રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં એકલી રહેતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સાથે છેતરપિંડી અને લૂંટ થયાના કિસ્સા ઘણી વાર નોંધાતા હોય છે. સોસાયટીઓમાં અજાણ્યા ઇસમો ઘુસીને ઘણા પ્રકારના અપરાધને અંજામ આપે છે. આ મામલે પોલીસ દ્વારા વખતોવખત ચેતવણીઓ પણ જારી કરવામાં આવે છે કે, કઈ રીતે સાવધાની વર્તવી જોઈએ.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક મહિલા સાથે દુર્વ્યવહાર થઈ રહ્યું હોવાનું દેખાય છે. અત્રે નોંધવું કે વીડિયાના દૃશ્યો આપને વિચલિત કરી શકે છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે, આજકાલ પાણી આપવું પણ જોખમી છે. આજકાલ પાણી આપવું પણ જોખમી છે. ગુજરાતમાં મહિલા પાસે પીવાનું પાણી માગવાના બહાને ઘરમાં ઘુસી પોલીસના સ્વાંગમાં આવેલા વ્યક્તિ દ્વારા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તેને સોસાયટી ગ્રૂપમાં વધુથી ફોરવર્ડ કરવામાં આવે.
વીડિયોમાં એક વ્યક્તિ મહિલાના ઘરના દરવાજા પાસે આવીને ઊભો રહે છે, ત્યાર બાદ દરવાજો ખખડાવતા મહિલા દરવાજો ખોલે છે. વ્યક્તિ પોલીસના યુનિફૉર્મમાં છે અને તે મહિલા સાથે કંઈક વાત કરે છે. લાગે છે કે, તેણે મહિલા પાસે પીવાનું પાણી માગ્યું હતું. જ્યારે મહિલા પાણી લઈને આવ્યા ત્યાર બાદ વ્યક્તિએ પાણી પીધું. પછી મહિલા ગ્લાસ લેવા કોશિશ કરે છે, તે સમયે એકાએક વ્યક્તિ ઘરમાં ઘુસીને મહિલાને પકડીને હુમલો કરે છે. મહિલા સ્વબચાવ માટે પ્રયાસ કરે છે. આખરે મહિલાએ હિંમત દાખવી તેનો મુકાબલો કર્યો અને બૂમાબૂમ કરતા તે વ્યક્તિ ભાગી જાય છે.
વીડિયો ઘરમાં રહેતી એકલી મહિલાઓ માટે ચેતવણી સમાન છે. જેમાં વીડિયો ગુજરાતનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને વીડિયો ગુજરાતનો નહીં પણ અન્ય રાજ્યની ઘટનાનો હોવાનું જાણવા મળેલ છે.
Fact Check/Verification
વાઇરલ વીડિયાના દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે ગુજરાતમાં આ પ્રકારની ઘટના મામલે ગૂગલ સર્ચની મદદથી સમાચાર અહેવાલ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, આ મામલે કોઈ સમાચાર અહેવાલ પ્રાપ્ત ન થયા.
જેથી અમે વાઇરલ વીડિયોના કીફ્રેઇમ્સને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદથી સ્કૅન કર્યાં. જેથી અમને ન્યૂઝ18 રાજસ્થાનના ઑફિશિયલ યુટ્યુબ ચૅનલ પર વીડિયો અહેવાલ પ્રાપ્ત થયો. 14 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રકાશિત અહેવાલનું શીર્ષક છે – જયપુરમાં પોલીસની વર્દીમાં લૂંટારું ગૅંગ, મહિલાની બહાદુરીના લીધે લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો
વીડિયો અહેવાલના વર્ણનમાં લખ્યું છે કે, “જયપુરમાં બદમાશોની હિમંત એટલી વધી ગઈ છે કે, તેઓ હવે પોલીસની ખાખી વર્દીમાં પોલીસના સ્વાંગમાં આવીને તમને જાણતા હોય એ રીતે વાતચીત કરીને પછી તમને લૂંટી લે છે.”
વીડિયો અહેવાલના ફૂટેજ જોતા સ્પષ્ટ દેખાય છે કે તે વાઇરલ વીડિયોના દૃશ્યોવાળા જ ફૂટેજ છે. જયપુરની ઘટનાનો વીડિયો અને વાઇરલ વીડિયો બંને સરખા છે. જે દર્શાવે છે કે ઘટના બે વર્ષ જૂની છે.
વધુ તપાસ કરતા અમને 15 સપ્ટેમ્બર-2022ના રોજ સ્ક્રૉલ ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પ્રકાશિત અહેવાલ પણ પ્રાપ્ત થયો.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “જયપુરના કરધાની અને મંગલમ સીટી વિસ્તારમાં લૂંટારા પોલીસના સ્વાંગમાં આવ્યા હતા. પરંતુ મહિલાએ બહાદુરીપૂર્વક તેમનો સામનો કરી લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.”
આ અહેવાલમાં ટાંકવામાં આવેલો વીડિયો અને વાઇરલ વીડિયો બંને સરખા જ છે.
તદુપરાંત અન્ય ન્યૂઝ આઉટલેટ દ્વારા પણ જયપુરની ઘટનાની નોંધ લેવામાં આવી હતી અને અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અહેવાલ અહીં અને અહીં જુઓ.
ઘટનાને પગલે પોલીસે તપાસ આદરી હતી અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
ઉપરોક્ત તમામ બાબતો દર્શાવે છે કે, વાઇરલ વીડિયો ખરેખર 2 વર્ષ જૂનો છે અને રાજસ્થાનના જયપુરમાં બનેલી ઘટનાનો છે.
Read Also : Fact Check – શંકરાચાર્ય પર લાઠીચાર્જનો વાયરલ વીડિયો જૂનો વીડિયો નવી ઘટના તરીકે વાઇરલ
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વાઇરલ વીડિયો ગુજરાતનો નથી. વીડિયો વર્ષ 2022માં જયપુરમાં બનેલી ઘટનાનો છે.
Sources
News Report by News18 Rajasthan dated 14 Sept, 2022
News Report by Scroll India dated 15 Sept, 2022
News Report by Times Now dated 14 Sept, 2022
News Report by Navbharat Times dated 14 Sept, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044