Authors
આજકાલ ડિજિટલ હાઉસ અરેસ્ટ સ્કેૅમ ખૂબ જ ચાલી રહ્યો છે. દેશ-દુનિયામાં આ સ્કૅમે ચર્ચા જગાવી છે. દિલ્હીની એક 72 વર્ષનાં મહિલાના 83 લાખ રૂપિયા આ રીતે પડાવી લેવામાં આવ્યાં હતા. તેમ જ નોઇડાના એક ડૉક્ટરના પણ આ રીતના જ સ્કૅમમાં 60 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તાજેતરમાં ગુજરાતમાં પણ આ સ્કૅમના કિસ્સા નોંધાઈ રહ્યા છે. આથી આ સ્કૅમ શું છે એ વિશે જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે.
ડિજિટલ હાઉસ અરેસ્ટ સ્કૅમ શું છે?
ડિ઼જિટલ હાઉસ અરેસ્ટ સ્કૅમ માટે સ્કેમર્સનો (કૌભાંડોઓનો) આપને ફોન કૉલ આવે છે. તેઓ પોલીસમાંથી અથવા તો સીબીઆઈ કે પછી અન્ય કોઈ ઉચ્ચ ઑથોરિટી-એજન્સીના અધિકારી હોવાનો દાવો કરે છે. ઘણી વાર આ કોઈ પાર્સલ કંપનીનીના ઑફિસર લેવલની વ્યક્તિ હોવાનો પણ દાવો કરે છે અને તે દરેક માહિતી આપને આપીને ફોન સીબીઆઈ અથવા તો સાઇબર સેલને ટ્રાન્સફર કરવાની વાત કરે છે.
બાદમાં આ વ્યક્તિ તમને એવું કહે છે કે, તમે અથવા તો તમારા ઘર-પરિવારની અન્ય કોઈ વ્યક્તિ ગેરકાયદેસર કામ સાથે સંકળાયેલી છે. ત્યાર બાદ તમારી સાથે આ મામલે સંબંધિત ફરિયાદ જેવી લાગતી વિગતો શેર કરવામાં આવે છે. જેમાં ગેરકાયદે પ્રવૃત્તિની વસ્તુઓ, ફરિયાદના મેમો કે તારીખ અને ઘટના સ્થળ વિગેરે વિગેરે સામેલ હોય છે. આ દરેક માહિતી આપ્યા બાદ એમ કહેવામાં આવે છે કે, હવે આ ફોનને સાઇબર સેલમાં અથવા સીબીઆઈ પ્રકારની સરકારી લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સીને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. આ રીતે તેમના દ્વારા પેનિક (ભય) ઊભો કરવામાં આવે છે અને ત્યાર બાદ આ કેસમાંથી તમારું કે તમારી વ્યક્તિનું નામ ફરિયાદમાંથી કાઢવા માટે પૈસા પડાવી લેવામાં આવે છે.
ઘણી વાર આ પ્રકારના કેસમાં વીડિયો કોલ કરીને પણ એક ડર અને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે અને વ્યક્તિને છેતરવામાં આવે છે. આ સાથે જ તેઓ વીડિયો કોલ પરથી એક સેકન્ડ પણ નજર નહીં હટાવવા માટે કહે છે તેમ જ પૈસા પણ વીડિયો કોલ ચાલુ હોય ત્યારે જ ટ્રાન્સફર કરવા કહે છે. જેથી વ્યક્તિને વિચારવા માટે સમય પણ નથી મળતો. નાણાં જ્યાં સુધી ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી ફોન ચાલુ રાખવા ફરજ પાડવામાં આવે છે અને એ પાછળ કલાકો નિકળી વીતી જાય તો, પણ તેઓ વ્યક્તિનો પીછો નથી છોડતા અને કોઈ રાહત નથી આપતા.
તેઓ કોને ટાર્ગેટ બનાવે છે?
તેઓ બને ત્યાં સુધી એવી વ્યક્તિને ટાર્ગેટ બનાવે છે જેમના વિશે તેમને પૂરતી માહિતી મળી રહે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ બહાર પાર્સલ મોકલતી કે મેળવતી રહેતી હોય તો એની ઘણી માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવે છે. વ્યક્તિ ક્યાં ફરવા ગઈ હતી અને કેવી રીતે ગઈ સહિતની તમામ માહિતી પરથી એક પ્લાન બનાવવામાં આવે છે. વ્યક્તિ વિશેની માહિતી કેવી રીતે મળે છે અને શું માહિતી છે એના પરથી આખો પ્લાન નક્કી કરવામાં આવે છે. આ સાથે જ ઑનલાઇન વધુ માહિતી ન મળતી હોય એવી વ્યક્તિને પણ પકડવામાં આવે છે.
ઑનલાઇન માહિતી ન હોય એ વ્યક્તિ ઑનલાઇન બાબતોથી વધુ અપડેટેડ ન હોય એવું બનતું હોય છે. જો કે, ઑનલાઇન માહિતી કાળજીપૂર્વક સુરક્ષિત રાખતી વ્યક્તિને પણ તેઓ ટાર્ગેટ કરતા હોય છે. પરંતુ એમાં તેમનો પ્લાન મોટાભાગે સફળ નથી થતો હોવાનું જોવા મળ્યું છે. આ પ્રકારનું રેકેટ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલે છે.
પોતાને કેવી રીતે સુરક્ષિત કરશો?
આ પ્રકારના કોઈ પણ ફોન આવે ત્યારે ડરવા કરતાં શાંતિથી વાત કરવી જોઈએ. તેમને કેટલાક જટિલ સવાલો કરી ગૂંચવી નાંખે એવી માહિતી મેળવવાની કોશિશ કરવી જોઈએ. તેમ જ આ પરિસ્થિતિને થાળે પાડવા માટે રૂબરૂમાં મુલાકાત કરવાનું કહેવું જોઈએ એવું નિષ્ણાતોનું માનવું છે. આ પ્રકારના જ્યારે પણ ફોન આવે ત્યારે ડરવા કરતાં આ પ્રકારની જેને માહિતી હોય એ મંચ અથવા વ્યક્તિ કે પોલીસની મદદ લેવી. તેમ જ સાઇબરક્રાઇમની હેલ્પલાઇન અથવા તો વેબસાઇટ પર જઈને તરત જ ફરિયાદ પણ કરી શકાય છે.
ગુજરાતમાં ડિજિટલ હાઉસ અરેસ્ટના કિસ્સા
દેશભરમાં ડિજિટલી અરેસ્ટ કરનારા ઑનલાઈન લૂંટારુઓ ક્યારેક નકલી IPS તો ક્યારેક CBI ઓફિસર બનીને હાઈપ્રોફાઈલ લોકોને દેશદ્રોહી, આતંકવાદી, બળાત્કારી, દાણચોર કહીને લાખો અને કરોડો રૂપિયાની લૂંટ ચલાવે છે. કલાકો સુધી ઘરમાં બંધ રહેવા મજબૂર કરી દે છે. ત્યારે તાજેતરમાં આવી બે ઘટના ગુજરાતમાં ઘટી હતી.
વડોદરાના કેતન સાવંત સોશિયલ મીડિયા પર નવી નોકરીની શોધ કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ સોશિયલ મીડિયા પરથી કેતન સાવંતનો નંબર શોધી તેમને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ દરમિયાન આરોપીએ મોબાઈલ નંબર બ્લોક થઈ જશે, તેવી ધમકી આપીને રૂપિયા પડાવ્યા હતા. કેતન સાવંતને સાયબર માફિયાઓએ 34 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યા હતા. જેમાં કેતન સાવંત પાસેથી સાયબર માફિયાઓએ 1.65 લાખ ખંખેરી લીધા હતા. ઉપરાંત તમારો ફોન નંબર બ્લોક થઈ જશે કહી સાયબર માફિયાઓએ ઠગીને 3 નવેમ્બરે બપોરના 1 વાગ્યાથી 4 નવેમ્બર રાત્રે 10 વાગ્યા સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા હતા. આ ઘટનામાં કેતનભાઇએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ઘટના રાજકોટ શહેરની છે. આ ઘટનાનો ભોગ બનેલા મહેન્દ્રભાઇએ જણાવ્યું હતુ કે, પ્રથમ મોબાઈલ ફોન કરી તમારા ખાતામાં રૂ 2.5 કરોડ છે અને તમે મની લોન્ડરિંગનો ઉપયોગ કર્યો છે તેમ કહીને ડરાવ્યા ધમકાવ્યા હતા. જે બાદ તમારું અરેસ્ટ વોરંટ કઢાયું છે તેમ કરીને ડિજિટલ હાઉસ અરેસ્ટ પણ કર્યા હતા.
ઉપરાંત દર કલાકે ફોટાઓ પાડીને માનસિક ટોર્ચર પણ કર્યા હતા. આ ઉપરાંત દર બે કલાકે ફોન કરવાનું કહી સવાર બપોર સાંજ વૉટ્સૅપ પર નિવૃત્ત બેંક મૅનેજર વૃદ્ધના ફોટા મંગાવતા હતા. જેમાં તેઓએ કટકે કટકે રૂપિયા 56 લાખ પડાવ્યા હતા. આ રીતે નિવૃત્ત બેંક કર્મી મહેન્દ્રભાઈ મહેતા સાયબર ફ્રોડનો શિકાર બન્યા હતા. જેને લઇ સાયબર ફ્રોડ મામલે રાજકોટ સાયબર ક્રાઇમમાં મહેન્દ્રભાઈ મહેતાએ ફરીયાદ નોંધાવી હતી.
ગુજરાત આ ઉપરાંત પણ અન્ય કેટલાક ડિજિટલ હાઉસ અરેસ્ટ સ્કૅમના કિસ્સા નોંધાઈ ચૂક્યા છે.
ડિજિટલ હાઉસ અરેસ્ટ અંગે સરકારે શું ચેતવણી આપી છે?
વડા પ્રધાન મોદી દ્વારા પણ આ મામલે ચેતવણી આપવામાં આવેલ છે. ભારત સરકારે ડિજિટલ હાઉસ અરેસ્ટ અંગે અખબારોમાં જાહેરાત આપી છે.
આ જાહેરાતની મદદથી લોકોને ડિજિટલ અરેસ્ટ સામે જાગૃત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાની જાહેરાતમાં કહ્યું કે, જનતાએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. આગળ લખવામાં આવ્યું હતું કે, CBI, ED, પોલીસ, જજ વીડિયો કૉલની મદદથી તમારી ધરપકડ નહીં કરી શકે. આવા કેસ માટે તમે www.cybercrime.gov.in પર તમારો રિપોર્ટ નોંધાવી શકો છો. સરકારે લોકોને કટોકટીના સમયે મદદ લેવા માટે 1930 ડાયલ કરવાનું પણ કહ્યું છે. ગૃહ મંત્રાલયે પણ આ પ્રકારે એક ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરી છે જેથી કરીને તમે આવા મામલાથી પોતાને બચાવી શકો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044