Authors
Claim – ઋષિકેશ-કર્ણપ્રયાગ જતી ટ્રેનનો આકાશી નજારો
Fact – દાવો ખોટો છે. વીડિયોમાં દેખાતી જગ્યા ચીનના હુનાન પ્રાંતની છે. ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ્વે ટ્રૅક લાઇન પ્રોજેક્ટ પર હજુ કામ ચાલુ છે. તે નિર્માણાધિન છે.
ભારતમાં ચારધામ યાત્રાનું ખૂબ જ મહત્ત્વ છે. જેમાં છોટી ચારધામ યાત્રા કેદારનાથ-બદ્રિનાથ-ગંગૌત્રી-યમુનૌત્રી માટે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે યાત્રા કરતા હોય છે. જોકે, આ યાત્રા માટે આખરી રેલ્વે સ્ટેશન યોગનગરી ઋષિકેશ સુધીનું જ છે. ત્યાંથી આગળ રોડ મારફતે જ યાત્રા કરવી પડે છે. આ યાત્રા કરવામાં સમય પણ ઘણો લાગતો હોય છે.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ જોવા મળ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવે ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ્વે લાઇન શરૂ થઈ ગઈ છે અને તેના પર ટ્રેન ચલાવાઈ રહી છે. જેથી ચારધામની યાત્રા સરળ થઈ જશે.
સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા વીડિયોમાં કૅપ્શનમાં લખ્યું છે, “ ઋષિકેશ-કર્ણપ્રયાગ જતી ટ્રેનનો આકાશી નજારો.”
શેર કરવામાં આવેલા વીડિયોમાં એક ટ્રેન પહાડોમાં બનેલા રેલ્વે ટ્રેક પરથી પસાર થઈ રહી છે. તે એક પછી એક આવતી ટનલમાંથી પસાર થઈ રહી છે. બાજુમાંથી નીચે નદી વહી રહી છે.
વીડિયોમાં લખાણ પણ છે જેમાં કહેવાયું છે કે, “હવે ચારધામ યાત્રા સરળ થઈ જશે. ઋષિકેશ-કર્ણપ્રયાગ ટ્રેનનો ઍરિયલ વ્યૂ. જુઓ આવી દેખાય છે ઋષિકેશ-કર્ણપ્રયાગ ટ્રેન. તે 213 કિલોમિટર લાંબી સુરંગમાંથી પસાર થશે. અત્યાર સુધી 176 કિલોમિટર કામ પૂર્ણ થઈ ગયું છે. તથા 11 રેલ્વે સ્ટેશનોનું કામ પણ ચાલી રહ્યું છે.”
જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
Fact Check/Verification
દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે ગૂગલ સર્ચની મદદ લીધી. જેમાં અમે ‘ઋષિકેશ-કર્ણપ્રયાગ ચારધામ ટ્રેન’ કીવર્ડની મદદથી સર્ચ ચલાવી. સર્ચ ચલાવતા અમને આ પ્રોજેક્ટ મામલેના વિવિધ અહેવાલો મળ્યા.
જેમાં સમાચાર અહેવાલોની સાથે સાથે ચારધામ યાત્રા રેલ્વે નેટવર્કનું નિર્માણ કરી રહેલ રેલ્વે વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ)ની વેબસાઇટની લિંક પ્રાપ્ત થઈ.
આરવીએનએલની વેબસાઇટ અનુસાર ઋષિકેશ-કર્ણપ્રયાગ બ્રોડગેજ ન્યૂલાઇન નવો પ્રોજેક્ટ છે. અને તે 125 કિલોમિટર લાંબી રેલ્વે લાઇનનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયેલ નથી.
વધુમાં અમને સર્ચ દરમિયાન એવા કોઈ સમાચાર અહેવાલ પ્રાપ્ત નથી થયા જેમાં આ રેલ્વે લાઇન કાર્યરત થઈ ગઈ હોય અને ઉદ્ધાઘટન પણ થઈ ગયું હોય તેવો ઉલ્લેખ કરાયેલ હોય.
વળી, રેલ મંત્રાલય દ્વારા 19 સપ્ટેમ્બર-2024ના રોજ કરવામાં આવેલા ટ્વિટમાં પ્રોજેક્ટના સ્ટેટસ વિશે માહિતી આપવામાં આવેલ હતી.
તેમાં કહેવાયું છે કે, “દેવભૂમિ ઋષિકેશ-કર્ણપ્રયાગ નવી બ્રોડગેજ રેલ લાઇનનો પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. તેમાં 11 સ્ટેશનોનું બાંધકામ થઈ રહ્યું છે. 213માંથી 176 કિલોમિટર ટનલનું કામ થઈ ગયું છે. તેનાથી 5 રાજ્યોની કનેક્ટિવિટી તથા ચારધામની કનેક્ટિવીટીને વેગ મળશે.”
જેનો અર્થ એ છે કે, ઉત્તરાખંડ રાજ્યમાં ચારધામ યાત્રા માટેની ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ્વે લાઇન સંપૂર્ણ કાર્યરત થઈ નથી. આથી વીડિયોમાં દેખાતી ટ્રેન અને સ્થળ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ્વે લાઇનના નથી.
દરમિયાન, ન્યૂઝચેકરને તેની WhatsApp ટિપલાઇન (+91 9999499044) પર યુઝર તરફથી તાજેતરમાં આ પ્રકારનો જ દાવો એક વીડિયો સાથે તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. અને તેની અધિકૃતતા ચકાસવા વિનંતી કરવામાં આવી છે.
આ વીડિયોમાં પણ દાવો કરાયો હતો કે, ઉત્તરાખંડ-દેવપ્રયાગથી શ્રીનગરની ટ્રેન. (આર્કાઇવ પોસ્ટ અહીં જુઓ)
ન્યૂઝચેકરે આ વીડિયો ઉત્તર રેલ્વેને સત્યતા ચકાસવા મોકલ્યો હતો. જેમાં રેલ્વેના જનસંપર્ક અધિકારી દ્વારા સ્પષ્ટતારૂપે જબાવ આપવામાં આવેલ કે, “કર્ણપ્રયાગ રેલ્વે પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. હજુ સુધી તે લાઇન ચાલુ નથી થઈ. આથી વાઇરલ વીડિયો તે જગ્યાનો નથી.”
જે વાત સ્પષ્ટ કરે ઠે કે, બંને વાઇરલ વીડિયો દાવો કરાયો છે તે જગ્યાના નથી.
વળી બંને વીડિયો ધ્યાનથી જોતા તેમાં દેખાતી ટનલવાળી જગ્યામાં સામ્યતા જોવા મળે છે. બંને વીડિયોમાં ટ્રેન અલગ અલગ છે, પરંતુ જગ્યા એક સમાન હોવાનું જણાયું.
જેથી અમે ફેક્ટચેક ટૂલ ઇનવિડની મદદથી વાઇરલ વીડિયોના કીફ્રેમ્સ ચકાસ્યા. કીફ્રેમ્સ ચકાસતા અમને કેટલીક અન્ય સોશિયલ મીડિયા પોસ્ટ પ્રાપ્ત થઈ. આ પોસ્ટમાં દેખાતી જગ્યા વાઇરલ વીડિયોમાં દેખાતી જગ્યા જેવી જ જણાઈ આવી. તે પોસ્ટ અહીં, અહીં, અને અહીં, અહીં, તથા અહીં, અહીં જુઓ.
ઉપરોક્ત સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કરાયેલા વીડિયોના વિઝ્યૂઅલ અને તેની જગ્યા બંને વાઇરલ વીડિયો જે ઉત્તરાખંડ ઋષિકેશ રેલ્વે લાઇનના દાવા સાથે શેર કરાયેલા છે તેની સાથે સામ્યતા ધરાવતા હોય તેવું જણાય છે.
વળી, ઉપરોક્ત શેર કરાયેલ સોશિયલ મીડિયા પોસ્ટના વીડિયોમાં કહેવામાં આવેલ છે કે, આ જગ્યા અને ટ્રેન ચીનના હુનાંન પ્રાંતનાં છે.
આથી અમે ગૂગલ અર્થની મદદથી ચીનના હુનાન પ્રાંતની એ જગ્યા શોધવાની કોશિશ કરી.
ગૂગલ અર્થમાં હુનાન પ્રાંતની જગ્યા સ્પષ્ટ જોઈ શકાય છે. હુનાન પર્તના લિજોજિયા ગામ પાસેથી રેલ્વે ટ્રેક પસાર થાય છે અને આગળ પહાડ છે, તથા બાજુમાં નદી છે.
વળી, વાઇરલ વીડિયો અને ન્યૂઝચેકરને ફેક્ટ ચેક માટે મળેલા વીડિયોમાં જે લૉકેશન છે તે ગૂગલ અર્થની જગ્યા સાથે સામ્યતા ધરાવે છે. બંને વીડિયોમાં માત્ર ટ્રેન અલગ અલગ દર્શાવાઈ છે. પરંતુ જગ્યા એક જ છે.
આમ, વાઇરલ વીડિયોમાં દેખીતી જગ્યા ઉત્તરાખંડના દેવપ્રયાગ કે કર્ણપ્રયાગ રેલ્વે લાઇનની નહીં પરંતુ ચીનના હુનાન પ્રાંતના રેલ્વે લાઇનની છે. જ્યાં એક પછી એક ટનલ આવતી જાય છે.
Conclusion
અમારી તપાસમાં એ જાણવા મળે છે કે, વાઇરલ વીડિયો ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ્વે લાઇન ટ્રેનના ઍરિયલ વ્યૂમાં જોવા મળતી જગ્યા ખરેખર ચીનના હુનાન પ્રાંતની છે. ટ્રેનના ઍરિયલ વ્યૂનો વીડિયો દેવપ્રયાગ-કર્ણપ્રયાગ રેલ્વે લાઇનનો નથી.
Result: False
RVNL Website
Railway Ministry Tweet
Social Media Posts-You Tube Video
Google Earth
Telephonic Conversation with Railway Official
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044