Authors
Claim – બાંગ્લાદેશ આર્મી ચીફે મોદી-અમિત શાહ સહિત ભારતને યુદ્ધની ચેતવણી આપી
Fact – દાવો ખોટો છે. વાઇરલ વીડિયોમાં ભાષણ આપી રહેલી વ્યક્તિઓ બાંગ્લાદેશ આર્મીના ચીફ નથી. ખોટા સંદર્ભ સાથે તેને રજૂ કરાયો છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર મામલેના ઘણા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ હિંદુ સંગઠનો બાંગ્લાદેશમાં હિંદુઓના સમર્થન માટે રેલીઓ યોજી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ મામલે ઘણી ચર્ચા ચાલી રહી છે.
આ દરમિયાન, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો છે, જે મામલે દાવો કરાય છે કે, બાંગ્લાદેશ આર્મી ચીફ ભારતના વડા પ્રધાન મોદી અને અમિત શાહને યુદ્ધની ચેતવણી આપી રહ્યા છે.
વીડિયોમાં બે વ્યક્તિ સેનાના યુનિફૉર્મમાં ભાષણ આપી રહ્યા છે. વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે, “કૉંગ્રેસના 70 વર્ષના શાસનની અંદર ક્યારેય પણ પાડોશી દેશ આવી નીચ કક્ષાની ભાષામાં વાત નથી કઈરી અને તેમાં પણ તેમના સૈન્ય પ્રમુખે આ છે મોદી સાહેબ તમારી વિદેશી નીતિ તમે તો કહેતા હતા ચીનને લાલ આંખ દેખાડશું આજે બાંગ્લાદેશ જેવા દેશો તમને લાલ આંખ બતાવી રહ્યા છે. બાંગ્લાદેશ એક સમયે ભારતના ટુકડા પર નિર્ભર રહેતું હતું, પરંતુ આજે તે યુદ્ધની બૂમો પાડી રહ્યું છે. મોદી સાહેબ તમારાથી ના થઈ શકતું હોય તો ખુરશી ઉપરથી ઉતરી શું કામ નથી જતા.”
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
Fact Check/Verification
દાવાની તપાસ માટે સોપ્રથમ અમે અમારા બાંગ્લા ભાષાના સહયોગીની મદદ લીધી અને જાણવાની કોશિશ કરી કે વીડિયોમાં જે ભાષણ છે, તેમાં શું બોલી રહ્યાં છે.
વીડિયોમાં સૈન્ય ટોપી પહેરેલી એક વ્યક્તિ બોલી રહી છે કે, “મોદીજી, અમિત જી અને રાજનાથ જી બાંગ્લાદેશ આર્મી હવે એવી નથી જે પહેલા 1972માં હતી, હવે અમે કોઈ પણ દેશ સાથે જંગ કરવા માટે તૈયાર છીએ.” (ગુજરાતી અનુવાદ)
જ્યારે બીજી વ્યક્તિ અગરતલામાં રાજદ્વારી મિશન પર થયેલા હુમલાને વખોડી રહી છે. તેની ટીકા કરી રહી છે. તે કહે છે કે, “ભારતીય મીડિયા બાંગ્લાદેશનું જાણીજોઈને અપમાન કરી રહી છે. બાંગ્લાદેશ જ્યારે એક ધાર્મિક અથડામણોનો સામનો કરી રહી રહ્યું છે ત્યારે તેના વિશે ખોટી માહિતીઓ વાઇરલ કરવામાં આવી રહી છે.” (ગુજરાતી અનુવાદ)
ત્યાર બાદ અમે આ વ્યક્તિઓ વિશે અને જે કાર્યક્રમના મંચ પરથી આ ભાષણ અપાયું તેના સંદર્ભ વિશે પણ જાણવાની કોશિશ કરી.
વાઇરલ વીડિયોના કીફ્રેમને અમે ગૂગલ રિવર્સ સર્ચ ઇમેજની મદદથી સ્કૅન કર્યાં. જેમાં અમને 7 ડિસેમ્બર 2024ના રોજ જનૂના ટીવીના યુટ્યુબ ચૅનલ પર અપલૉડ થયેલો એક વીડિયો પ્રાપ્ત થયો.
વીડિયોનું ટાઇટલ છે – રિટાયર્ડ આર્મી ઑફિસર
જેના પગલે અમે કીવર્ડ સર્ચ થકી વધુ તપાસ કરતા અમને Shomoyer Aloની ન્યૂઝ રિપોર્ટ પ્રાપ્ત થઈ. રિપોર્ટ અનુસાર આ વીડિયો 7 ડિસેમ્બર 2024ના રોજ થયેલા એક વિરોધ પ્રદર્શનનો છે. તેમાં બાંગ્લાદેશની સેનાના નિવૃત્ત સૈન્ય અધિકારીઓ હતા. તે 7 ડિસેમ્બરના રોજના ઇન્ડિપેન્ડન્ટ ટેલિવિઝનના વીડિયો રિપોર્ટ અનુસાર ઢાકાના RAOWA કલ્બમાં આયોજીત કાર્યક્રમ હતો.
રિપોર્ટ અનુસાર વાઇરલ વીડિયોમાં દેખાતી એક વ્યક્તિ રિટાયર્ડ કર્નલ મનીષ દીવાન છે. જ્યારે અગરતલા ઘટનાની ટીકા કરી રહેલ વ્યક્તિ રિટાયર્ડ કર્નલ મુહમ્મદ અહસાનુલ્લાહ છે. કોઈ પણ રિપોર્ટમાં તેમને સેનાના વર્તમાન સૈન્ય અધિકારી તરીકે ઉલ્લેખવામાં આવ્યા નથી.
ખરેખર જો બાંગ્લાદેશના સૈન્ય વડાએ ભારત સામે આવી ચેતવણી ઉચ્ચારી હોત, તો તેને પ્રમુખ મીડિયા સંસ્થાનોએ અહેવાલરૂપે નોંધ લીધી હોત. પરંતુ આવા કોઈ સામાચાર અહેવાલ પણ ઉપલબ્ધ નથી.
વધુમાં, ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, 6 ડિસેમ્બર 2024ના રોજ ભારતના આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વીવેદી અને બાંગ્લાદેશના આર્મી ચીફ વાકર-ઉઝ-જમાનની વીડિયો કૉલ પર વાતચીત થઈ હતી. આ બેઠકમાં બંને દેશોના હિતોની વાત થઈ હતી. તે 5 ઑગસ્ટ 2024ના રોજ શેખ હસીનાએ દેશ છોડ્યા પહેલાની બેઠક હતી. જ્યારે ધ હિંદુના અહેવાલ મુજબ 9 ડિસેમ્બર 2024ના રોજ બંને દેશોના સચિવો વચ્ચે પણ ઢાકામાં બેઠક થઈ હતી.
અમે નિવૃત્ત સૈન્ય અધિકારીનો સંપર્ક કરવાની પણ કોશિશ કરી રહ્યા છે.જો તેમના તરફથી પ્રત્યુત્તર પ્રાપ્ત થશે તો, તેમની વાતચીત અહેવાલમાં બાદમાં સામેલ કરી લેવામાં આવશે.
આ સમગ્ર બાબતો પુરવાર કરે છે કે, બાંગ્લાદેશના આર્મી ચીફે ભારતને કે પીએમ મોદી અને અમિત શાહને કોઈ ચેતવણી આપી નથી. ખરેખરે એક અન્ય કાર્યક્રમનો વીડિયો જેમાં સૈન્યના નિવૃત્ત અધિકારીઓ ભેગા મળ્યા હતા તેમને સેન્ય વડા તરીકે ગણાવીને ખોટા સંદર્ભ સાથે વીડિયો શેર કરવામાં આવ્યો છે.
Fact Check – જૂની અન્ય ઘટનાનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમાલાના ખોટા દાવા સાથે વાઇરલ
Conclusion
તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ખરેખર વાઇરલ વીડિયોમાં ભાષણ આપી રહેલી વ્યક્તિઓ બાંગ્લાદેશ આર્મીના વર્તમાન સૈન્ય વડા નથી. ન તે આર્મીની સેવામાં સક્રિય છે. તેઓ આર્મીના વેલ્ફેર ગ્રૂપના સભ્ય છે અને બાંગ્લાદેશના નિવૃત્ત સૈન્ય અધિકારીઓ છે. જેઓ બાંગ્લાદેશમાં હિંદુઓ મામલે ફેલાઈ રહેલી ખોટી માહિતીઓ અને ઘટનાઓને વખોડી રહ્યા છે.
Result – False
Our Sources
Jamuna TV You Tube Video Dated 7 Dec, 2024
Shamoyer Alo News Report Dated 7 Dec, 2024
Independent Television You Tube Video Report Dated 7 Dec, 2024
Indian Express News Report Dated 7 Dec, 2024
The Hindu News Report Dated 9 Dec, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044