તાજેતરમાં, હરિયાણાના હિસારનાં રહેવાસી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક મહિલાને માર મારવાનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે જ્યોતિ મલ્હોત્રાનો છે. વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુનાવણી દરમિયાન જ્યોતિ મલ્હોત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો.
વીડિયો શેર કરીને સ્થાનિક મીડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, “દેશની ગદ્દાર, પાકિસ્તાની જાસુસ, જ્યોતિ મલ્હોત્રા સાથે આવો વ્યવહાર થઇ રહ્યો છે.”
વીડિયોમાં એક મહિલા પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવતો દેખાય છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, આ દાવો ખોટો છે. વાયરલ થઈ રહેલો વીડિયો બાંગ્લાદેશમાં બનેલી એક ઘટનાનો છે.
Fact Check/Verification
વાયરલ દાવાની પુષ્ટિ કરવા માટે અમે ગુગલ પર ‘જ્યોતિ મલ્હોત્રા પર સુનાવણી માટે હાજર થયા ત્યારે હુમલો કરવામાં આવ્યો‘ કીવર્ડ્સ સર્ચ ચલાવી. તપાસ દરમિયાન, અમને જ્યોતિ મલ્હોત્રા પર હુમલો થયો હોવાની પુષ્ટિ કરતો કોઈ અહેવાલ મળ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યોતિ મલ્હોત્રાને 22 મે 2025ના રોજ હિસાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ લેન્સની મદદથી વીડિયોના મુખ્ય ફ્રેમ્સ ચકાસ્યા. દરમિયાન, અમને બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલ પ્રોટીડીનર બાંગ્લાદેશની યુટ્યુબ ચેનલ પર વાઇરલ વિડિઓનું લાંબું વર્ઝન મળ્યું. 6 ફેબ્રુઆરી 2025ના આ વિડીયો રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ ઘટના બાંગ્લાદેશની છે. એવું કહેવાય છે કે વીડિયોમાં દેખાતી મહિલા ‘ધનમંડી 32’ના તોડી પાડવાનો વિરોધ કરી રહી હતી.

વધુ તપાસ કરવા માટે અમે સંબંધિત કીવર્ડ્સ માટે Google સર્ચ કરી. આ સમય દરમિયાન અમને બાંગ્લાદેશમાંથી આ ઘટના સંબંધિત ઘણા મીડિયા અહેવાલો મળ્યા. અહેવાલો અનુસાર, આ ઘટના ફેબ્રુઆરી 2025માં બાંગ્લાદેશના ઢાકામાં બની હતી. તે સમય દરમિયાન, લોકોએ બાંગ્લાદેશના રાષ્ટ્રીય વારસા ‘ધનમોંડી 32’નો નાશ કર્યો હતો. એ વાત જાણીતી છે કે, ‘ધનમંડી 32’ બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનનું ઘર હતું. વીડિયોમાં દેખાતી મહિલા શેખ મુજીબુર રહેમાનના ઘર તોડી પાડવાનો વિરોધ કરી રહી હતી. આનાથી ગુસ્સે થઈને, શેખ હસીનાના પક્ષના વિરોધીઓએ મહિલાને અવામી લીગની એજન્ટ ગણાવીને માર મારવાનું શરૂ કર્યું. અજકર મેગેઝિન અને કાલબેલા ન્યૂઝે આ બાબતે અહેવાલ આપ્યો હતો.

Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, જ્યોતિ મલ્હોત્રાને માર મારવામાં આવ્યો હોવાનો દાવો ખોટો છે. આ વીડિયો બાંગ્લાદેશમાં એક મહિલા પર થયેલા હુમલા સાથે સંબંધિત છે.
Sources
Report Published by Protidiner Bangladesh on 6th February 2025.
Report Published by Kalbela News on 6th February 2025.
Report Published by ajkerpatrika on 6th February 2025.
(અહેવાલ ન્યૂઝચેકર હિંદીના કોમલ સિંહ દ્વારા પ્રથમ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)