ગુજરાતના મોરબીમાં થયેલા અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે એક વ્યક્તિ ઉભેલા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એ જ ઓરેવા ગ્રુપના માલિક છે જેને મોરબી બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાયરલ તસ્વીરમાં પીએમ મોદી સાથે ગુજરાત ભાજપના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે.

હકીકતમાં, રવિવારે ગુજરાતમાં મચ્છુ નદીના કિનારે બનેલો પુલ ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મીડિયા અહેવાલ મુજબ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ, એક સદી જૂનો બ્રિજ તાજેતરમાં ગુજરાતી નવા વર્ષ પર સમારકામ કર્યા પછી લોકો માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં આગામી ચૂંટણીના સંદર્ભમાં GSTV ન્યુઝ ચેનલના નામ સાથે ભ્રામક ગ્રાફિક પ્લેટ વાયરલ
Fact Check / Verification
પીએમ મોદી સાથે ઓરેવા ગ્રુપના માલિકની વાયરલ થયેલ તસ્વીરને યાન્ડેક્ષ રિવર્સ સર્ચ કરતા અમને VTV ગુજરાતીની વેબસાઈટ પર 14 ઓક્ટોબર 2021ના રોજ પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે PM નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ અહેવાલમાં વાયરલ તસ્વીર પણ હાજર છે.

વધુ માહિતી માટે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર સર્ચ કરતા 14 ઓક્ટોબર 2021ના રોજ તેમની પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવેલ એક પોસ્ટ મળી આવે છે, જેમાં પીએમ મોદી સાથેની મુલાકાત સંબંધિત અન્ય ઘણી તસ્વીરો પણ છે.

જયારે, ઓરેવા ગ્રુપના માલિક ઓધવજી રાઘવજી પટેલ વિશે ગૂગલ સર્ચ કરતા અમને 19 ઑક્ટોબર 2012ના રોજ લાઇવ મિન્ટ દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ ઓધવજી પટેલનું 2012માં 87 વર્ષની વયે નિધન થયું હતું. ‘ફાધર ઓફ વોલ ક્લોક’ તરીકે ઓળખાતા ઓધવજી અજંતા, ઓરપટ અને ઓરેવા ગ્રુપના માલિક હતા. દિવાલ ઘડિયાળો સિવાય તેમની કંપની ઇલેક્ટ્રિક બાઇક, ટ્યુબલાઇટ, ઘડિયાળો જેવી ઘણી વસ્તુઓ બનાવતી હતી.
મિન્ટના અહેવાલમાં ઓધવજી પટેલની તસ્વીર પણ જોઈ શકાય છે. અહીંયા મંત્રી રાઘવજી પટેલ અને ઓધવજી પટેલની તસ્વીરનું તુલનાત્મક વિશ્લેષણ પણ જોઈ શકાય છે.

અમારી તપાસ દરમિયાન, અમને 1 નવેમ્બર, 2022ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, ઓધવ જી રાઘવજી પટેલના ત્રણ પુત્રો છે પ્રવીણ, અશોક અને જયસુખ આ ત્રણેય ભાઈઓ અલગ થઈને પ્રવીણે ઓરપેટ જૂથ બનાવ્યું, અશોકે અજંતા બ્રાન્ડની પહેલ કરી. તે જ સમયે, ઓઢવના ત્રીજા પુત્ર જયસુખભાઈએ ઓરેવા ગ્રુપના નામથી કંપનીની સ્થાપના કરી હતી. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ ઓરેવા ગ્રૂપને મોરબી બ્રિજના બાંધકામની જવાબદારી સોંપવામાં આવી હતી. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ છે, જ્યારે ચિંતન પટેલ તેમના ડિરેક્ટર છે.
Conclusion
મોરબી કેબલ બ્રિજ તૂટવાની ઘટના સાથે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીનું નામ જોડીને ભ્રામક તસ્વીર વાયરલ કરવામાં આવી છે. પીએમ મોદી સાથે વાયરલ થયેલ તસ્વીરમાં ઉભેલા વ્યક્તિ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે. જયારે મોરબી બ્રિજનો કોન્ટ્રાકટ લેનાર ઓરેવા ગ્રુપ સાથે તેમની કોઈ લેણાદેણી નથી. સોશ્યલ મીડિયા યુઝર્સ ભ્રામક દાવા સાથે તસ્વીર શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
VTV Gujarati
Facebook Post Raghavji Patel
Indian Express
Website of Oreva Group
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044