Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશન પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી અને નાણામંત્રી નિર્મલા સીતારામણ એક નવા ઇન્વેસ્ટમેન્ટ ટૂલની જાહેરાત કરતા જોવા મળે છે. દાવા અનુસાર, આ ટૂલ મફતમાં ઉપલબ્ધ છે અને ઓછા રોકાણમાં ઊંચો નફો આપવાની ખાતરી આપે છે.
દાવો ખોટો છે. વીડિયો ખરેખર એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને સિન્થેટિક ઓડિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાયો છે. તે ફેક છે.
એક તરફ એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) એક અદ્યતન ટૅક્નોલૉજી તરીકે માનવ જીવન માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે, તો બીજી તરફ તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. ખાસ કરીને ફેક અને મેનિપ્યુલેટેડ વિડિયો દ્વારા લોકો સાથે ઠગાઈના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યાં છે.
તાજેતરના સમયમાં અનેક બિઝનેસ ટાઈકૂન, ઉદ્યોગપતિઓ, ઉચ્ચ પદસ્થ નેતાઓ, ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ, વર્તમાન મંત્રીઓ, ક્રિકેટરો અને બોલિવૂડ સેલિબ્રિટીઓના જુના વિડિયોનો ઉપયોગ કરીને એઆઈ અને સિન્થેટિક ઑડિયોના માધ્યમથી સ્ક્રિપ્ટેડ વિડિયો બનાવવામાં આવી રહ્યાં છે.
આવા વિડિયોમાં તેમનાં જૂના ભાષણો અને વિડિયોમાં હેરફેર કરવામાં આવે છે, જેથી લોકો તેને સત્ય માને. પ્રભાવશાળી વ્યક્તિઓના આ ફેક વિડિયોમાં રોકાણ કરી ટૂંક સમયમાં જંગી આવક કમાવાની લાલચ આપવામાં આવે છે અને નાણાકીય સલાહ કે અન્ય લાભદાયી તક વિશે ગેરમાર્ગે દોરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
દરમિયાન, મુકેશ અંબાણી અને નાણામંત્રી નિર્મલા સીતારામનનો એક વીડિયો સોશિયલ મીડિયા અને મૅસેજિંગ ઍપ્લિકેશન પર શેર કરવામાં આવી રહ્યો છે.
ન્યૂઝચેકરને તેની વૉટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર આ દાવો ફૅક્ટચેક માટે મોકલવામાં આવ્યો છે અને તેની હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.
વીડિયો સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવ્યા છે. પરંતુ તેના કુપ્રચારને વધુ પ્રસરતો રોકવા માટે તેને અહીં સામેલ કરેલ નથી.
વાઇરલ વીડિયોમાં પહેલા રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણી કથિત સ્પિચ આપી રહ્યા છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, “ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ઇન્વેસ્ટમેન્ટ ટૂલ લૉન્ચ કર્યું છે, જે ખૂબ જ ઓછા રોકાણમાં ટૂંક સમયમાં ઊંચો નફો રળી આપી છે. અંબાણી તેમાં ખુદ દાવો કરે છે કે, તેમણે આ ટૂલનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા કમાયા છે. આથી તેઓ અન્યોને પણ આ ટૂલનો લાભ લઈ તેમાં રોકાણ કરવાની સલાહ આપે છે.”
મુકેશ અંબાણીની સ્પિચ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણની કથિત સ્પિચ આપે છે, જેમાં તેઓ કહે છે કે, “મેં ખૂબ જ સરસ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ બનાવ્યું છે. અને તેની ટૅક્નોલૉજી અદભૂત છે. તે ખૂબ ઓછા સમયમાં ઓછા રોકાણ સામે વધુ નફો આપે છે. તેથી તેમાં રોકણ કરવામાં આવે. તમે મારા પર વિશ્વાસ કરો, આ કોઈ છેતરામણી જાહેરાત નથી.”
અત્રે નોંધવું કે, ઉપરોક્ત દાવા વાઇરલ વીડિયોમાં કથિતરૂપે કરાયા છે. તે કોઈ સાચા દાવા નથી.
કેમ કે, તે એઆઈ નિર્મિત વિડિયો છે. ખરેખર મફતમાં ઉપરોક્ત ટૂલ ઉપલબ્ધ હોવાનો અને ઊંચા નફાની ગેરંટી આપતા દાવાનો આ વીડિયો સંપૂર્ણપણે બનાવટી અને ઠગાઈ માટે તૈયાર કરાયેલો છે.
ન્યૂઝચેકર અનુસાર, વીડિયો એઆઈ દ્વારા નિર્મિત છે અને સ્કિપ્ટેડ છે. તેથી તેમાં કરાયેલા દાવા ફેક છે.
વાઇરલ વીડિયોની તપાસ માટે સૌપ્રથમ અમે ગૂગલ સર્ચની મદદ લીધી. જેમાં અમે મુકેશ અંબાણી ઇન્વેસ્ટમેન્ટ ટૂલ, નાણામંત્રી નિર્મલા સીતારમણ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ સહિતના કીવર્ડથી સર્ચ ચલાવી. જેમાં અમને બંને વ્યક્તિઓ દ્વારા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ લૉન્ચ કરાયાના સત્તાવાર અહેવાલો પ્રાપ્થ ન થયા. જેનો અર્થ કે વીડિયો શંકાશીલ અને તેમાં કરવામાં આવેલા દાવા પણ શંકાશીલ છે.
જેથી અમે વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચની મદદથી સ્કૅન કરી અપલૉડ કર્યાં. જેમાં અમને 29 ઑગસ્ટ-2022ના રોજ ધ ઇકૉનૉમિક ટાઇમ્સની સત્તાવાર યુટ્યુબ ચૅનલ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એજીએમમાં જીયોની 5G સર્વિસ લૉન્ચ સહિતની બાબતે સ્પિચ આપી રહેલા રિલાયન્સના મુકેશ અંબાણીનો વીડિયો ન્યૂઝ રિપોર્ટ પ્રાપ્ત થયો.
વીડિયોમાં તેઓ રિલાયન્સના આગામી આયોજન અને પ્રોડક્ટ અને નાણાકીય બાબતો વિશે માહિતી આપી રહ્યા છે.
વીડિયોમાં તેમની પાછળ એક ભૂરા રાંગની સ્ક્રિન છે, જેમાં તેમની સ્પિચ અનુસાર ગ્રાફિક્સ અને માહિતીઓ ચાલતી રહે છે. તેઓ સફેદ રંગના એક પૉડિયમ સ્ટેન્ડ પાસે ઊભા રહીને સંબોધન કરી રહ્યા છે. તેમણે કાળા રંગનો સૂટ અને સફેદ શર્ટ તથા લાલ ચૅક્સ સાથેની ટાઇ પહેરી છે.
આ વીડિયોની ફ્રેમ્સને જ્યારે ઝૂમ ઇન કરવામાં આવે અને તેને વાઇરલ વીડિયોના સાઇઝની કરવામાં આવો તો, એ સ્પષ્ટ દેખાય છે કે, આ જ વીડિયોના વિઝ્યૂઅલને ઝૂમ કરીને કટ કરીને વીડિયોના દૃશ્યો ફેક વીડિયો તૈયાર કરવા માટે અહીંથી ઉઠાવી લેવાયા છે.
જેથી અમે, વધુ તપાસ કરતા અમને ડીપફેક્સ ઍનલિસિસ યુનિટ દ્વારા 6 જાન્યુઆરી-2025 પ્રકાશિત અહેવાલમાં પણ મુકેશ અંબાણીના આ પ્રકારના એક એઆઈ દ્વારા મેનિપ્યૂલેટ વીડિયો વિશે પડલાત કરવામાં આવી છે.
તેમાં વીડિયોની ચકાસણી વિશે લખ્યું છે કે, “વીડિયો ખરેખર મુકેશ અંબાણીના રિલાયન્સ એજીએમમાં કરાયેલા સંબોધનના દૃશ્યો ઉઠાવી તેની સાથે છેડછાડ કરીને એઆઈ દ્વારા સિન્થેટિક ઑડિયો વાપરીને સ્ક્રિપ્ટેડ ફોર્મમાં લોભામણી જાહેરાત કરી સ્કૅમ આચરવા માટે બનાવાયેલો છે.”
તેમાં વીડિયોની તપાસ બાદના તારણમાં લખ્યું છે કે, “જૂના અસલી વીડિયો અને મૅનિપ્યૂલેટ કરાયેલા વીડિયોમાં અંબાણીના કપડા અને બૉડી લેંગ્વેજ સરખા જ છે.”
આપણે અંબાણીના 2022ના સંબોધનના વીડિયો અને વાઇરલ મેનિપ્યૂલેટ કરાયેલા વીડિયોમાં પણ આ વાત ઉપર નોંધી છે.
ઑડિયો સૅફ્ટી Hiya ટૂલ જે એઆઈ મૅનિપ્લૂયેશન થયેલા વીડિયો-ઑડિયોને ચકાસી ડિટેક્ટ કરે છે, તે ટૂલ થકી અંબાણીનો વીડિયો ચકાસણી કરાતા તેમાં જાણવા મળ્યું કે, ખરેખર વીડિયોમાં જે ઑડિયો છે તે 99 ટકા એઆઈ દ્વારા તૈયાર કરાયેલ છે. તેમાં કહેવાયું છે કે, ઑડિયો ખરેખર એઆઈ દ્વારા થયેલ છે અને તેમાં મૉડિફિકેશન પણ કરવામાં આવેલ છે.
અમે, ત્યાર બાદ એઆઈ ડિટેક્શન ટૂલ Hiveની મદદથી અમે અંબાણી અને નિર્મલા સીતારમણ બંનેના વીડિયો ચકાસ્યા.
જેમાં અમને જાણવા મળ્યું કે, મુકેશ અંબાણીનો ઑડિયો 99 ટકા AI જનરેટેડ છે. જ્યારે નિર્મલા સીતારમણનો વીડિયો પણ AI અને ડીપફેક થકી મેનિપ્યૂલેટ કરાયેલ છે, જેમાં ઑડિયો પણ સામેલ છે.
વધુમાં, એઆઈ ડિટેક્શન ટૂલ ઑથેન્ટા પર પણ અમે વીડિયોને તપાસ્યો. જેમાં અમને બંને વીડિયો એઆઈ નિર્મિત ડીપફેક હોવાનું પરિણામ પ્રાપ્ત થયું.
દરમિયાન, અમે નિર્મલા સીતારમણના વિઝ્યૂઅલના કીફ્રેમ્સને પણ ગૂગલ રિવર્ઝ ઇમેજની મદદથી સ્કૅન કર્યાં.
જેમાં અમને 11 ડિસેમ્બર-2024ના રોજ એએનઆઈ ન્યૂઝ એજન્સી દ્વારા કરવામાં આવેલ ટ્વિટ પ્રાપ્ત થયું.
તેમાં કહેવાયું છે કે CII ઇવેન્ટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઉદ્યોગકારોને સંબોધિત કર્યાં હતા જેમાં તેમને ટાંકીને લખ્યું કે, “ઉદ્યોગો અને વૈશ્વિક ગતિરોધ અને યુદ્ધના પગેલો અર્થવ્યવસ્થા ખોરવાય છે, આથી યુદ્ધ ટાળવું જોઈએ. સ્થિરતા માટે ઉદ્યોગ અને સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ.”
વીડિયોમાં સ્પષ્ટ છે કે, સીસીઆઈ ઇવેન્ટના દૃશ્યો અને વાઇરલ મૅનિપ્યૂલેટ વીડિયોનું બેકગ્રાઉન્ડ, નાણાંમંત્રીની સાડી અને આભૂષણ સરખા જ છે.
એનો અર્થ કે આ વીડિયોના દૃશ્યો ફેક એઆઈ નિર્મિત વીડિયો બનાવવા માટે ઉઠાવવામાં આવ્યા છે.
આ સમગ્ર, બાબતને ધ્યાને લઈ અમે વીડિયોને ધ્યાનપૂર્વક ફ્રેમ દીઠ ચકાસણી કરતા એક નોંધનીય બાબત જોવા મળી કે, વીડિયોમાં મુકેશ અંબાણી અને નિર્મલા સીતરમણ જે બોલી રહ્યા છે, તે ઑડિયો સાથે તેમના હોઠની બોલવાની રીત બંને વચ્ચે તાલમેલ નથી (સ્પિચના શબ્દો સાથે લિપ સિંકિંગ નથી.) વળી તેમના ચહેરાના હાવભાવ અને હોઠનો દેખાવ પણ ઘણી વખત વિચિત્ર લાગી રહ્યો છે, જેનો અર્થ કે, તેમના ઑરિજિનલ ઑડિયો પર સિન્થેટિક એઆઈ નિર્મિત ઑડિયો એડિટ કરી દેવાયો છે.
વળી, વીડિયોમાં જે પ્રકારે ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ, મોટી આવકાના દાવા અને આંકડાઓ તથા સ્ક્રિપ્ટ છે, તે પણ સ્પષ્ટ દર્શાવે છે કે, આ એક લોભામણી અને છેતરામણી સ્ક્રિપ્ટ છે અને તે બનાવટી છે.
ધ્યાનથી જોતા વીડિયો ઘણી વાર ઝૂમ આઉટ થાય છે અને વચ્ચે વચ્ચે કટ્સ આવે છે. વળી હોઠ વિચિત્ર રીતે હલી રહ્યા છે, તેનો આકાર પણ નાનો મોટો થતો રહે છે.
ઉપરાંત અમે વીડિયો ડીપફેક્સ એનલિસિસ યુનિટને ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન માટે મોકલ્યો હતો. ન્યૂઝચેકર પણ તેનો એક ભાગ છે. DAU તરફથી અમને સ્પષ્ટ પરિણામો અને પુરાવા પ્રાપ્ત થયા છે કે, વીડિયો અને ઑડિયો ખરેખર એઆઈ દ્વારા મેનિપ્યૂલેટ એટલે કે છેડછાડ કરાયેલા છે. જેના પરિણામો નીચે જોઈ શકાય છે.
ઉપરોક્ત, તમામ બાબતો સૂચવે છે કે, કથિતરૂપે રિલાયન્સના મુકેશ અંબાણી અને ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણનો ઇન્વેસ્ટમેન્ટ ટૂલમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાતનો વીડિયો એઆઈ નિર્મિત છે અને તે ડીપફેક અને ફેક છે. તેમાં કરાયેલા દાવા પણ ખોટા છે.
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, મુકેશ અંબાણી અને નિર્મલા સીતારમણનો વીડિયો એઆઈ નિર્મિત અને ફેક છે. તે મેનિપ્લૂટેડ વીડિયો છે. તેમાં કરવામાં આવેલા દાવા પણ ગેરમાર્ગે દોરનારા અને છેતરપિંડી માટેના છે.
Sources
The Economic Times Video News Report, dated, 22 Aug, 2022
DAU Report, 6th Jan, 2025
AI Detection Tools – Hiya, Hive, Authenta
X Post by ANI, dated, 11th Dec, 2024
Deepfakes Analysis Unit (DAU) forensic analysis
Dipalkumar Shah
May 21, 2025
Dipalkumar Shah
May 17, 2025
Dipalkumar Shah
May 16, 2025