Fact Check
Fact Check – ગુજરાત હેલ્મેટ મુક્ત રાજ્ય બન્યા હોવાના વાઇરલ દાવાનું શું છે સત્ય?
Claim
ગુજરાત હેલ્મેટ મુક્ત બન્યું. શહેરમાં હેલ્મેટ ફરજિયાત નહીં.
Fact
દાવો ખોટો અને ગેરમાર્દે દોરનારો છે. ગુજરાતમાં કોર્ટે હેલ્મેટ મરજિયાત કરેલ નથી.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગ્રાફિક્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, કોર્ટ દ્વારા હેલ્મેટ ચેકિંગને ફગાવી દેવામાં આવ્યુ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત દેશના તમામ રાજ્યમાં ચાલી રહેલા હેલ્મેટ ચેકિંગના કાયદાને કોર્ટે ફગાવી દિધો. તેમજ કોર્ટ દ્વારા એ પણ જણાવવામાં આવ્યુ કે હેલ્મેટ પહેંરવુ ફરજીયાત નથી.”
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારત દેશના તમામ રાજ્યમાં ચાલી રહેલા હેલ્મેટ ચેકિંગના કાયદાને કોર્ટે ફગાવી દીધો છે. તેમજ કોર્ટ દ્વારા એ પણ જણાવવામાં આવ્યુ કે હેલ્મેટ પહેંરવુ ફરજીયાત નથી.”
પરંતુ, અત્રે નોંધવું કે ગુજરાતમાં સતત હેલ્મેટ ચેકિંગ ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ. અમને અમારી ન્યૂઝચેકરની વૉટ્સઍપ ટિપલાઇન પર પણ આ દાવો ફેક્ટચેકની વિનંતી સાથે પ્રાપ્ત થયેલ છે.
Fact Check/Verification
દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે ગૂગલ કીવર્ડ સર્ચની મદદથી કોર્ટમાં સાગરકુમાર નામના વ્યક્તિની હેલ્મેટ મામલેની કોઈ પિટિશન દાખલ થઈ હતી કે કેમ, તે ચકાસવાની કોશિશ કરી. અમે ગૂગલ સર્ચમાં હેલ્મેટ સાગરકુમાર જૈન સહિતના કીવર્ડ સર્ચ ચલાવ્યા.
દરમિયાન, અમને ભારત સરકારના પીઆઈબી ફેક્ટચેક દ્વારા કરવામાં આવેલી X પોસ્ટ પ્રાપ્ત થઈ. 17 માર્ચ-2023ના રોજ કરાયેલ પોસ્ટમાં પીઆઈબી (પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો) દ્વારા જણાવવામાં આવેલ છે કે, સાગરકુમાર જૈનના નામે હેલ્મેટ વિશેનો વાઇરલ મૅસેજનો દાવો ખોટો છે.
તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, “વૉટ્સઍપ પર મૅસેજ વાઇરલ થયો છે કે તમામ રાજ્યોમાં ટુવ્હીલ હેલ્મેટ ચેકિંગને ખારિજ કરી દેવાયેલ છે. પરંતુ ખરેખર સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. ખરેખ વાઇરલ દાવો ખોટો દાવો છે.”
વળી, વધુ તપાસ કરતા અમે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મામલેનો અહેવાલ પણ પ્રાપ્ત થયો. જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત કરવા પોલીસ પ્રશાશનને કડક નિર્દેશો આપ્યા હતા.
4 ઑક્ટોબર-2024ના રોજ ગુજરાત સમાચાર દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, “ગુજરાત હાઈકોર્ટે પોલીસ તંત્રને કડક નિર્દેશ આપ્યા છે કે રાજ્યમાં ફરજિયાતપણે હેલ્મેટનું પાલન કરાવવમાં આવે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ દ્વારા આ નિર્દેશ આપાવમાં આવ્યા હતા. જેમાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, હેલ્મેટ ફરજિયાત કર્યું હોવા છતાં કોઈ નિયમોનું પાલન નથી કરતાં. ચીફ જસ્ટિસે ખુદ ફોનમાં ફોટા પાડ્યા હતાં. જેમાં ત્રણ-ચાર લોકોને બાદ કરતાં કોઈએ હેલ્મેટ ન હતાં પહેર્યાં. જેને લઈને ચીફ જસ્ટિસે કડક વલણ અપનાવ્યું હતું.”

અત્રે નોંધવું કે, 4 જાન્યુઆરી-2020માં વીટીવી ન્યૂઝ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું હતું કે, “સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુજરાતમાં હેલ્મેટનો કાયદો છે.”
વળી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ટાંકીને તેમાં લખવામાં આવ્યું છે કે, “ગુજરાત સરકારે લોકવિરોધને પગલે કેટલાક માર્ગો ખાસ કરીને શહેરી મહાનગરપાલિકા અને નગરપાલિકાના માર્ગો પર હેલ્મેટ મરજિયાત કરેલ પરંતુ હેલ્મેટનો કાયદો અમલમાં જ છે. તેને રદ કરવામાં આવેલ નથી. હાઈવે પર હેલ્મેટ ફરજિયાત છે.”
પરંતુ, ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ ગુજરાત પોલીસની જાહેરાત અનુસાર હવે ગુજરાતમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. વળી, ગુજરાત પોલીસના ડીજીપીની જાહેરાત અનુસાર હવે રાજ્યમાં તમામ સરકારી કે અર્ધ સરકારી કચેરીઓમાં પણ ટુવ્હીલ ચાલકોએ હેલ્મેટ સાથે જ પ્રવેશ કરવાનો રહેશે. હેલ્મેટ પ્રવેશ માટે ફરજિયાત છે.
દરમિયાન આ મામલે અમને સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલ સોશિયલ મીડિયા પોસ્ટ પણ પ્રાપ્ત થઈ છે. 21 એપ્રિલ-2025ના રોજ સુરત પોલીસે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરી જણાવેલ છે કે, ગુજરાત હેલ્મેટ મુક્ત થયાનો વાઇરલ દાવો ખોટો છે.
પોસ્ટમાં જણાવેલ છે કે, “ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત છે. કાયદો યથાવત છે. ગુજરાત રાજ્ય હેલ્મેટ મુક્ત થયાનો દાવો ફેક છે.”
Read Also : Fact Check – સુરત પોલીસ માટે ગુજરાત સરકારે ચાઈનાથી ચાઈનીઝ સ્કૂટર ખરીદ્યા? શું છે સત્ય
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ગુજરાત હેલ્મેટ મુક્ત રાજ્ય બનવાથી હેલ્મેટ ફરજિયાત નહીં હોવાનો વાઇરલ દાવો ખરેખર ખોટો છે. ગુજરાતમાં ટુવ્હીલર ચાલક અને તેની પાછળ બેસેલ સવારી માટે હેલ્મેટ ફરજિયાત છે. ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ પણ આપેલ છે.
Sources
PIB Fact Check, dated 17th March,2023
News Report by Gujarat Samachar, 4 Oct, 2024
News Report by Vtv Gujarati, dated 4 Jan, 2020
Instagram Post by Surat Police, dated 21 Apr, 2025