Authors
Claim – હવે વાડીલાલ ‘ભારતમાં હલાલ સર્ટિફિકેટ’વાળો આઇસક્રીમ વેચે છે એટલે હિંદુ સનાતનીઓ તેનો બહિષ્કાર કરો.
Fact – દાવો ખોટો છે. હલાલ સર્ટિફિકેટ લોગો પ્રોડક્ટની કેટલાક નિશ્ચિત દેશમાં નિકાસ માટે પૅકેટ પર લગાવાય છે. ભારતમાં તેનું વેચાણ થતું નથી. આઇસક્રીમ સો ટકા શુદ્ધ શાકાહારી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ પર હલાલનો લોગો દર્શાવતો એક ફોટો વાયરલ જોવા મળ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ વેચાઈ રહ્યા છે.
પરંતુ ન્યૂઝચેકરની તપાસમાં આ દાવો ખોટો હોવાનું પુરવાર થયું છે.
ન્યૂઝચેકરને અમારી WhatsApp ટિપલાઇન (+91 9999499044) પર યુઝર તરફથી ઉપરોક્ત દાવો તપાસ માટે મોકલવામાં આવ્યો છે. અને તેની અધિકૃતતા ચકાસવા વિનંતી કરવામાં આવી છે.
અમને પ્રાપ્ત દાવામાં કહેવાયું છે કે, “આજથી વાડીલાલ આઇસક્રીમ ખાવાનું બંધ કરી દો..હલાલા સર્ટિફિકેટ આવી ચૂક્યુ છે, દરેક સનાતની હિંદુ સમાજે આ ફોટાનો આખા ય ભારતમાં આગની જેમ વાઇરલ કરી દો. તે હલાલ સ્ટેમ્પ્ડ છે, તેનો બહિષ્કાર કરો. તે હલાલ સર્ટિફાઇડ છે. એટલે તેને થૂંકીને બનાવાયો છે.”
વળી ફેસબુક યુઝર દ્વારા પણ 24 જુલાઈ-2024ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. તેમાં પણ આ દાવો કરવામાં આવ્યો હતો. આર્કાઇવ પોસ્ટ અહીં જુઓ
પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “લો બોલો…હવે માર્કેટમાં હલાલ આઈસ્ક્રીમ પણ આવી ગઈ…લોકોને છેતરવા માટે કંપનીઓ હવે ક્યાં સુધી જશે…કોઈની ધાર્મિક ભાવનાઓ સાથે આવી મશ્કરી.”
આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ વેચાઈ રહ્યા છે.
ઉપરાંત સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ એક્સ (ટ્વિટર) પર પણ હિંદીમાં આ દાવો પોસ્ટ થયેલો જોવા મળેલ છે. આર્કાઇવ પોસ્ટ અહીં જુઓ. વધુમાં તે મરાઠીમાં પણ વાઇરલ છે.
Fact Check/Verification
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવા માટે શરૂઆતમાં અમે ગૂગલની સર્ચની મદદ લઈને વાડીલાલ આઈસક્રીમ વિશેના અહેવાલો અને કંપની વિશેની માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કર્યો. જેમાં અમને વાડીલાલ આઈસ્ક્રીમની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એક સદીથી વધુ સમયથી, કંપની બજારમાં ઉચ્ચતમ ગુણવત્તા પ્રદાન કરવા માટે સમર્પિત છે. તેમની આઈસ્ક્રીમ કોઈપણ પ્રિઝર્વેટિવ્સ અથવા કૃત્રિમ સ્ટેબિલાઈઝર વિના બનાવવામાં આવે છે, ગ્રાહકોને દર વખતે તાજી અને આરોગ્યપ્રદ મીઠાઈઓ મળે તેની ખાતરી કરે છે. તેમના ઉત્પાદનો 100% શુદ્ધ દૂધ ક્રીમમાંથી બનાવવામાં આવે છે અને તે સંપૂર્ણ રીતે શાકાહારી હોય છે અને નૈસર્ગિક પરિસ્થિતિઓમાં ઉત્પન્ન થાય છે.
વધુ તપાસ માટે અમે વાડીલાલ આઇસક્રીમ કંપનીનો સંપર્ક કરવાની કોશિશ કરી. અમે કંપની તરફથી સ્પષ્ટતા પ્રાપ્ત કરવાની કોશિશ કરી કે, વાઇરલ દાવા મામલે તેમની શું પ્રતિક્રિયા છે અને તથ્ય શું છે?
દરમિયાન, વાડીલાલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપનીના ક્વૉલિટી ડિપાર્ટમેન્ટના મૅનેજર અર્પિત પરીખે અમને અમારા ઇમેલના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “વાડીલાલની તમામ પ્રોડક્ટ 100 ટકા શાકાહારી છે. હલાલ સર્ટિફિકેશન માત્ર એક નિકાસ મામલેની પ્રોસિજર છે જે કેટલાક નિશ્ચિત દેશોમાં નિકાસ માટે જરૂરી છે. તેનાથી વાડીલાલ પ્રોડક્ટ્સના પ્રોસેસિંગ અથવા પ્રોડક્ટ્સના પદાર્થોમાં કોઈ અસર નથી થતી. તમામ પ્રોડક્સ દૂધમાંથી જ બનાવવામાં આવે છે અને શુદ્ધ શાકાહારી હોય છે.”
વળી, અર્પિત પરીખે કંપની તરફથી એક સ્પષ્ટિકરણ જાહેર કરવામાં આવેલ છે તે પણ ઇમેલ મારફતે પૂરું પાડેલ જેમાં લખ્યું છે, “વાડીલાલ આઇસક્રીમ સો ટકા શાકાહારી છે. અમે વાડીલાલ આઇસક્રીમના હલાલ સર્ટિફાઇડ પૅક ભારતમાં વેચાતા હોવાની તાજેતરની અફવાઓ વિશે સ્પષ્ટતા કરવા માગીએ છીએ. આવા આઇસ્ક્રીમ પૅક ભારતમાં વેચાતા હોવાની વાત ખોટી અને અસત્ય છે. અમારી આઇસક્રીમ અને અન્ય તમામ પ્રોડક્ટ્સ સંપૂર્ણ શુદ્ધ શાકાહારી છે. ખરેખર પૅક પર જે હલાલ સર્ટિફિકેશન છે તે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ મુજબ જે તે દેશના માર્કેટમાં નિકાસ માટે જરૂરી હોય છે તે છે. અમે ઉચ્ચ ગુણવત્તા માટે કટિબદ્ધ છીએ. ખોટા અફવાઓથી ભરમાશો નહીં.”
હલાલ સર્ટિફિકેટ શું છે?
હલાલ સર્ટિફિકેટ એ છે કે, ખોરાક અથવા ઉત્પાદન ઇસ્લામના અનુયાયીઓ માટે માન્ય છે અને તેના ઉત્પાદન અથવા પ્રક્રિયામાં કોઈપણ હરામ સામગ્રી અથવા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉત્પાદન પર હલાલ લોગોની હાજરી ગ્રાહકને ખાતરી આપે છે કે, ઉત્પાદન હલાલના ધારા-ધોરણોનું પાલન કરે છે અને મુસ્લિમો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે.
હલાલ શું છે?
હલાલ એટલે જ્યારે જાનવરની ગરદનની ચારેય બાજુની નસને કાપી નાખવામાં આવે, પરંતુ તેના માથાને ધડથી અલગ કરવામાં ન આવે તેને હલાલ કર્યું કહેવાય. હલાલમાં જાનવરનું લોહી વહી જાય છે.
“મોહમ્મદ પયગંબરે કહ્યું હતું કે જો માંસની અંદર લોહી સૂકાઈ જાય તો તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. જો (જાનવરની અંદરનું) બધું લોહી વહાવી દેવામાં આવે તો આ પ્રકારનું માંસ ખાવાથી માણસને કોઈપણ પ્રકારની બીમારી નથી થતી. તેને ‘જબિહા’ કહેવાય છે.”
“જ્યારે ‘જબિહા’ કરવાનું હોય ત્યારે પ્રાણીને જમીન ઉપર સુવડાવીને ‘બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર’ પઢવામાં આવે છે અને પછી જાનવરનું ગળું કાપવામાં આવે છે. નસોને એવી રીતે કાપવામાં આવે છે કે જેથી કરીને ધડ અને માથું અલગ ન થઈ જાય અને શરીરમાંથી બધું લોહી નીકળી જાય.”
“બીજી બાજુ ઝટકામાં ધડ અને માથું અલગ કરી દેવામાં આવે છે.”
Conclusion
આમ, અમારી તપાસમાં ઉપરોક્ત દાવો ખોટા સંદર્ભ અને ખોટી માહિતી સાથે શેર કરવામાં આવેલો હોવાથી ખોટો પુરવાર થાય છે. હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ ભારતમાંથી બહાર નિકાસ માટેના છે. આ પેકેટનું વેચાણ ભારતમાં થતું નથી. તે માત્ર નિકાસ માટે જરૂરી પ્રક્રિયા માટે લોગો લગાવવામાં આવે છે.
Result – False
Sources
News Report by BBC
News Report by Mint
Vadilal Ice Cream Official Website
Telephonic Interview of Vadilal Quality Department Head
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044