Fact Check
ઉનાળામાં ફ્યુલ ટેન્ક ફૂલ ના ભરવા જોઈએ ટાઇટલ સાથે સળગતા બાઈકના વાયરલ થયેલા વિડીઓનું સત્ય

ઉનાળાના આકરા તડકા શરૂ થઈ ચુક્યા છે, હવામાન વિભાગ દ્વારા હીટવેવની પણ ચેતવણી આપવામાં આવેલ છે. આ સાથે વધતા તાપમાનને કારણે વાહનો અને દુકાનોમાં આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક બાઈક સળગવાનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તાપમાન વધવાના કારણે લોકોએ ઉનાળામાં ફ્યુલ ટેન્ક ફૂલ ના ભરવા જોઈએ.
ફેસબુક પર “જરૂર કરતા ઉનાળા માં પ્રેટોલ વધારે નો પુરાવો અને સળગતી બાઇક થી દુર જ રહેવું આવી ભૂલ ક્યારેય ન કરવી” ટાઇટલ સાથે વિડિઓ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર આ વિડિઓ 5 હજારથી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો આગાઉ ઇન્ડિયન ઓઇલ કંપનીના નામ સાથે એક ભ્રામક લેટર પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. જે અંગે newschecker દ્વારા ફેકટચેક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવેલ છે.
નોંધનીય છે કે, દેશભરમાં અનેક જગ્યાએ ઇલેટ્રીક બાઈક પણ ફાટવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જેમાં તેલંગાણા ખાતે આવી જ ઘટનામાં બે વ્યક્તિના મૃત્યુ પણ થયા છે, ત્યારબાદ આ ઘટના પર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ EV નિર્માતાઓને દંડની ચેતવણી આપીને કહ્યું હતું કે નિષ્ણાત સમિતિ EV દુર્ઘટનાઓની તપાસ કરી રહી છે.
Fact Check / Verification
શું છે વાયરલ વિડીઓમાં બાઈક સળગવાનું સત્ય ?
ઉનાળામાં ફ્યુલ ટેન્ક ફૂલ ના ભરવા જોઈએ જેવા દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ndtv અને indiatv દ્વારા 13 એપ્રિલના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, આ ઘટના મુંબઈના નાલાસોપારા વિસ્તાર નજીક બનેલ છે. માહિતી અનુસાર એક સીએનજી ઓટો અને મોટરસાઈકલ વચ્ચે ટક્કર થઈ હતી.

અહીંયા યુવક બાઇકની બેટરીના ભાગમાં પાણી વડે આગ ઓલવી રહ્યો હતો ત્યારે અચાનક બાઇકમાં જોરદાર વિસ્ફોટ થયો અને બાઇકમાં આગ લાગી હતી. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ ઘટના પર MUMBAI TODAY NEWS દ્વારા પણ ફેસબુક પર વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ માહિતી મુજબ, સીએનજી ઓટો અને મોટરસાઇકલ વચ્ચે અથડામણ થઇ હતી. ટક્કર બાદ તરત જ મોટરસાઇકલની પેટ્રોલ ટાંકીમાં આગ લાગી હતી.
શું ઉનાળામાં વાહનોના ટેન્ક ફૂલ ભરવાથી આગ લાગી શકે છે?
ઉનાળામાં વાહનોના ટેન્ક ફૂલ ભરવાથી આગ લાગવાના દાવા અંગે forbes દ્વારા 2018માં પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ, વાહનમાં આવતી પેટ્રોલ ટેન્ક એક બંધ ચેમ્બરમાં સીમિત માત્રામાં હોય છે, જે પોતાની જાતે સગડવું મુશ્કેલ છે. ઉપરાંત, પેટ્રોલને સળગવા માટે હજારો ડિગ્રીથી વધુ ટેમ્પરેચરની જરૂર પડે છે, જયારે ઉનાળાના સમયમાં સૌથી વધુ તાપમાન 50 ડિગ્રી હોય છે.

વધુ માહિતી સર્ચ કરતા cardekho વેબસાઈટ પર પણ આ ભ્રામક માહિતી અંગે વિસ્તૃત માહિતી જોઈ શકાય છે. જે મુજબ, સાબિત થયેલ સંશોધન છે કે જો તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચે તો પણ, ટાંકીમાંનું પેટ્રોલ બળી શકે નહીં કારણ કે પેટ્રોલને જાતે સળગવા માટે હજારો ડિગ્રીની રેન્જમાં તાપમાનની જરૂરર પડે છે.
એક સાધારણ પ્રયોગ સમજીએ તો કોઈપણ વસ્તુને સળગવા માટે પૂરતા પ્રમાણમાં હવાની જરૂર પડે છે. હવે પેટ્રોલ ટેન્ક જયારે ફૂલ હશે ત્યારે અંદર ખુબ જ ઓછી માત્રામાં હવા હાજર હશે, આ સંજોગોમાં જો કોઈ એક સળગતી દિવાસળી પણ ટેન્કમાં નાખશે તો પણ આગ લાગી શકશે નહીં.
આ પહેલીવાર નથી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભ્રામક મેસેજ ફરતો થયો હોય જેનાથી લોકો ગભરાઈ જાય. ત્રણ વર્ષ પહેલાં મિડલ ઇસ્ટ, યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં સમાન દાવા સાથે પોસ્ટ વાયરલ થઈ હતી. જયારે ભારતમાં પણ આ સમાન દાવો ઘણા વર્ષોથી ઉનાળા સમયે આવી ઘટનાઓ સાથે જોડીને વાયરલ કરવામાં આવેલ છે.
Conclusion
ઉનાળામાં વધુ તાપમાન હોવાથી વાહનોના ફ્યુલ ટેન્ક ફૂલ ના કરવાના સંદેશ સાથે બાઈક સળગવાનો વિડિઓ મુંબઈના નાલાસોપારા વિસ્તારની ઘટના છે. આ ઘટનામાં રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થવાથી આગ લાગી હતી. જયારે, ફ્યુલ ટેન્ક ફૂલ રાખવાથી આગ લાગવાના દાવા અંગે મળતા તમામ રિસર્ચ મુજબ, પેટ્રોલને સળગવા માટે હજારો ડિગ્રી તાપમાનની જરૂર પડે છે.
Result :- Fabricated news/False Content
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044