Authors
Claim – યશના મઠિયાનાં માલિક ઇસ્માઇલ નામના મુસલમાન છે. તે હિંદુ નામથી ધંધો કરે છે.
Fact – દાવો ખોટો છે. યશ પાપડ-મઠિયાના માલિક હિંદુ છે. દાવો ગેરમાર્ગે દોરનારો છે.
દેશ સહિત ગુજરાતમાં દિવાળીના તહેવારની સીઝન ચાલી રહી છે. દિવાળીમાં નાસ્તો બનાવવાની ઘરેઘર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં કોમી ઍંગલ સાથે એક ખોટો દાવો શેર કરવામાં આવી રહ્યો છે.
દિવાળીમાં બનતા નાસ્તા મામલે એક દાવો (મૅસેજ) શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં લખ્યું છે, “યશના મઠિયા યશ મઠિયાનો માલિક ઈસ્માઈલ નામનો મુસલમાન છે અને તે યશ નામના હિંદુ નામથી ધંધો કરે છે. દિવાળીના પવિત્ર તહેવાર પ્રસંગે શું તમે એક મુસલમાનના હાથે બનેલા યશ બ્રાન્ડના મઠિયા, ચોળાફળી કે જેની અશુધ્ધતાની પૂરેપૂરી ગેરંટી છે, તે આરોગવાનુ પસંદ કરશો? શું આપના માનવંતા મહેમાનોનું સ્વાગત અનેક પ્રકારની ગંદકીથી ખદબદતા નાસ્તાથી કરશો? મહેરબાની કરી આપણા સૌથી મોટા તહેવાર દિવાળીમાં આપની પસંદગીના કોઈપણ હિંદુ ઉત્પાદકે બનાવેલા મઠિયા, ચોળાફળી જ ખરીદો. ધર્મની રક્ષા હવે આપના હાથમાં છે.”
જોકે, આ દાવો અમને ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
ન્યૂઝચેકરને અમારી WhatsApp ટિપલાઇન (+91 9999499044) પર યુઝર તરફથી ઉપરોક્ત દાવો તપાસ માટે મોકલવામાં આવ્યો છે. અને તેની અધિકૃતતા ચકાસવા વિનંતી કરવામાં આવી છે.
Fact Check/Verification
દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે ગૂગલ સર્ચની મદદ લીધી. અહીં અમે યશ પાપડ બ્રાન્ડ વિશે સર્ચ કર્યું. અમને તેમની વેબસાઇટની લિંક પ્રાપ્ત થઈ.
વેબસાઇટની મદદથી અમે કંપનીના માલિકનો સંપર્ક કરવાની કોશિશ કરી. જેમાં અમને કંપનીના સહ-માલિક મોહિત પટેલનો સંપર્ક નંબર મળ્યો.
અમે તેમનો સંપર્ક કરીને વાઇરલ મૅસેજ-દાવા વિશે જણાવ્યું.
અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં મોહિત પટેલે જણાવ્યું કે, “હા. એ વાત સાચી છે કે અમારી પાપડ-મઠીયાની યશ બ્રાન્ડ અને કંપની વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. અમે આ વિશે વીડિયો બનાવી સ્પષ્ટતા પણ કરેલ છે. તથા અખબારમાં જાહેરાત પણ આપેલ છે. અમે આ વિશે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરેલ છે.”
તેઓ વધુમાં જણાવે છે કે, “અમે હિંદુ છીએ અને અમારી બ્રાન્ડ એક જૂની તથા જાણીતી બ્રાન્ડ છે. યશ પાપડ એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. તેના વિશે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. અમે પણ સોશિયલ મીડિયામાં જોયું કે અમારા વિશે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે.”
તેમણે પણ અમારી સાથે વાઇરલ દાવાના સ્ક્રિનશોટ શેર કર્યાં. જેમાં ઉપરોક્ત દાવો કરવામાં આવેલ હતો.
દરમિયાન, મોહિત પટેલે જણાવ્યું કે યશ પાપડ બ્રાન્ડ ખરેખર ગણેશ ગૃહઉદ્યોગ કંપનીની બ્રાન્ડ છે. અને તેમના ભાઈ રુષિલ પટેલ તથા પિતા દેવેન્દ્રભાઈ ચીમનભાઈ પટેલની તે કંપની છે.
તેમણે ન્યૂઝચેકર સાથે કંપનીના જીએસટીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ શેર કરેલ છે.
વધુમાં તેમણે અખબારમાં કરેલ જાહેરાત જેમાં માલિકી વિશે સ્પષ્ટતા કરી અફવાઓનું ખંડન કરાયું છે તે પણ અમારી સાથે શેર કરેલ છે.
Read Also : Fact Check – વાડીલાલ ‘ભારતમાં હલાલ સર્ટિફિકેટ’વાળો આઇસક્રીમ વેચતી હોવાનો વાઇરલ દાવો ખોટો
Conclusion
આમ અમારી તપાસમાં એ સાબિત થાય છે કે, યશ પાપડ-મઠિયા બ્રાન્ડ ગણેશ ગૃહઉદ્યોગ કંપનીની બ્રાન્ડ છે અને તેના માલિકો હિંદુ છે. જેથી દાવો ખોટા સંદર્ભ અને માહિતી સાથે શેર કરાયો છે.
Result – False
Sources
Yash Papad Website
Telephonic Interview with Yash Papad Co-owner
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044