Fact Check
શું આ વીડિયો ગંભીરા બ્રિજ તૂટ્યો એ સમયના દૃશ્યોનાં છે? ના, તે ખરેખર AI જનરેટેડ છે
Claim
ગંભીરા બ્રિજ તૂટી ગયો એનો વાઇરલ વીડિયો.
Fact
દાવો ખોટો છે. વીડિયો સાચા નથી કેમ કે, તે ખરેખર AI જનરેટેડ છે.
વડોદરા જિલ્લાના પાદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં એકંદરે 21 લોકોનાં મોત થયા હતા અને એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. સરકારે બીજા નવા પુલ માટે મંજૂરી આપી દીધી છે.
બ્રિજ જે રીતે તૂટ્યો હતો એ મામલે સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા ચાલી રહી છે. તેના વિશેના ઘણા વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યા છે.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એ વીડિયો પણ વાઇરલ છે જેમાં દાવો કરાઈ રહ્યો છે કે તે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના વીડિયો છે. વીડિયોમાં કેટલાક વાહનો પુલ પરથી પસાર થતા દેખાય છે અને અચાનક પુલ ધરાશાયી થતાં વાહનો પુલ પરથી નદીમાં પડી જાય છે. કૉમેન્ટમાં લોકો લખી પણ રહ્યા છે કે, પુલ તૂટેલો હોવા છતાં વાહનો કેમ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. પુલ પરથી ટ્રક અને કાર સહિતના વાહનો નદીમાં પડતા જોઈ શકાય છે. આ વીડિયો સાથે દાવો છે કે, તે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના વીડિયો છે. વીડિયોની સાથેના લખાણમાં એમ પણ લખે છે કે, આ ગંભીરા પુલની દુર્ઘટનાનો વીડિયો છે અને તેના માટે જવાબદાર તમામ મંત્રીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વીડિયોના દાવા ખરેખર ખોટા છે. કેમ કે, વીડિયો સાચા નથી.
Fact Check/Verification
વાઇરલ દાવાની તપાસ કરવા માટે સૌપ્રથમ અમે વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજની મદદથી સ્કૅન કરી તપાસ્યા. જોકે, અમને એના વિશે કોઈ નક્કર મીડિયા અહેવાલો પ્રાપ્ત ન થયા. અમે જાણવાની કોશિશ કરી કે પુલ તૂટી રહ્યો ત્યારના વીડિયો કોઈ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે કે કેમ. પરંતુ અમને કોઈ પરિણામ પ્રાપ્ત ન થયું.
બાદમાં અમે સ્થાનિક પત્રકાર સાથે પણ વાતચીત કરી અને જાણવાની કોશિશ કરી કે બ્રિજ તૂટતી વખતા દૃશ્યો વિશે કોઈ જાણકારી છે કે કેમ. જોકે, જાણવા મળ્યું કે, તૂટતા સમયના લાઇવ દૃશ્યોના કોઈ સત્તાવાર ફૂટેજ તેમના ધ્યાને કે તંત્રના ધ્યાને નથી આવ્યા.
જેથી ઉપરોક્ત બાબત વીડિયોની સત્યતા મામલે શંકા ઉપજાવે છે. વળી, વીડિયોને ધ્યાનથી જોતા તેમાં જે દૃશ્યો છે, તેની ગુણવત્તા અને પ્રકારથી તે એઆઈ દ્વારા નિર્મિત હોવાનું લાગ્યું. આથી તેનો એઆઈ ટેસ્ટ કરવાની કોશિશ કરી.
અમે, પ્રથમ બે વીડિયોને એઆઈ ડિટેક્શન ટૂલ Hive Moderation થકી સ્કૅન કરી ચકાસતા અમને તેમાં પરિણામ મળ્યું કે, તે 99 ટકા એઆઈ જનરેટેડ છે. એનલિસિસ રિપોર્ટ થકી આવેલ પરિણામ તમે નીચે જોઈ શકો છો.


વળી, અમે Cantilux એઆઈ ડિટેક્શન ટૂલની પણ મદદ લીધી. જેમાં અમને વીડિયો 60 ટકાથી વધુ એઆઈ જનરેટેડ હોવાનું પરિણામ પ્રાપ્ત થયું. જે દર્શાવે છે કે, વીડિયો ખરેખર એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ દ્વારા તૈયાર થયેલ છે. તે સાચા દૃશ્યો નહીં પણ બનાવટી છે. એનલિસિસ રિપોર્ટ થકી આવેલ પરિણામ તમે નીચે જોઈ શકો છો.


વધુમાં એક ત્રીજો વીડિયો જેમાં વાહનો પુલ પરથી નીચે નદીમાં પડતા દેખાય છે તે અને લોકો બચાવ કામગીરી કરી રહ્યા છે, તેમાં શરૂઆતના જે 6 સેકન્ડના વિઝ્યૂઅલ છે, તે વીડિયો Cantilux એઆઈ ડિટેક્શન ટૂલ અનુસાર 84 ટકા એઆઈ જનરેટેડ છે. ઉપરાંત, તેના કીફ્રેમ્સને wasitai દ્વારા પણ તપાસ કરતા તે એઆઈ જનરેટેડ હોવાનું પરિણામ પ્રાપ્ત થયું છે. તેનું પણ એનલિસિસ રિપોર્ટ થકી આવેલ પરિણામ તમે નીચે જોઈ શકો છો.



આમ ઉપરોક્ત ત્રીજો વીડિયો ખરેખર એઆઈ દ્વારા બનાવવામાં આવેલ છે. તે બ્રિજ તૂટ્યો તે સમયના લાઇવ દૃશ્યો નથી.
તદુપરાંત, ત્રીજા વીડિયોમાં લોકો જે બચાવ કામગીરી કરી રહ્યા છે, તે દૃશ્યો પ્રાથમિક દૃષ્ટિએ વાસ્તવિક જણાઈ રહ્યા છે. તેની તપાસ કરતા અમને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ Singha_Dasharath દ્વારા પ્રસારિત કરાયેલ વીડિયો પ્રાપ્ત થયા જે તેના જેવા જ જણાય છે. (તેનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ). ઉપરાંત, સ્થાનિક મીડિયા જ્ઞાન જગત દ્વારા પ્રકાશિત તસવીરમાં પણ તે જોઈ શકાય છે. વળી તેને Hive પર સ્કૅન કરતા પરિણામ મળે છે કે તે એઆઈ જનરેટેડ નથી.
એઆઈ વિઝ્યૂઅલ અને ઉપરોક્ત પ્રાથમિક દૃષ્ટિએ વાસ્તવિક જણાતા વિઝ્યૂઅલને ભેગા કરીને ત્રીજો વીડિયો તૈયાર કરવામાં આવેલ છે. આથી તે એક એડિટેડ એટલે કે છેડછાડ કરેલ વીડિયો છે.
આમ, ઉપરોક્ત તમામ બાબતો દર્શાવે છે કે, ગંભીરા બ્રિજ તુટી પડવાની ઘટનાના વીડિયોના નામે વાઇરલ થયેલ વીડિયો સાચા નથી. તે બનાવટી છે. તેને આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ગંભીરા બ્રિજ દુ્ર્ઘટના સમયે વાહનો નદીમાં પડી રહેલા દર્શાવતા વાઇરલ વીડિયો ખરેખર વાસ્તવિક નથી. તે એઆઈ દ્વારા બનાવવામાં આવેલા છે. તે બનાવટી છે.
Sources
Hive Moderation AI Detection Tool
Cantilux Tool
Wasitai Tool
Instagram Post by Sindha Dashrath
Self-Analysis of the Video