Authors
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ એન્સેફેલાઇટીસ કે ચાંદીપુરા વાઇરસના કેસ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે.
વિવિધ મીડિયા અહેવાલો અનુસાર અત્યાર સુધી આ વાઇરસથી થયેલા શંકાસ્પદ મૃત્યુનો આંકડો રાજ્યમાં 20નો થઈ ગયો છે.
ઉપરાંત શંકાસ્પદ મોતમાંથી 2 મોત પુષ્ટિવાળા છે. એટલે કે એ પુષ્ટિ થઈ ચૂકી છે કે આ મોત ચાંદીપુરા વાઇરસના લીધે જ થયા છે. બીજું મોત વડોદરા જિલ્લામાં નોંધાયું છે.
મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી બંને આ મામલે સક્રિય થઈ ગયા છે અને બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. સરકારે ચાંદીપુરા વાયરસ મામલે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લોકોને વાઇરસ મામલે ડરની જગ્યાએ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
વધુમાં હાલ ગુજરાતમાં વિવિધ જિલ્લામાં હૉસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસના ઘણા શંકાસ્પદ કેસો નોંધાઈ ચૂક્યા છે. જેમાં અમદાવાગ, રાજકોટ, સાબરકાંઠા, અરવલી, મહેસાણા, મોરબી. પંચમહાલ સહિતના જિલ્લામાં શંકાસ્પદ કેસો નોંધાયા છે.
ચાંદીપુરા વાઇરસ શું છે?
આ મામલે અમે આરોગ્ય નિષ્ણાત સાથે વાતચીત કરી અને ચાંદીપુરા વાઇરસ વિશે માહિતી મેળવવાની કોશિશ કરી.
અમદાવાદના વાઇરલૉજિસ્ટ ડૉ. પ્રવીણ ગર્ગે ન્યૂઝચેકરને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “ચાંદીપુરા વાઇરસ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દીનું મગજ (એન્સેફેલાઇટીસ)નો શિકાર બને છે. આ વાઇરસ 15 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રભાવિત કરે છે. ચાંદીપુરા વાઇરસ એ સામાન્ય રીતે સેન્ડફલાય(માટી માખી) તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે. આ સેન્ડફલાય(માખી) ખાસ કરીને લીંપણવાળાં ઘરોમાં કે માટીનાં ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે.”
સરકારે આ મામલે જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર, “જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય અથવા સિમેન્ટનાં પાકાં મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે. ઓછા ઉજાસવાળો કે અંધારો કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ સેન્ડ ફ્લાયનું બ્રિડિંગ જોવા મળતું હોય છે.”
ડૉ. ગર્ગ ઉમેરે છે કે, “આ ચેપી રોગ નથી. એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું નથી. પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, માટીનાં ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતાં નાના બાળકોમાં અન્યોની સરખામણીએ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, જેને કારણે આ બીમારી સામે લડવાની તેમની ક્ષમતા ઓછી હોવાથી આ રોગ થાય છે.
વાઇરસના લક્ષણો
1) બાળકને સખત તાવ આવવો
2) ઝાડા, ઉલટી થવા
3) ખેંચ આવવી
4) અર્ધબેભાન કે બેભાન થવું.
ચાંદીપુરા વાઇરસના ચેપથી બચવા શું કરવું?
1) બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહી.
2) બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.
3) સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા.
4) મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
જો ઉપર જણાવેલ લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલીક લઇ જઇ સારવાર કરાવવી હિતાવહ છે.
વાઇરસના સંક્રમણ પછીની સારવાર
વાઇરસનું સંક્રમણ થઈ જતા દર્દીને તત્કાલિક હૉસ્પિટલ લઈ જવીના સરકાર સલાહ આપે છે.
સારવાર વિશે ડૉ. ગર્ગ જણાવે છે કે, “આ એક ઇન્ડિયન વાઇરસ છે અને હાલ આ મામલે કોઈ કીટ નથી. આથી દર્દીને લક્ષણો અનુસાર દવાઓ આપવામાં આવે છે. આની રસી પણ નથી.”
“દર્દીને 24 કે 48 કલાકમાં સંક્રમણ મગજ સુધી પહીંચી જાય છે અને આથી મગજમાં સોજો આવી જતા મોત થતા હોય છે. આ વાઇરસનો મોર્ટાલિટી રેટ 55થી 70 ટકાનો છે.”
“વળી ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ આ વાઇરસના કેટલાક શંકાસ્પદ કેસો નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં સંક્રમિત કેસનું મોત પણ નીપજ્યું હોવાના અહેવાલ છે.”
ચાંદીપુરા વાઇરસનો ઇતિહાસ
ડૉ. ગર્ગ અનુસાર ચાંદીપુરા વાઇરસ 1965માં સૌપ્રથમ મહારાષ્ટ્રના એક ગામમાંથી ઉદભવ્યો હતો આથી આ ગામ પરથી તેને નામ આપવામાં આવ્યું છે.
વર્ષ 2003-2004માં તે ફરીથી મધ્યભારતના રાજ્યો મધ્યપ્રદેશ અનુ ગુજરાતમાં ફેલાયો હતો. ઉપરાંત આંધ્રપ્રદેશમાં પણ આ વાઇરસ ભૂતકાળમાં ફેલાયો હતો.
ગુજરાતના જિલ્લાઓ ઍલર્ટ પર
સરકારે આરોગ્ય વિભાગને સક્રિય કરી દેતા તમામ જિલ્લાને ઍલર્ટ કરી દેવાયા છે. જે વિસ્તારોમાં મોત થયા છે અને શંકાસ્પદ કેસો આવી રહ્યા છે, ત્યાં આરોગ્ય વિભાગની ટીમો મોકલી દેવાઈ છે અને તેઓ ત્યાંના આસપાસના બાળકોના સૅમ્પલ લઈ રહ્યા છે.
Sources
Indian Express Report, Dated, 19/07/2024
Gujarati Jagaran Report, Dated, 16/07/2024
Telephonic Interview with Medical Expert
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044