંગે ભારતની સ્થિતિ સમજાવવી ખૂબ જ મુશ્કેલ કામ હતું. વોટિંગના 11 રાઉન્ડમાં જસ્ટિસ દલવીર ભંડારીને જનરલ એસેમ્બલીમાં 193 માંથી 183 વોટ મળ્યા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 15 સભ્યોમાંથી તમામ 15 વોટ મળ્યા.




ઉલ્લેખનીય છે કે, સમાન દાવા સાથે વાયરલ પોસ્ટ ઓગષ્ટ મહિનામાં પણ શેર કરવામાં આવી હતી. જે અંગે newschecker દ્વારા ફેક્ટ ચેક પ્રકાશિત કરવામાં આવેલ છે. જસ્ટિસ દલવીર ભંડારીICJ બન્યા હોવાના દાવા સાથે gujaratsamachar, gstv અને atthistime તેમજ અન્ય લોકલ સંસ્થાનો દ્વારા પણ અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.
Fact Check / Verification
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના સભ્ય દલવીર ભંડારી વિશે કરવામાં આવી રહેલા દાવાની સત્યતા જાણવા માટે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસની અધિકૃત વેબસાઇટ પર તપાસ શરૂ કરી. આ દરમિયાન ખબર જાણવા મળે છે કે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ચીફ જસ્ટિસ જેવું કોઈ પદ (હોદ્દો) નથી. જો કે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ત્રણ વર્ષની મુદત માટે, એક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે. વેબસાઇટ પર પ્રાપ્ત માહિતી અનુસાર, 8 ફેબ્રુઆરી 2021ના રોજ, યુએસના ન્યાયાધીશ જોન ઇ. ડોનોગ્યુ અને રશિયાના કિરિલ જ્યોર્જિયન અનુક્રમે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

જાણો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ શું છે?
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) ની સ્થાપના યુનાઇટેડ નેશન્સ (UN) દ્વારા જૂન 1945 માં કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ન્યાયિક અંગ છે, જે હેગ (નેધરલેન્ડ) ખાતે આવેલ છે. તે તમામ રાષ્ટ્રો વચ્ચેના કાનૂની વિવાદોનું સમાધાન કરે છે. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં 193 દેશોનો સમાવેશ થાય છે. અહીંયા 15 ન્યાયાધીશોનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે 9 વર્ષની મુદત માટે ચૂંટાય છે, પરંતુ જો કોઈ ન્યાયાધીશ અધવચ્ચે રાજીનામું આપે છે, તો તેની બાકીની મુદત માટે નવા ન્યાયાધીશની પસંદગી કરવામાં આવે છે.
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) ની અધિકૃત વેબસાઈટ પર કોર્ટના તમામ સભ્યો અને તેમના હોદ્દાની યાદી આપવામાં આવી છે. જ્યાં ભારતના ન્યાયમૂર્તિ દલવીર ભંડારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નહીં પરંતુ એક સભ્ય તરીકે ચૂંટાયા હોવાની માહિતી જોવા મળે છે.

તપાસ દરમિયાન, અમને 27 એપ્રિલ 2012ના રોજ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ જોવા મળે છે. જે મુજબ, દલવીર ભંડારી ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ)ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેણે જોર્ડનના અવન શૌકત અલ-ખાસવનેહનું સ્થાન લીધું હતું.

નવેમ્બર 2017માં, વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર નવ વર્ષની મુદત માટે ICJ (ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ)ના સભ્ય તરીકે જસ્ટિસ દલવીર ભંડારીને ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. ત્યારે આ પદ માટે થયેલા વોટિંગમાં ભંડારીને 193 વોટમાંથી 183 વોટ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે તે દરમિયાન દેશની ઘણી મીડિયા સંસ્થાઓ દ્વારા પણ આ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

કોણ છે જસ્ટિસ દલવીર ભંડારી?
રાજસ્થાનના જોધપુરમાં 1 ઓક્ટોબર 1947ના રોજ જન્મેલા દલવીર ભંડારી ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રહી ચૂક્યા છે. ભંડારીએ જોધપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજસ્થાન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેણે શિકાગો, યુએસએની વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પણ મેળવી છે. ઓક્ટોબર 2005માં ભંડારી બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. 2017 માં તેઓ નેધરલેન્ડ્સમાં હેગ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
Conclusion
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ દલવીર ભંડારી નિયુક્ત કરવામાં આવ્યા હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા યુઝર્સ અને ન્યુઝ સંસ્થાનો દ્વારા કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે. જસ્ટિસ દલવીર ભંડારી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) ના સભ્ય તરીકે 2017માં ચૂંટાયા હતા. જસ્ટિસ ભંડારી ICJના ચીફ જસ્ટિસ તરીકે ચૂંટાયા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Result :- Misplaced Context
Our Source
International Court of Justice
International Court of Justice (ICJ)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044