Fact Check
Fact Check – પહલગામ આતંકી હુમલામાં 15 મુસ્લિમ માર્યાં ગયાં? ના, વાઇરલ યાદી ખોટી છે

Claim
પહલગામ ટેરર એટેકમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓની આ સંપૂર્ણ યાદી જેમાં 26માંથી 15 મુસ્લિમો છે. પરંતુ મીડિયા આ યાદી નથી બતાવતું.
Fact
દાવો ખોટો છે. પહલગામ આતંકી હુમલામાં મૃતકોમાંથી 26માંથી 15 મુસ્લિમો મૃતકો નથી. વાઇરલ યાદી ગેરમાર્ગે દોરનારી અને ખોટી છે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓની એક યાદી વાઇરલ થઈ છે. હુમલાના પગલે બંને સરહદી દેશો ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. દરમિયાન, હુમલાના પીડિત મૃતકોની યાદીએ સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા જગાવી છે.
સોશિયલ મીડીયામાં 26 લોકોના નામ સાથેની એક યાદી વાઇરલ થઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ યાદીને પોસ્ટ કરીને લખી રહ્યા છે કે, ” પહલગામ ટેરર એટેકમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓની આ સંપૂર્ણ યાદી જેમાં 26માંથી 15 મુસ્લિમો છે. પરંતુ મીડિયા આ યાદી નથી બતાવતું. ઇન્ડિયા ટીવી ન્યૂઝ દ્વારા આ યાદી બતાવવામાં આવી છે. અન્ય ગોદી મીડિયાનો આ યાદી પર્દાફાશ કરે છે. સરકારે નફરત અને કોમી તણાવ ફેલાવતા સામાચાર મીડિયા સામે પગલા લેવા જોઈએ.”
વાઇરલ યાદીમાં આતંકી હુમલાના પીડિતોના નામો આ રીતે દર્શાવાયા છે: 1-મોહમ્મદ આસિફ યુ.પી, 2 – અનીસ કુરેશી યુ.પી, 3 – ફૈઝલ ખાન દિલ્હી, 4 -સલિમ બેગ રાજસ્થાન 5 – અનિલ રોય બિહાર, 6 – રમેશ યાદવ યુપી, 7- પ્રદીપ મિશ્રા યુપી, 8 – આરીફ કુરેશી યુપી, 9 -પ્રવીણ ઠાકુર હરિયાણા, 10 – જમીલ અહેમદ પંજાબ, 11 – સુરેશ કુમાર દિલ્હી, 12 – મોહસીન શેખ મહારાષ્ટ્ર, 13 -અફઝલ અંસારી બિહાર, 14- મંજુ શર્મા રાજસ્થાન, 15- દીપક વર્મા યુપી, 16 – નાઝીમ ખાન યુપી, 17 – સુનીલ ગુપ્તા બિહાર, 18- અસલમ મિર્ઝા ગુજરાત, 19 – રાકેશ યાદવ સાંસદ, 20-શરીફ શેખ મહારાષ્ટ્ર, 21- શાહિદ હુસૈન દિલ્હી, 22-રિયાઝ અહેમદ જમ્મુ, 23 – મીનાક્ષી ત્રિપાઠી યુપી, 24 – સલીમ ખાન યુપી, 25 – નીરજ વર્મા હરિયાણા, 26- ઇર્શાદ ખાન દિલ્હી.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.

વળી, ન્યૂઝચેકરને તેની વૉટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર આ દાવો ફૅક્ટચેક માટે મોકલવામાં આવ્યો છે અને તેની હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વાઇરલ યાદી ખોટી છે. તે ગેરમાર્ગે દોરનારી છે.
Fact Check/Verification
વાઇરલ દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે કીવર્ડ સર્ચની મદદ લીધી. અમે ગૂગલ કીવર્ડ સર્ચ દ્વારા ચકાસણી કરી. ગુગલ પર “પહલગામ આતંકવાદી હુમલો” અને “પીડિતોની યાદી” માટે કીવર્ડ સર્ચ કરવાથી અમને 24 એપ્રિલ, 2025ના રોજ ઇન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં અમેરિકા સ્થિત કોલકાતાના એક ટૅક્નોલૉજી એન્જિનિયર, બિહારના એક એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, કર્ણાટકના એક રિયલ્ટર, ઓડિશાના એક એકાઉન્ટન્ટ, નેવીના એક અધિકારીનો સમાવેશ થાય છે. તેઓ તેમના પરિવારો સાથે બૈસરનના મનોહર ઘાસના મેદાનમાં આનંદ માણી રહ્યા હતા.”
વળી તેમાં, પહલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોના નામની યાદી પણ હતી. જે યાદીની તસવીર નીચે દર્શાવાઈ છે.

વધુમાં, 24 એપ્રિલ, 2025ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસ (ઇંગ્લિશ) અને 23 એપ્રિલ, 2025ના રોજ ઇન્ડિયન એક્સપ્રેસ (ગુજરાતી) દ્વારા પણ આતંકી હુમલાની યાદીના સમાચાર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.


અહેવાલમાં જણાવાયું છે કે, “આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. આ હુમલામાં મોતને ભેટલા તમામ 26 લોકોની યાદી અહીં આપેલી છે.”
વળી, ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે પ્રિન્ટ એડિશનમાં પણ 26 એપ્રિલ, 2025ની આવૃત્તિમાં મૃતક પીડિતોની તસવીર સાથેની યાદી પણ પ્રકાશિત કરી હતી. જે નીચે તસવીરમાં જોઈ શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મીડિયા સંસ્થાનો દ્વારા પ્રકાશિત યાદી સરખી જ છે. તેમાં 15 નહીં પણ એક કાશ્મીરી સ્થાનિક મુસ્લિમ યુવકનું મૃતક પીડિત નામ સામેલ છે. વાઇરલ યાદી અને સાચી યાદી અલગ અલગ છે. જે દર્શાવે છે કે, હુમલામાં 15 મુસ્લિમોના મોત નથી થયા.
અહેવાલમાં જણાવાયું છે કે, “પીડિતોમાં નેપાળના એક અને પુલવામાના એક સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ છ લોકોના મોત થયા હતા, ત્યારબાદ ગુજરાત અને કર્ણાટકનો ક્રમ આવે છે, જ્યાં ત્રણ-ત્રણ નાગરિકોના મોત થયા હતા. પશ્ચિમ બંગાળમાં બે લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, કેરળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં એક-એક વ્યક્તિના મોત થયા હત.”
અમે રિપોર્ટ્સમાં મૃતકોની વિગતોની સરખામણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી યાદી સાથે કરી અને તે અલગ મળી.
વાસ્તવિક યાદીમાં એક મુસ્લિમ નામ હતું – સૈયદ આદિલ હુસૈન શાહ. જે પહેલગામના એક પોની (અશ્વચાલક) ઑપરેટર હતા. તેમણે પ્રવાસીઓને આતંકવાદીઓથી બચાવવાનો પ્રયાસ કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
વાઇરલ પોસ્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે, વાઇરલ યાદી ઇન્ડિયા ટીવી દ્વારા રિપોર્ટ કરવામાં આવી હતી. અમે તપાસ કરતા જાણવા મળ્યું કે, ઇન્ડિયા ટીવી સંસ્થા દ્વારા પર જે મૃતક પીડિતોની યાદી જાહેર કરાઈ છે તે અને અન્ય મીડિયા દ્વારા પ્રકાશિત યાદી બંને સમાન છે.
તદુપરાંત, સુરત સ્થાનિક પત્રકારો દ્વારા પણ મૃતકોની જે યાદી સ્થાનિક વહીવટીતંત્રના વૉટ્સઍપ ગ્રૂપમાં શેર કરાઈ હતી. તેને સુરતના સ્થાનિક વહીવટીતંત્રએ પણ શેર કરી પુષ્ટિ કરી હતી.
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા કુલ 28 (26 ભારતીયો અને 2 વિદેશી જેમાં એક મૂળ ભારતીય છે) લોકોની યાદીમાં 15 મુસ્લિમ હોવાનો દાવો ખોટો છે. વાઇરલ યાદી બનાવટી છે. તે ગેરમાર્ગે દોરનારી છે. તે સાચી નથી.
Sources
Report By India Today, Dated April 24, 2025
Report By Indian Express, Dated April 24, 2025
Report By Indian Express Gujarati, Dated April 24, 2025
Report By Deccan Herald, Dated April 23, 2025
Report By India TV, Dated April 23, 2025
Surat Collectorate WhatsApp Group