Authors
Claim – ચુસ્ત નૅચરલ ડાયટે નવજોતસિંહ સિદ્ધુના પત્નીનું સ્ટેજ-4 કૅન્સર ઠીક કર્યું
Fact – ડોકટરોની સ્પષ્ટતા અનુસાર વાઇરલ દાવો ખરેખર પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓવાળો છે અને સાયન્ટિફિક પુરાવા વિનાની ખોટી માહિતીઓ છે.
ભૂતપૂર્વ ક્રિકેટર-રાજકારણી નવજોત સિંહ સિદ્ધુએ તાજેતરમાં અમૃતસરમાં તેમના નિવાસસ્થાનની બહાર એક પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તેમની પત્ની એવા ભૂતપૂર્વ ધારાસભ્ય નવજોત કૌર સિદ્ધુ મેટાસ્ટેટિક (સ્ટેજ-4) સ્તન કેન્સરને નિયંત્રણમાં લીધા પછી હવે તબીબી રીતે કૅન્સર મુક્ત છે.
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ હવે પ્રેસ કૉન્ફરન્સમાંથી 1:47-મિનિટના અંશો શેર કરી રહ્યા છે, જ્યાં સિદ્ધુએ કથિત રીતે જણાવ્યું હતું કે, કેવી રીતે તેમની પત્નીએ “ચુસ્ત આહાર અને આયુર્વેદ”ની મદદથી બચવાની માત્ર 3%ની શક્યતાના અવરોધોને હરાવ્યા હતા. લીંબુ પાણી, કાચી હળદર, સફરજનનો (સીડર) વિનેગર (સરકો), લીમડાના પાન અને તુલસીનો ડાયટમાં સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
આ પગલે સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ જોવા મળી જેમાં કૅન્સર મટાડવાના આ વીડિયો વિશે યુઝર્સ પોસ્ટ કરી દાવા કરી રહ્યાં છે.
એક યુઝરે ફેસબુક પોસ્ટ કરી કે, આયુર્વેદ કૅન્સરને જડમૂળમાંથી ઉખેડી નાંખે છે એ વાતની સાબિતી નવજોત સિંહ સિદ્ધુના પત્નીના કૅન્સરમાં સાબિત થયું છે. (આર્કાઇવ પોસ્ટ)
એક અન્ય યુઝર પૅજ દ્વારા ફેસબુક પોસ્ટ કરવામાં આવી કે, “કેન્સર સામે લડવામાં ડોક્ટરની તગડી ફી આપવા કરતાં જાગૃતિ પુર્વક ૪થા સ્ટેજના કેન્સરથી બચી શકાય છે ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુના પત્ની ખુદ ડોક્ટર છે અને આ એમની જ પ્રેસ કોન્ફરન્સ છે.” (આર્કાઇવ પોસ્ટ)
ઉપરાંત એક યુઝરે રિલ પોસ્ટ કરી કે, “આપના આહારમાં આ ખોરાક સામે કરો તો કૅન્સર જળમૂડથી મટી જશે, સિદ્ધુનો દાવો પણ.” (આર્કાઇવ પોસ્ટ)
એટલું જ નહીં પણ આ પ્રકારના દાવા અંગ્રેજી અને હિંદી સહિતની અન્ય ભાષાઓમાં પણ વાઇરલ થયા છે.
એક વાયરલ X પોસ્ટમાં લખ્યું છે, “નવજોત સિદ્ધુના પત્ની કૅન્સર સ્ટેજ ચારમાંથી પણ સાજા થઈ ગયા. આ આહારે તેમને માત્ર 40 દિવસમાં કૅન્સર મુક્ત કરી દીધા.” જેને અત્યાર સુધીમાં 1.7 મિલિયન વ્યુઝ મળી ચૂક્યા છે.
સિદ્ધુ તેમાં વધુમાં કહેતા સાંભળી શકાય છે કે, જીવનશૈલીમાં સરળ ફેરફારો સાથે કૅન્સરને કેવી રીતે હરાવી શકાય છે અને નાળિયેર કેવી રીતે ચમત્કારિક ખોરાક છે.
આવી જ બીજી પોસ્ટમાં લખ્યું છે, “સિદ્ધુએ કહ્યું કે, તેમની પત્નીની દિનચર્યામાં લીંબુ પાણી, કાચી હળદર, એપલ સીડર વિનેગર, લીમડાના પાન અને તુલસીનો સમાવેશ થાય છે. સિદ્ધુએ કહ્યું કે ‘તેણે કેન્સરને હરાવી કારણ કે તે શિસ્તબદ્ધ હતી અને કડક દિનચર્યાનું પાલન કરતી હતી’. સિદ્ધુના જણાવ્યા મુજબ, તેમણે બળતરા-રોધક અને કૅન્સર વિરોધી ખોરાકનો પણ ઉપયોગ કર્યો હતો, જેમાં રસોઈને નાળિયેર તેલ, ઠંડા-પ્રેસ્ડ તેલ અથવા બદામ તેલમાં જ બનાવવામાં આવતો હતો.”
સિદ્ધુ કહે છે, “તેમની પત્ની સવારની ચામાં તજ, લવિંગ, ગોળ અને એલચી જેવા મસાલા લેતા હતા.” આ પોસ્ટને અત્યાર સુધીમાં 2.4 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
અમને અમારી Whatsapp ટિપલાઇન (9999499044) પર પણ આ દાવો મળ્યો છે, અને અમને તેની હકીકત તપાસવાની વિનંતી કરી છે.
Fact Check/Verification
ન્યૂઝચેકરે નોંધ્યું છે કે, ઘણા યુઝર્સે અર્ધ-સત્ય, ખોટી માહિતી ફેલાવવા અને વૈકલ્પિક દવાને સારવારના એકમાત્ર સ્વરૂપ તરીકે પ્રમોટ કરવા બદલ વાઇરલ પોસ્ટના કૉમેન્ટ બૉક્સમાં સિદ્ધુની ટીકા કરી હતી, જે ઘણા દર્દીઓને જોખમમાં મૂકે છે. અમે એ પણ નોંધ્યું છે કે, વાયરલ વિડિયો એડિટ કરેલો લાગે છે, જે અમને શંકા ઊભી કરે છે કે શું તે ખોટી માહિતીને વાઇરલ કરવા માટે ભ્રામક રીતે ક્લિપ્ડ કરવામાં આવ્યો છે કે કેમ.
ન્યૂઝચેકરે પછી “નવજોતસિંહ સિદ્ધુ વાઈફ કૅન્સર” કીવર્ડ સર્ચ ચલાવી જે અમને 22 નવેમ્બર-2024ના રોજના ઈન્ડિયન એક્સપ્રેસ રિપોર્ટ તરફ દોરી ગઈ. જેનું શીર્ષક હતું, “નવજોત સિંહ સિદ્ધુ પત્નીની સ્ટેજ IV કેન્સર રિકવરી જર્ની શેર કરે છે; નિષ્ણાતો ચુસ્ત આહાર પર કેમ ભાર મૂકે છે એનું કારણ.”
“સિદ્ધુએ ધ્યાન દોર્યું કે તેમની પત્નીએ પટિયાલાની સરકારી રાજેન્દ્ર મેડિકલ કૉલેજ સહિતની સરકારી હૉસ્પિટલોમાં તેની મોટાભાગની સારવાર કરાવી છે, જેનો કુલ ખર્ચ માત્ર થોડા લાખ રૂપિયા છે. અહેવાલ જણાવે છે, ‘તેમણે (સિદ્ધુનાં પત્નીએ) કૅન્સરને એટલે નથી હરાવ્યું કારણ કે અમારી પાસે પૈસા હતા. એટલા માટે હરાવ્યું કારણ કે તે શિસ્તબદ્ધ હતી અને કડક દિનચર્યાનું પાલન કરતી હતી. કૅન્સરની સારવાર સરકારી હૉસ્પિટલોમાં પણ અસરકારક રીતે કરી શકાય છે.’
એ સ્પષ્ટ કરે છે કે, સિદ્ધુએ તેમની પત્નીએ કેટલીક હૉસ્પિટલમાં સારવાર લીધી હોવાની વાત કરી છે અને ઉમેર્યું હતું કે, તેમની તબીબી સારવારની સાથે સાથે શિસ્તબદ્ધ ડાયટ અને જીવનશૈલીનું પરિવર્તન પણ મહત્ત્વનું હતું, જેમાં ચુસ્ત આહારે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
અહીં, અહીં અને અહીં જોવા મળતા સમાન સમાચાર અહેવાલો પુષ્ટિ કરે છે કે સિદ્ધુનાં પત્નીની સારવાર સરકારી હૉસ્પિટલોમાં કરવામાં આવી હતી.
ન્યૂઝચેકરે સિદ્ધુના વાયરલ થયેલા દરેક દાવાના તથ્ય તપાસવાનું નક્કી કર્યું. સિદ્ધુએ કહ્યું કે, તેમની પત્નીની દિનચર્યામાં લીંબુ પાણી, કાચી હળદર, એપલ સીડર વિનેગર, લીમડાના પાન અને તુલસીનો સમાવેશ થાય છે.
શું લીંબુ અને લીંબુનો રસ કૅન્સર મટાડવામાં મદદ કરે છે?
ન્યૂઝચેકરને ઘણા અહેવાલો મળ્યા જેમાં જણાવ્યું હતું કે, દાવો સાચી અને ખોટી માહિતીનું મિશ્રણ છે, જે દર્શાવે છે કે લીંબુ સહિતના ખાટાં ફળોમાં એવા સંયોજનો છે જે અમુક પ્રકારના કૅન્સરને રોકવા અથવા તેની સામે લડવામાં ફાયદાકારક હોઈ શકે છે.
માર્ચ 8-2019ના UAMS (યુનિવર્સિટી ઓફ આર્કાન્સાસ ફોર મેડિકલ સાયન્સિસ) ના અહેવાલ મુજબ, “લીંબુના રસમાં રહેલા ફાયદાકારક સંયોજનોએ તાજેતરના અભ્યાસોમાં સારુ પરિણામ દર્શાવ્યું છે, પરંતુ ખોરાકમાં જોવા મળતા સ્તરો માત્ર કૅન્સર સામે લડવાની શરીરની ક્ષમતામાં વધારો કરી શકે છે. અંતે, રેડિયેશન થેરાપી અથવા કીમોથેરાપી જેવી તે વૈજ્ઞાનિક રિપ્લેસમેન્ટ થૅરપી નથી.”
આવા સમાન અહેવાલો અહીં અને અહીં જોઈ શકાય છે. જ્યારે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે લીંબુ અને અન્ય સિટ્રસ ફળોમાં કુદરતી રીતે બનતા પદાર્થો હોય છે જેમાં કૅન્સર સામે લડવાના ગુણધર્મો હોય છે, એટલે કે સુધારેલા સિટ્રસ પેક્ટીન અને લિમોનોઇડ્સ, જોકે, આ ગુણધર્મોનું માનવોમાં પરીક્ષણ કરવામાં આવ્યું નથી.
ન્યૂઝચેકરે ભૂતકાળમાં આવી ગેરમાન્યતાઓનું ખંડન કરી ચૂકી છે કે, જેમાં દાવો કરાયો હતો કે, ગરમ અનાનસનું પાણી પીવાથી કેન્સર મટી જાય છે, વળી આ દાવાનું પણ ઇન્વેસ્ટિગેશ કર્યું હતું જેમાં દાવો કરાયો હતો કે, પાઇનેપલના રસને ઉકાળી પીવાથી કૅન્સર મટી જાય છે. જેમાં જાણવા મળ્યું હતું કે અનાનસમાં એન્ઝાઇમ કૉષની વૃદ્ધિને અટકાવી શકે છે અને ટેસ્ટ-ટ્યુબ સેટિંગ્સમાં વિવિધ કૅન્સરમાં સેલ એપોપ્ટોસિસ (કૉષમૃત્યુ) પ્રેરિત કરી શકે છે, પણ એ જરૂરી નથી કે તે કૅન્સર મટાડી શકે છે.
હળદર વિશે સત્ય શું છે?
ન્યૂઝચેકરે કેરળમાં કેરિટાસ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટના સિનિયર કન્સલ્ટન્ટ સર્જિકલ ઑન્કોલોજિસ્ટ ડૉ. જોજો. વી. જોસેફનો સંપર્ક કર્યો હતો, જેમણે સિદ્ધુના દાવાના જવાબમાં 24 નવેમ્બર, 2024ના રોજ તેમની ચૅનલ દ્વારા અપલોડ કરેલા યુટ્યુબ વિડિયો વિશે માહિતગાર કર્યાં, જેમાં તેમણે જણાવ્યું હતું કે, નૅચરોપેથીના સમર્થકો તિરુવનંતપુરમ સ્થિત સંસ્થાએ હળદરમાં મળતા તત્વથી કૅન્સર મટાડતી સારવાર માટે યુ.એસ. પેટન્ટ મેળવી હોવાના અહેવાલોનો આધાર લીધેલ છે.
ડૉક્ટરે સ્પષ્ટ કર્યું કે, “પેટન્ટનો અર્થ એ નથી કે સારવારને માન્યતા આપવામાં આવી છે અથવા સ્વીકારવામાં આવી છે. તેનો અર્થ એ છે કે માત્ર તેઓને [સંસ્થાને] ચોક્કસ પ્રકારની સારવારનો અધિકાર છે.”
અમે 3 નવેમ્બર, 2022 ના રોજ અપડેટ કરાયેલા આ તબીબી રીતે-સમીક્ષા કરેલ લેખમાં ચકાસણી કરી જેમાં જણાવ્યું હતું કે, કેટલાક અભ્યાસો સૂચવે છે કે, હળદરમાં રહેલ કર્ક્યુમિન તત્વો કૅન્સરના કોષો સામે લડવા સહિત વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય લાભો ધરાવે છે, પરંતુ હળદર અને કૅન્સર વિશેના મોટાભાગના પુરાવા પ્રાણીઓ પરના અભ્યાસોમાંથી મળે છે. અથવા લેબમાં કોષો પર થયેલા અભ્યાસ પરથી તે સ્પષ્ટ નથી કે, આ અભ્યાસો એવા લોકો માટે શું અસર ધરાવશે છે જેમને કૅન્સર છે અથવા જેમના પર તેના ઉપયોગથી અસર થઈ હોય. જોકે, એવા કેટલાક પુરાવા છે કે કર્ક્યુમિન અમુક કૅન્સરની દવાઓમાં સામેલ છે.”
“કર્ક્યુમિનના ક્લિનિકલ ટ્રાયલ્સ થયા છે છે અને કેટલાક પરિણામો આશાસ્પદ રહ્યા છે. પણ મોટા અભ્યાસની જરૂર છે. આ ક્ષણે મનુષ્યોમાં એવા કોઈ સ્પષ્ટ પુરાવા નથી કે જે દર્શાવે છે કે હળદર અથવા કર્ક્યુમિન કૅન્સરને રોકી શકે છે અથવા તેની સારવાર કરી શકે છે.”
કેન્સર રિસર્ચ યુકેનો લેખ જેની છેલ્લે 9 મે-2022ના રોજ સમીક્ષા કરવામાં આવી હતી તેમાં ચેતવણી આપી હતી કે, ઘણી વેબસાઇટ્સ કૅન્સરના ઈલાજ તરીકે હળદરને પ્રોત્સાહન આપે છે. પણ કોઈપણ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક કૅન્સર સંસ્થાઓ આમાંના કોઈપણ દાવાને સમર્થન આપતી નથી, જોકે, એ પણ સંકેત આપે છે કે, કર્ક્યુમિન અન્ય દવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે.
શું ઍપલ સીડર વિનેગર (સરકો) કૅન્સરની સારવાર કરી શકે છે?
ન્યૂઝચેકરની તપાસમાં ઘણા લેખો સ્પષ્ટપણે જણાવે છે કે, ઍપલ સીડર વિનેગર એટલે કે સરકો કૅન્સરની સારવારમાં મદદ કરી શકતા અથવા સામાન્ય રીતે કૅન્સરમાં ક્ષાર અથવા એસિડિટીની ભૂમિકાની પુષ્ટિ કરી શકે તેવા દાવાને સમર્થન આપવા માટે મર્યાદિત સંશોધન છે. લેખ અનુસાર, સરકો એ એક સલામત આહાર છે જે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે ફાયદાકારક હોઈ શકે છે, જોકે, તે કૅન્સરની સારવાર અથવા અન્ય કોઈપણ ગંભીર તબીબી સારવાર માટેની વૈકલ્પિક સારવાર નથી.
23 ઓગસ્ટ-2018ના યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિકલ સેન્ટરનો લેખ જણાવે છે, “થોડા અભ્યાસો દર્શાવે છે કે સરકોમાં કૅન્સર વિરોધી ગુણધર્મો હોઈ શકે છે. આમાંના મોટાભાગના અભ્યાસોમાં કૅન્સરના કોષોનું સંવર્ધન અને તેને વિનેગર અથવા એસિટિક એસિડના સંપર્કમાં લાવવાનો સમાવેશ થાય છે. આ અભ્યાસોની મર્યાદા સ્પષ્ટ છે; કેમ કે, લોકોની અંદરના કૅન્સર પર સીધો ACV રેડી શકતા નથી. વધુમાં, તમે ACV IV ઇન્ફ્યુઝન કરો તો, ચોક્કસપણે કોઈને ગંભીર નુકસાન કરશો.”
નાળિયેરની ગેરમાન્યતા
કૅન્સર સામે લડવા માટે નાળિયેર તેલનું સેવન એક લોકપ્રિય પુનરાવર્તિત ગેરમાન્યતા છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ગેરમાન્યતા છે કે, સવારે અને રાત્રે ત્રણ ચમચી ઓર્ગેનિક નાળિયેર તેલનું સેવન કૅન્સર માટાડે છે. આ સૌથી લોકપ્રિય ઓનલાઈન થિયરી છે. આ ગેરમાન્યતા અમુક પ્રકારના કૅન્સર કોષો પર લૌરિક એસિડ (નાળિયેર તેલમાં જોવા મળતું તત્ત્વ)ની અસરો અંગે થયેલા વર્ષ 2017ના અભ્યાસમાંથી ઉદભવેલ છે.
શ્રી જયવર્દેનપુરાની મેડિસિન ફેકલ્ટી ઓફ મેડિસિન યુનિવર્સિટીના વરિષ્ઠ લેક્ચરર ડૉ બિમલકા સેનેવિરથનાએ 17મે-2023ના રોજ AFP શ્રીલંકાને જણાવ્યું હતું કે,”રોજના વપરાશ માટે ઉપલબ્ધ નાળિયેર તેલ કૅન્સરના કોષોને મારી શકે છે અથવા કૅન્સરના જોખમને અટકાવી શકે છે એવો દાવો કરવા માટે પૂરતા વિશ્વસનીય વૈજ્ઞાનિક પુરાવા નથી.” અને ઉમેર્યું કે, “દરરોજ નાળિયેર તેલ કૅન્સરને અટકાવશે એવું સંશોધન પરિણામનો સાદો અર્થ કાઢવામાં આવવાથી સર્જાયેલી એક મોટી ભ્રામણા છે.”
દરમિયાન, ડો. જોજો. વી. જોસેફે જણાવ્યું હતું કે, સિદ્ધુના નિવેદનોને અમુક યુઝર્સ દ્વારા ખોટા અર્થઘટન સાથે વાઇરલ કરવામાં આવ્યા છે કે, અંતરાલ સાથે થતા ઉપવાસ અને સંપૂર્ણ કુદરતી આહાર કૅન્સરને હરાવવામાં મદદ કરે છે.
આમ તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે, સિદ્ધુ દ્વારા કરાયેલ દાવો કે “વિશેષ” આહાર કૅન્સરને હરાવવામાં મદદ કરે છે અને કૅન્સર અટકાવે છે, નિયંત્રિત કરે છે, સારવાર કરે છે, તેના સાયન્ટિફિક પુરાવા ઉપલબ્ધ નથી.
ડૉક્ટર જોસેફે કહ્યું, “સૌ પ્રથમ, એમ કહેવું કે 40 દિવસની સારવાર પછી સ્ટેજ-4 કૅન્સરના દર્દીનું PET સ્કેનમાં રોગની કોઈ હાજરી નથી બતાવતો એ મૂર્ખતા છે અને ખોટી માહિતી છે. તે જાણીતી હકીકત છે કે, દર્દીમાં કૅન્સરના કોષોથી સંપૂર્ણપણે મુક્ત થવામાં ત્રણ-ચાર વર્ષનો સમય લાગે છે. નવજોત કૌરને 2023માં સ્ટેજ-2 સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેના પછી તેમણે સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન અને અન્ય પ્રકારની સારવાર કરાવી હતી. અમે જોઈ શકીએ છીએ કે તેમણે આ માહિતી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં શેર કરી છે, જે સાબિત કરે છે કે તેમની પત્નીએ આધુનિક દવાનો લાભ લીધો હતો.”
તેમણે ઉમેર્યું કે, કૌરને સ્ટેજ-3 હોવાનું નિદાન થયું હતું કે કેમ તે અંગે પણ મૂંઝવણ છે, જે વિશે કેટલાક ડોકટરોએ વાત કહી છે. સિદ્ધુ દ્વારા દાવા મુજબ સ્ટેજ-4 મામલે નહીં. વળી, કોષોને ભૂખે મરવાના દાવાઓને પણ તેમણે નકારી કાઢ્યા.
દરમિયાન, સિદ્ધુએ પણ 22 નવેમ્બર-2024ના રોજ X પર પોસ્ટ કરીને કહ્યું હતું,“સારવાર + આહાર – કૅન્સરના ઈલાજ માટે ઉત્તમ સંયોજન!.”
તે જ દિવસે અન્ય એક પોસ્ટમાં સિદ્ધુએ વર્યમ સિંહ હોસ્પિટલના ડૉ. વિકુ બત્રાનો આભાર માનતા કહ્યું કે, “તેઓ નવજોત કૌરની સમગ્ર સારવાર માટે જવાબદાર મુખ્ય ડૉક્ટર હતા, તેમની 24X7 કાળજી લેતા હતા, તેમને શ્રેષ્ઠ સારવાર અને ભાવનાત્મક ટેકો પૂરો પાડતા હતા.”
જે વાઇરલ દાવાથી વિપરિત છે. એ વાયરલ દાવો જેમાં કહેવાય છે કે, તે માત્ર ચુસ્ત આયુર્વેદિક આહાર અને જીવનશૈલીમાં ફેરફાર હતો, જેમાં ઉપવાસનો સમાવેશ પણ થાય છે. અને આ બધું નવજોત કૌરના સાજા થવા માટે સંપૂર્ણપણે જવાબદાર છે તે બાબતથી પણ એ વિપરિત છે.
ડોક્ટર પ્રશાંત મહેતા જેઓ અમૃતા હોસ્પિટલ-ફરિદાબાદના મેડિકલ ઑન્કોલોજિસ્ટ છે તેમણે કથિત રીતે સિદ્ધુના દાવાઓને “ખોટી માહિતી કે જે કોઈ પુરાવા પર આધારિત નથી” તરીકે વર્ણવે છે, તેઓ હાઇલાઇટ કરે છે કે કેવી રીતે, ડિજિટલ યુગમાં, સોશિયલ મીડિયાના લોકો અને સેલિબ્રિટી ઘણીવાર પોતે વ્યક્તિગત રીતે અનુસરતી પ્રથાઓને પ્રોત્સાહન આપે છે, જે વૈજ્ઞાનિક રીતે માન્ય અથવા જાહેર પ્રસાર માટે યોગ્ય ન હોઈ શકે.
સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્ય સંબંધિત ખોટી માહિતી સામે લડવા માટે જાણીતા પ્રખ્યાત હેપેટોલોજિસ્ટ ડૉ. સિરિયાક એબી ફિલિપ્સે પણ 22 નવેમ્બર-2024ના રોજ વાયરલ દાવાઓની ટીકા કરતા કહ્યું હતું કે, “એવા બિલકુલ પુરાવા નથી કે કોઈ ચોક્કસ આહાર અથવા જડીબુટ્ટી અથવા આયુર્વેદિક (બાલ્ડરડૅશ) કૅન્સરને રોકી, નિયંત્રિત અથવા મટાડી શકે છે.”
TheLiverDoc તરીકે ઑનલાઈન લોકપ્રિય ડૉ. ફિલિપ્સ દ્વારા અભ્યાસ ટાંકવામાં આવ્યો છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે, કૅન્સરના દર્દીઓ જેઓ વૈકલ્પિક સારવાર પસંદ કરે છે તેમના મૃત્યુનું જોખમ વધારે રહેલું છે.
તદુપરાંત,આયુર્વેદ ચિકિત્સક અને ICTRC પુણે ઈન્ટિગ્રેટેડ કૅન્સર ટ્રીટમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટરના વરિષ્ઠ સંશોધક ડૉ. સુષમા સુમીતે (BAMS-MD) ટાઈમ્સ નાઉને જણાવ્યું હતું કે, “આ બાબતો સ્ટેજ IV કૅન્સરના સંચાલનમાં સહાયક સારવારનો ભાગ બની શકે છે. જો કે, એવો કોઈ મોટા પાયે અભ્યાસ નથી જે સૂચવે છે કે હર્બલ દવા અને આહાર એકલા મેટાસ્ટેટિક કૅન્સરને નિયંત્રિત કરી શકે છે. આ ક્ષેત્રમાં કોઈપણ તારણો સામાન્ય રીતે તેના વ્યક્તિલક્ષી પરિણામો પર આધારિત હોય છે અને વ્યક્તિગત અનુભવોમાંથી હોય છે.”
તેઓ વધુમાં ઉમેરે છે, “આવા કિસ્સાઓમાં ભલામણ કરાયેલ ચોક્કસ આહાર અને કૅન્સર વિરોધી, બળતરારરોધક ખોરાક જરૂરી કે તે અન્ય દર્દીઓ માટે અસરકારક હોય, કારણ કે દરેક દર્દીના રોગના તબક્કા, શરીરની રચના, શારીરિક અને માનસિક શક્તિ અને અન્ય પરિબળોમાં ભિન્નતા હોય છે.”
સિદ્ધુના દાવાને નકારી કાઢવામાં ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડાયરેક્ટર સહિત 260થી વધુ ઑન્કોલોજિસ્ટ સાથે જોડાયા હતા અને ચુસ્ત આહાર તેમની પત્નીને સ્ટેજ-4 સ્તન કૅન્સરને હરાવવામાં મદદ કરે છે એ વાતનું ખંડન કર્યું છે. સિદ્ધુના નિવેદનો પછી સારવારમાં “અપ્રમાણિત ઉપાયો” પસંદ કરી રહેલા લોકો માટે 23 નવેમ્બર-2024ના રોજ એક ખુલ્લો પત્ર શેર કરીને જાહેર જનતાને સારવારમાં વિલંબ ન કરવા વિનંતી પણ કરી છે.
પત્રમાં જણાવ્યું હતું, “ભૂતપૂર્વ ક્રિકેટરનો તેમની પત્નીના સ્તન કૅન્સરની સારવારનું વર્ણન કરતો વિડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાઇરલ થયો છે. વિડિયોના ભાગો સૂચવે છે કે ‘ડેરી ઉત્પાદનો અને ખાંડ ન ખાવાથી કેન્સરને ભૂખે મારવું’, હલ્દી (હળદર) અને લીમડાનું સેવન ‘અસાધ્ય’ કૅન્સરને મટાડવામાં મદદ કરે છે. તેમના (સિદ્ધુનાં) આ નિવેદનોમાં આધાર તરીકે કોઈ ઉચ્ચ-ગુણવત્તાવાળા પુરાવા નથી આપવામાં આવ્યા.”
ઉપરાંત કહેવાયું છે કે, જ્યારે બીજી તરફ અમુક કુદરતી ઉત્પાદનો મામલે સંશોધન ચાલુ છે, ત્યારે હાલમાં કૅન્સર વિરોધી સારવાર તરીકે તેમના ઉપયોગની ભલામણ કરવા માટે કોઈ ક્લિનિકલ ડેટા નથી. ઑન્કોલોજિસ્ટ્સે સ્પષ્ટતા કરી હતી કે, “જો કૅન્સર મટી શકે છે જો વહેલી તકે તેનું નિદાન થાય અને સાયન્ટિફિક રીતે યોગ્ય હોય તેવી સારવાર લેવામાં આવે અથવા સર્જરી કરાય જેમાં રેડિયેશન થેરાપી અને કીમોથેરાપીનો સમાવેશ થાય છે.”
Conclusion
આથી વાયરલ દાવો કે, ચુસ્ત આયુર્વેદિક ડાયટ અને તૂટક તૂટક ઉપવાસથી નવજોત સિંહ સિદ્ધુના પત્નીનું સ્ટેજ-4 કૅન્સર મટી ગયું હોવાનો દાવો ખોટો જણાય છે.
Result: False
Sources
Conversation with Dr Jojo V Joseph, senior consultant surgical oncologist, Caritas Cancer Institute
Youtube video, Dr Jojo V Joseph, November 24, 2024
Indian Express report, November 22, 2024
Times Now report, November 22, 2024
X post, theliverdr, November 22, 2024
X post, Navjot Singh Sidhu, November 22, 2024
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજી કુશલ એચએમ દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044