Fact Check
આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવા મુદ્દે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજનું સત્ય
સોશ્યલ મીડિયા પર આધાર કાર્ડ અને પાન કાર્ડ ફરજીયાત લિંક કરાવવા કે નહીં કરાવવા મુદ્દે અનેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જો..કે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવા અંગે આયકર વિભાગ દ્વારા 31 માર્ચ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. પરંતુ સોશ્યલ મીડિયા પર કેટલાક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે “હાઇકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે સુપ્રીમમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઇન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ પાડી રિટર્ન ભરતા અટકાવી શકે નહીં.“

ફેસબુક અને વોટ્સએપ પર અનેક યુઝર્સ ન્યુઝ પેપર કટિંગ શેર કરતા દાવો કરી રહ્યા છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવા જરૂરી નથી. ન્યૂઝચેકરની તપાસમાં આ મેસેજ ભ્રામક હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : દિલ્હી વિધાનસભામાં આપ અને ભાજપના નેતાઓ વચ્ચે મારામારી થઈ હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
Fact Check / Verification
આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા Income Tax India દ્વારા ટ્વીટર પર 28 ફેબ્રુઆરીના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, આવકવેરા અધિનિયમ, 1961 મુજબ તમામ PAN ધારકોએ 31.3.2023 પહેલા તેમના PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે, 1લી એપ્રિલ 2023થી અનલિંક કરેલ PAN નિષ્ક્રિય થઈ જશે.
ઉલ્લેખનીય છે કે આયકર વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી અલગ -અલગ માધ્યમો પર આધાર અને પાન લિંક કરાવવા અંગેની માહિતી જાહેર કરવામાં આવેલ છે. ટ્વીટર પર 2019 થી 2022 સુધીની તમામ વર્ષો દરમિયાન લોકોને આધાર-પાન લિંક કરાવવા અંગે જાગૃતિ ફેલાવતા મેસેજ પોસ્ટ કરવામાં આવ્યા હતા. જો…કે આ વર્ષે આયકર વિભાગે આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તેવા પાન કાર્ડ નિષ્ક્રિય કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત હાઇકોર્ટે આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે આપેલ ચુકાદો શું છે?
ન્યુઝ સંસ્થાન એબીપી અસ્મિતાના જાન્યુઆરી 2020ના એક અહેવાલ અનુસાર, ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદામાં ઠેરવ્યું છે કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે હજુ સુપ્રીમ કોર્ટમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઈન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ કરી રિટર્ન ભરતા અટકાવી શકાશે નહીં.
વાયરલ મેસેજ અંગે VTV ન્યુઝ દ્વારા ગઈકાલે પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિનનો વિડીયો જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, 2017માં એડવોકેટ બંદિશ સોપારકારની અરજી અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે હજુ સુપ્રીમ કોર્ટમાં અરજી પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી ઈન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ કરી રિટર્ન ભરતા અટકાવી શકાશે નહીં.
આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટેમાં ચાલી રહેલ કેસ પર 2019માં ચુકાદો આવ્યો હતો. આ અંગે economictimes, indianexpress અને zeebiz દ્વારા ફેબ્રુઆરી 2019ના પપ્રકાશિત અહેવાલ જોવા મળે છે. કોર્ટે કહ્યું છે કે આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જસ્ટિસ એ કે સિકરી અને એસ અબ્દુલ નઝીરની બનેલી બેંચે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલત આ બાબતનો નિર્ણય કરી ચૂકી છે અને આવકવેરા કાયદાની કલમ 139AAને સમર્થન આપ્યું છે.

indianexpressના અહેવાલ અનુસાર, ભારતની સર્વોચ્ચ અદાલતે સપ્ટેમ્બર 2018માં આધારની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું. પરિણામે, આવકવેરા અધિનિયમ 1961ની કલમ 139AA અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસના 30 જૂન, 2018ના આદેશ અનુસાર આધાર-પાન લિંકિંગ હવે ફરજિયાત છે, આ પ્રક્રિયા PAN ધારકો દ્વારા 31 માર્ચ, 2019 સુધીમાં પૂર્ણ કરવી આવશ્યક છે.
નવી માહિતી અનુસાર, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કરદાતાઓને થોડો વધુ સમય આપવા માટે, PAN અને આધારને લિંક કરવાની તારીખ 30મી જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે, જેના દ્વારા વ્યક્તિઓ કોઈ અસરનો સામનો કર્યા વિના આધાર-PAN લિંક કરવા માટે નિર્ધારિત સત્તાધિકારીને તેમના આધારની જાણ કરી શકે છે.
Conclusion
આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવા અંગે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પર વાયરલ થયેલ મેસેજ ભ્રામક છે. 2017માં કરવામાં આવેલ આવેલ અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આપેલ છૂટછાટને હાલના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે આયકર વિભાગ દ્વારા 31 માર્ચ પહેલા આધાર અને પાન લિંક કરવું ફરજીયાત જાહેર કરેલ છે.
Result: False
Our Source
Tweet Of Income Tax India, on 26 Feb 2023
Media Reports Of ABP Asmita, on 24 Jan 2020
Media Reports Of VTV ન્યુઝ, on 20 Mar 2023
Media Reports Of economictimes, on 7 Feb 2049
Media Reports Of indianexpress, on 15 Feb 2019
Media Reports Of zeebiz, on 04 Feb 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044