Thursday, March 13, 2025

Fact Check

Fact Check – ગાયના છાણાની સ્ટિક દ્વારા હોલિકા દહન કરવાથી પર્યાવરણમાં પ્રદૂષણ નથી થતું? શું છે સત્ય

banner_image

Claim

image

ગાયના છાણાની સ્ટિક્સ દ્વારા હોલિકા દહન કરવાથી વાયુ પ્રદૂષણ નથી થતું અને તે પર્યાવરણને શુદ્ધ કરે છે.

Fact

image

દાવો ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવેલ છે. ગાયના છાણાનું દહન ઘણા પ્રકારના હાનિકારક ગૅસ-તત્ત્વોનું ઉત્સર્જન કરે છે અને વાયુ પ્રદૂષણ પણ થતું હોય છે.

હોળી-ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી છે. બજારમાં રંગબેરંગી રંગો અને પિચકારીઓની સાથે સાથે તહેવારના ખાનપાન અને પૂજાસામગ્રીનું વેચાણ ચાલી રહ્યું છે.

દરમિયાન, સોશિયલ મીડિયામાં હોલિકા દહન (હોળી) મામલે કેટલાક વીડિયો વાઇરલ થયા છે.

ફેસબુક સહિતના પ્લૅટફૉર્મ પર આ વીડિયો વાઇરલ થયા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વખતે છાણાની સ્ટિકનું દહન કરો અને વૈદિક હોળી ઉજવો. આમ કરવાથી ગૌશાળાની ગાયો માટે લાભકારી છે અને પર્યાવરણમાં પ્રદૂષણ પણ નથી થતું.”

વળી, વીડિયોમાં પર્યાવરણ સુરક્ષા મામલેના વિવિધ દાવાઓ કરાયા છે. અને સાથે સાથે વીડિયોમાં છાણાની સ્ટિકનો ઑર્ડર આપવા માટે નંબર પણ આપવામાં આવેલા છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.

ન્યૂઝચેકરે છાણાની સ્ટિકથી ખરેખર પ્રદૂષણ નથી થતું એ જાણવાની કોશિશ કરી.

Fact Check/Verification

સૌપ્રથમ દાવાની તપાસ માટે અમે ગૂગલ સર્ચની મદદ લીધી. જેમાં અમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૉક્સિકૉલૉજી રિસર્ચ, લખનૌ દ્વારા પ્રકાશિત એક રિસર્ચ પૅપર પ્રાપ્ત થયું.

રિસર્ચ પૅપરનું શીર્ષક છે – બાયૉમાસ ઇંધણ એવા છાણા (cow dung)ના દહનના હાનિકારક તત્ત્વોનું વિશ્લેષણ

પ્રો. કેવલ લાલ, પ્રો. યુ મણી, પ્રો. રુચિ પાંડે, પ્રો. આર.સી. મૂર્તિની ટીમ દ્વારા છાણાનાં દહનથી ઉત્પન થતાં હાનિકરાક તત્ત્વો અને તેની અસરો પર સંશોધન કરવામાં આવેલ છે.

Courtesy – Screengrab Science Direct

રિસર્ચમાં કહેવાયું છે કે ભારત સહિતના વિકસી રહેલા દેશોમાં 50 ટકાથી વધુની વસ્તી ઇંધણ તરીકે બાયૉમાસનો ઉપયોગ કરે છે. જેમાં છાણાનું પ્રમાણ સૌથી વધુ હોય છે. છાણાનું દહન એક અપૂર્ણ દહન હોવાથી તે હવામાં કેટલાક હાનિકારક ગૅસ અને તત્ત્વો ફેલાવે છે. જેની સ્વાસ્થ્ય પર માઠી અસર થતી હોય છે.

દરમિયાન, અમે છાણાની સ્ટિકનું વેચાણ કરતી ગૌશાળાનો પણ સંપર્ક કર્યો. અમે જાણવાની કોશિશ કરી કે, આ છાણાની સ્ટિકની બનાવટ કેવી છે.

સુરતના અમરોલી સ્થિત ગાંધારી આશ્રમ ગૌશાળાના યોગેશભાઈ (પટેલ)એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “તેમને આ વખતે ખૂબ સારા પ્રમાણમાં ઑર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે. આખા ય સુરતમાં આ વખતે છાણાની સ્ટિક વાપરવાનો ટ્રૅન્ડ જોવા મળી રહ્યો છે. 300-500 કિલોના ઑર્ડર પ્રતી હોળી દહન મળી રહ્યા છે. અંદાજે અત્યાર સુધી 15 હજાર કિલોના ઑર્ડર મળી ગયા છે.”

અમે તેમને સવાલ કર્યો કે, છાણાની સ્ટિક વાપરવાથી પ્રદૂષણ નથી થતું અને તે પર્યાવરણ માટે લાભકારી છે તે દાવા વિશે આપનું શું કહેવું છે? અને આ સ્ટિકની બનાવટ કેવી છે?

આ સવાલના જવાબમાં યોગેશભાઈ જણાવે છે કે, “છાણાની સ્ટિકમાં ગાયનું ગોબર છે. એ સિવાય બીજું કંઈ જ નથી. વળી, વૈદિક હોળીનો કૉન્સેપ્ટ એ છે કે, ગાય અને તેના મળ-મૂત્રને પવિત્ર ગણવામાં આવે છે. વૈદિકકાળથી તેનો પૂજામાં ઉપયોગ થાય છે. આછી છાણાનો ઉપયોગ હોળી માટે પવિત્ર છે.”

“વળી લોકો હોળીમાં ઘરનું ખરાબ થયેલું ફર્નિચર, પંતગો, લાકડાં, ટાયરો સહિતની વસ્તુઓ બાળતા થયા છે. જે અતિશય પ્રદૂષણ કરે છે અને હોળી દહનની યોગ્ય પદ્ધતિ નથી. લાકડાં કરતા છાણા સસ્તા છે અને પર્યાવરણ માટે પણ લાભકારી છે. તે ઑક્સિજન પણ વધારે છે.”

“દર વર્ષે હોળીમાં અતિશય વૃક્ષો કપાય છે. આમ, છાણા વાપરવાથી લાકડાં નહીં કપાશે. જે પર્યાવરણ માટે પણ સારું છે. અને છાણા બાળવાથી ઘણા જંતુઓ પણ નાશ પામતા હોય છે અને વાતાવરણ માટે પણ તે લાભદાયી છે.”

“ગૌમાતા માટે પણ આ ઘણું સારું છે. લોકોમાં ગૌમાતા વિશે વધુ જાગૃતિ આવશે. તેમના ઉત્પાદથી થતી કમાણીથી ગૌશાળામાં ગાયો માટે વધુ સુવિધા અને જાળવણીની વ્યવસ્થાઓ ઊભી થઈ શકશે.”

“અમે છેલ્લા ઘણા વર્ષોથી ગૌશાળા સાથે સંકળાયેલા છીએ અને સેવા કરીએ છીએ. સૌ સાથે મળીને બધું કરીએ છીએ. અમારો પ્રયાસ છે કે અમે ગૌમાતા માટે કંઈક કરીએ.”

જોકે, અમે તેમને વળતો સવાલ પૂછ્યો કે શું તમે જાણો છો કે, છાણાની સ્ટિક વાપરવાથી પણ પ્રદૂષણ થતું હોય છે? તે પણ વાયુ પ્રદૂષણ સર્જી શકે છે તેના જવાબમાં તેમણે વૈદિક પરંપરાનો આધાર આપી આ પદ્ધતિ પર્યાવરણ માટે સુરક્ષિત હોવાની વાત કહી હતી.

ભૂતકાળમાં આપણે નોંધ્યું છે કે, સ્વાસ્થ્ય મામલે ઘણા ખોટા દાવાઓ અને માન્યતાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. તેમાં કૅન્સર મટાડતા જ્યૂસથી લઈને ડાયાબિટિસના અકસીર તત્કાલિક ઇલાજ સહિતના દાવા વાઇરલ થયા હતા.

ન્યૂઝચેકરે આ દાવાઓને તપાસી તેના જોખમો વિશે સાચી માહિતી ઉજાગર કરી હતી.

વળી, સૂર્ય હોય કે ચંદ્ર ગ્રહણ આ મામલે પણ ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે. તેને પણ વિજ્ઞાનની તર્જ પર ચકાસી તેની આધુનિક યુગમાં હવે જરૂર છે કે નહીં અથવા તે એક માન્યતા કે ગેરમાન્યતા માત્ર છે તે જાણવું પણ જરૂરી બનતું આવ્યું છે. તેમ વૈદિકકાળની માન્યતાઓ અને આજની વર્તમાન પરિસ્થિતિના સંદર્ભે આ પ્રકારના દાવાઓની ચકાસણી વૈજ્ઞૈનિક ઢબે થાય અને વિજ્ઞાનનો દૃષ્ટિકોણ પણ આ વિશે ગણતરી લેવામાં આવે તે મહત્ત્વનું છે.

આ મામલે અમે નિષ્ણાત સાથે પણ વાતચીત કરી. વિજ્ઞાન અને ધાર્મિક માન્યતાઓ વચ્ચેના સંબંધ તથા તેમાંથી જન્મ લેતી ગેરમાન્યતાઓ વિશે વિશ્લેષણ પૂરું પાડતા ડૉ. મીના તલાટીએ અમારી સાથે વાતચીત કરી.

ભરુચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કૉલેજના પ્રોફેસર ડૉ. મીના તલાટીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “જ્યાં સુધી વૈદિક હોળીના કૉન્સેપ્ટની વાત છે, તો એ સમયની પરિસ્થિતિ અને બાબતો અત્યારના સમય કરતા ખૂબ જ અલગ હતા.”

“કેમ કે, એ સમયે હાલ જે પ્રકારે પ્રદૂષણ છે તેવું પ્રદૂષણ નહોતું. વળી એ સમયે ગાયોને પ્રાકૃતિક ખોરાક આપવામાં આવતો હતો. તેમાં કોઈ કૅમિકલ કે પેસ્ટિસાઇડ્સ કે અન્ય કચરો નહોતો સામેલ. જ્યારે હવે મોટાભાગે ગાયોને જે ખવડાવમાં આવે છે, તે ખોરાક કે ચારામાં ભેળસેળ હોય છે અને તેમાં પેસ્ટિસાઇડ્સ હોય છે.”

“વળી ગાયના છાણાનું દહન એ અપૂર્ણ દહન છે. જેનો અર્થ કે તે હવેમાં ધુમાડો અને તેમાં કેટલાક એરોસોલ્સ અને ગૅસ ઉત્સર્જિત કરે છે. ગાયનું છાણ એ તમામ તત્ત્વો ધરાવે છે, જે તેણે આહારમાં પણ લીધા હોય છે. આમ જ્યારે ગાયના છાણાનું દહન થાય છે, ત્યારે તેમાં પર્ટિક્યુલેટ મેટર (PM2.5), કાર્બન મૉનૉક્સાઇડ, નાઇટ્રૉજન ડાયઑક્સાઇડ, પૉલિઍરૉમેટિક હાયડ્રોકાર્બન અને મિથેન સહિતના ગૅસ ઉપરાંત ટ્રેસ ઍલિમેન્ટ્સ હોય છે. આ બધું જ વાતાવરણની હવામાં ભળવાથી વાયુ પ્રદૂષણ સર્જાય છે. આ તત્ત્વો કે ગૅસનું વધુ પ્રમાણમાં લાંબા સમય સુધી શ્વસન કરવાથી ફેફસાને લગતી, શ્વાસને લગતી બીમારીઓ થઈ શકે છે.”

“બાયૉમાસમાં મોટા પ્રમાણમાં વિવિધ કૅમિકલ્સની હાજરી હોવાથી તે સ્વાસ્થ્યને માઠી અસર પહોંચાડે છે. આ મામલે ઘણા સંશોધનો પણ સૂચવે છે કે છાણાના દહનથી પલ્મૉનરી ટિશ્યૂને નુકસાન થાય છે અને તેનાથી શ્વસન સંબંધિત ચેપો લાગે છે.”

“આમ, ગાયના છાણાની સ્ટિક્સ વાપરવાથી વાયુ પ્રદૂષન ન થાય એ વાત ખોટી છે. વળી તેનાથી વાતાવરણ શુદ્ધ થાય તે વાત તો તદ્દન ખોટી ગેરમાન્યતા છે. વર્તમાન સમયમાં ગાયના છાણાને વૈદિક કૉન્સેપ્ટ સાથે જોડવું વૈજ્ઞાનિક દૃષ્ટિએ ખોટા સંદર્ભ વાળું છે કેમ કે વર્તમાન સમયમાં પર્યાવરણીય પરિસ્થિતિ અને અન્ય પરિબળો એ સમય કરતા ખૂબ જ જુદા છે.”

વળી, જાદવપુર યુનિવર્સિટી દ્વારા પણ એક ચોંકાવનારું સંશોધન હાથ ધરાયું હતું. જેમાં તારણ બહાર આવ્યું હતું કે, ગાયના છાણાનું દહન ઝેરી આર્સેનિક પ્રસરાવે છે.

ડાઉન ટુ અર્થના પ્રકાશિત અહેવાલ અનુસાર, એક વિસ્તારમાં ગ્રાઉન્ડવૉટરમાં આર્સેનિક ભળી ગયું હતું. આ પાણીનો ઉપયોગ ગાયના ચારા માટે થયો હતો. અને આ ચારો ખાવાથી ગાયના છાણામાં પણ આર્સેનિકની હાજરી મળી આવી. આ છાણાના દહનથી આર્સેનિક હવામાં ફેલાયું અને તેની શ્વસનની તકલીફો જોવા મળી હતી.

Courtesy – Screengrab Down to Earth/Indian Environment Portal

આમ, ઉપરોક્ત તમામ સંશોધનો અને બાબતો સૂચવે છે કે, ગાયના છાણાનું દહન વાયુ પ્રદૂષણ નથી કરતું તે દાવો ખોટો છે. ખરેખર તેનાથી પ્રદૂષણ થાય છે અને તેના લાંબા સંપર્કથી શ્વસન સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે.

આમ, લાકડાની જગ્યાએ છાણાનો ઉપયોગ વાયુ પ્રદૂષણ બંધ કરી વાતાવરણને શુદ્ધ કરી દેશે તે માન્યતા ખરેખર ખોટી છે.

અત્રે નોંધવું કે, ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે ઘણી મહિલાઓ લાકડા અને છાણાનો રાંધણના ઇંધણ તરીકે ચૂલામાં ઉપયોગ કરતી હતી અને તેમને શ્વસન સંબંધિત બીમારીઓ થવા લાગી હતી. કેમ કે, તે પ્રદૂષણ ઉત્સર્જન કરે છે.

જેને કારણે કેન્દ્ર સરકાર ઉજ્વલા યોજના લાવી હતી. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને મફતમાં ગૅસ કનેક્શન અને મર્યાદિત સંખ્યામાં ગૅસ સિલિન્ડર આપવામાં આવે છે.

ડેક્કન હેરાલ્ડ દ્વારા પણ વર્ષ 2012માં એક અહેવાલ પ્રકાશિત કરાયો હતો જેમાં ગાયના છાણ દ્વારા આર્સેનિકનું વાયુ પ્રદૂષણ ફેલાતું હોવાની વાત કહેવામાં આવી હતી.

અમે કોઈ ધર્મ કે વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાવવા નથી માગતા પરંતુ માત્ર વૈજ્ઞાનિક તર્ક અને સંશોધન શું કહે છે તે વધારાનો દૃષ્ટિકોણ અને પુરાવા ઉમેરવા માગીએ છીએ જેથી જનતા સર્વગ્રાહી માહિતીઓના આધારે તેમના વિચારો અને નિર્ણયો તથા અભિપ્રાયોને આકાર આપી શકે.

Conclusion

અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ગાયના છાણાના દહનથી વાયુ પ્રદૂષણ નથી થતું અને વાતાવરણ શુદ્ધ થાય છે એ દાવો ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવ્યો છે. કેમ કે મોટાપ્રમાણમાં ગાયના છાણાની સ્ટિક્સના હોલિકા દહનથી વાયુ પ્રદૂષણ થતું હોવાના વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ છે.

Sources
Research Paper Published on Ecotoxicology and Environmental Safety
Report by Down to Earth on Cow Dung Smoke
Deccan Herald Report, dated 2012
Ujwala Yojna, Govt of India, official website
Telephonic conversation with Dr Meena Talati
Telephonic conversation with Gaushala Member Mr Yogesh Patel (Surat)

RESULT
imageMissing Context
image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
No related articles found
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,430

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.