Authors
Claim – બાંગ્લાદેશના માર્કેટમાં હિન્દુ યુવતીએ બુરખો ન પહેરતા તેની સાથે મારપીટ થઈ.
Fact – વાયરલ દાવો ખોટો છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ મામલે સોશિયલ મીડિયામાં એક પછી એક વાઇરલ વીડિયો ફેલાઈ રહ્યા છે. આ વિશે ઘણા વીડિયો ખોટા કોમી દાવા સાથે વાઇરલ થયા છે.
દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વધુ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશના માર્કેટમાં હિન્દુ છોકરીઓને બુરખો કે હિજાબ ન પહેરવા બદલ નિશાન બનાવવામાં આવી રહી છે.
જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ વાયરલ દાવો ખોટો છે. આ મામલો બાંગ્લાદેશના કૉક્સ બજારનો છે, જ્યાં પોલીસે મોહમ્મદ ફારુકુલ ઈસ્લામ નામના વ્યક્તિની મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સને મારવાના આરોપમાં ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બ્લેક ટી-શર્ટ પહેરેલો યુવક મહિલાને ઉઠકબેઠક કરાવતો અને લાકડી વડે મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાંથી એકમાં, યુવક કેટલાક પોલીસકર્મીઓની સામે ઊભેલો જોવા મળે છે, જ્યારે એક મહિલા રડતી અને કહેતી જોવા મળે છે કે અમે ફરી ક્યારેય કૉક્સ બજાર નહીં આવીએ. આ ઉપરાંત તે તેનો છીનવેલો મોબાઈલ પાછો મેળવવા માટે આજીજી કરતી જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર સ્થાનિક મીડિયાના હૅન્ડલે આ વીડિયો સાથે કૅપ્શન છે જેમાં લખ્યું છે કે, “બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઇસ્લામવાદીઓએ કોક્સ બજાર બીચ પર હિજાબ ન પહેરવા બદલ હિંદુ આદિવાસી મહિલાની મારપીટ કરી.”
અત્રે નોંધવું કે આ વીડિયો અને દાવો અન્ય ભાષાઓમાં પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ છે.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
Fact Check/Verification
ન્યૂઝચેકરે દાવો ચકાસવા માટે વીડિયોની કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કરી. જેમાં અમને બંગાળી સમાચાર આઉટલેટ DBC NEWS Dailyની YouTube ચૅનલ પરથી 14 સપ્ટેમ્બર 2024ના રોજ અપલોડ કરવામાં આવેલ એક વીડિયો રિપોર્ટ મળ્યો, જેમાં વાયરલ વીડિયોના સમાન દ્રશ્યો છે.
વીડિયો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશના કૉક્સ બજારમાં એક યુવકે કેટલીક મહિલા પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કૉક્સ બજાર શહેરમાંથી મોહમ્મદ ફારુકુલ ઈસ્લામ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત માહિતીના આધારે કીવર્ડ સર્ચ કરતા અમને ઢાકા ટ્રિબ્યુનની વેબસાઈટ પર 14 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રકાશિત થયેલ એક અહેવાલ મળ્યો. આ રિપોર્ટમાં પણ વાયરલ વીડિયોના દ્રશ્યો જોવા મળે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કૉક્સ બજારમાં મહિલાઓની છેડતીના કેટલાક વીડિયો સામે આવ્યા હતા. આમાંના કેટલાક વીડિયોમાં પુરુષોના જૂથ દ્વારા મહિલાઓને માર મારવામાં આવી હોવાના દ્રશ્યો છે. તે જ સમયે એક વિડિયોમાં એક મહિલા પોલીસકર્મીઓને તેના મોબાઇલ અને અન્ય વસ્તુઓ પરત મેળવવા વિનંતી કરી રહી હતી. જેને ઉપરોક્ત જૂથ દ્વારા છીનવી લેવામાં આવ્યાં હતાં. વીડિયો વાઈરલ થયા બાદ 13 સપ્ટેમ્બરના રોજ કૉક્સ બજારની ડિટેક્ટિવ બ્રાન્ચે 22 વર્ષીય મોહમ્મદ ફારુકુલ ઈસ્લામ નામની વ્યક્તિની અટકાયત કરી હતી.
વધુમાં અમને 15 સપ્ટેમ્બર 2024ના રોજ અજકર પત્રિકાની વેબસાઇટ પર પ્રકાશિત થયેલ અહેવાલ મળ્યો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આરોહી ઈસ્લામ નામના ટ્રાન્સજેન્ડરે કૉક્સ બજાર સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મોહમ્મદ ફારુકુલ ઈસ્લામ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત સમાચારમાં આરોહી નામની વ્યક્તિએ નોંધાવેલી FIRનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોતાની સ્થિતિનું વર્ણન કરતાં મહિલાએ લખ્યું હતું કે, “હું મારા કેટલાક સાથી ટ્રાન્સજેન્ડરો સાથે 11 સપ્ટેમ્બરની સાંજે કૉક્સ બજારના સુગંધ્યા બીચ વિસ્તારમાં ફરવા ગઈ હતી. જ્યાં ફારુખ ઇસ્લામે અમારા પર પર્યાવરણ પ્રદૂષિત કરવાનો અને લોકોને હેરાન કરવાનો આરોપ લગાવીને અમારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ દરમિયાન તેણે અમારા સાથીદારો પર હુમલો કર્યો અને ફોન પણ છીનવી લીધો. આટલું જ નહીં ફારુકુલ ઈસ્લામના સાગરિતોએ અમારી છેડતી પણ કરી હતી. પરંતુ પાછળથી કેટલાક લોકો આવ્યા અને અમને બચાવ્યા અને તબીબી સહાય પૂરી પાડી.”
આ ઉપરાંત અમને 14 સપ્ટેમ્બર-2024ના રોજ પ્રથમલોની વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલમાં પોલીસને ટાંકીને પણ લખવામાં આવ્યું છે કે, ડિટેક્ટીવ બ્રાન્ચે કૉક્સ બજારમાં ટ્રાન્સજેન્ડર પર હુમલો કરવાના આરોપમાં મોહમ્મદ ફારુકુલ ઈસ્લામ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.
અમે અમારી તપાસમાં કૉક્સ બજાર પોલીસનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમનો જવાબ પ્રાપ્ત થશો તો, અહવેલામાં સામેલ કરી લેવામાં આવશે.
Conclusion
અમારી તપાસમાં મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, બાંગ્લાદેશમાં હિંદુ યુવતીઓને બુરખો ન પહેરવા બદલ માર મારવામાં આવતો હોવાનો વાયરલ દાવો ખોટો છે.
Result – False
Our Sources
Article Published by prathamalo on 14th sep 2024
Article Published by dhaka tribune on 14th sep 2024
Article Published by ajkerpatrika on 15th Sep 2024
Video by DBC NEWS Daily on 14th Sep 2024
(ન્યૂઝચેકર હિંદી દ્વારા પણ અહેવાલ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044