Fact Check
27 વર્ષ પહેલા શરુ થયેલ બાબરી મસ્જીદ વિધ્વંસનો આવ્યો અંત, જાણો રામ મંદિરના નિર્માણની કહાની
આજે એટલેકે 9 નવેમ્બર, 27 વર્ષથી ચાલી રહેલા વિવાદિત ભૂમિ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે, જેમાં રામ મંદિર બનાવવા માટે મંજુરી આપવામાં આવી છે. સાથે જ મસ્જીદ માટે અલગથી જગ્યા ફાળવવાના આદેશ આપવામાં આવ્યા છે.
રામજન્મભૂમી- બાબરી મસ્જીદ વિવાદનો પાયો 1949માં નંખાઈ ગયો હતો, જયારે મસ્જીદના અંદરના ભાગે ભગવાન રામલલ્લાની મુર્તિ મુકવામાં આવી હતી. જોકે બાબરી મસ્જીદની કહાની કંઈક વધારે વર્ષ જૂની જ છે. 1528માં બાબરના આદેશ પર આ મસ્જીદ બનવવામાં આવી હતી. જેને બનાવવાની જવાબદારી મીર બાકીને સોંપવામાં આવી હતી. મસ્જીદ પર લખવામાં આવેલા લેખો પણ કંઈક આવું જ કહે છે કે બાબરી મસ્જીદ બનાવવામાં નહીં પણ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જયારે હિંદુઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે,ત્યાં મંદિર તોડી પાડી મસ્જીદ બનાવવામાં આવી હતી. તેમજ દાવો કરવામાં આવ્યો છે કે જે જગ્યા પર મસ્જીદ બનાવવામાં આવી છે તે ભગવાન રામની જન્મભુમી છે, અને અહીંયા રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ.
- મસ્જીદ વિવાદ માત્ર હિન્દૂ અને મુસ્લિમ વચ્ચે નથી

અહીંયા મસ્જીદ વિવાદ માત્ર હિન્દૂ અને મુસ્લિમ વચ્ચે નથી રહ્યો, પરંતુ શિયા મુસ્લિમ અને સુન્ની મુસ્લિમ પણ પોતાના હકો બતાવી રહ્યા છે. જેમાં શિયા મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે મીર બાકી તેમના સમુદાયથી આવે છે તો આ મસ્જીદ પર તેમનો હક છે. તો સુન્ની મુસ્લિમનું કહેવું છે કે મસ્જીદ બાબરના કહેવા પર બનાવવામાં આવી હતી તો મસ્જીદ પર હક આમરો લાગશે. મંદિર-મસ્જીદના વિવાદ પર ઘણા વર્ષો બાદ અને લાંબી સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય હાલ સુરક્ષિત રાખ્યો છે.
- શું છે કોર્ટના આદેશ

રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર 16 ઑક્ટોબર, 2019ના રોજ સુનાવણી પૂર્ણ થઈ અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય નવેમ્બરમાં આપશે, અદાલતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. કારણ કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત થઈ રહ્યા છે. આ સાથે જ ન્યાયાલયે એવું પણ કહ્યું કે જો દલીલો બાકી હોય તો સંબંધિત પક્ષો 3 દિવસમાં લેખિત સ્વરૂપે પોતાની દલીલો રજૂ કરી શકે છે. આ પીઠના અધ્યક્ષ ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ છે. લગભગ 40 દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં આ બીજી સૌથી લાંબી ચાલનારી સુનાવણી હતી.
અલ્લહાબાદ હાઈ કોર્ટે 9 વર્ષ પહેલાં અયોધ્યાની વિવાદિત 2.77 એકર જમીનને 3 બરાબર ભાગમાં વહેંચી દેવાનો નિર્ણય સંભળાવ્યો હતો. હાઈકોર્ટે આ જમીનને રામલલા, સુન્ની વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડા વચ્ચે સમાન ભાગમાં વહેંચવાનો નિર્ણય સંભળાવ્યો હતો. પરંતુ આ ત્રણેય પક્ષકારોએ અલાહાબાદ હાઈ કોર્ટના નિર્ણયને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેમજ આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં અને આ નિર્ણયમાં ફેરફાર કરવાની અરજી કરી હતી.
- કોણે કર્યો હતો પેહલો દાવો અને કયાંથી થઇ હતી શરૂઆત
અયોધ્યા જમીન વિવાદની શરૂઆત 1853માં થઈ ચુકી હતી,જયારે અવધ અપર નવાબ અલી શાહનું શાસન હતું. નિર્મોહી અખાડા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે બાબરી મસ્જીદ છે ત્યાં પહેલા રામ મંદિર હતું. જે બાદ બન્ને સમુદાય વચ્ચે ખુબજ હિંસા થઇ હતી. 1859 સુધી આ જગ્યા પર હિન્દૂ અને મુસ્લિમ બન્ને પૂજા અને નમાજ કરતા હતા, પરંતુ 1859ના બળવા બાદ અંગ્રેજોએ આ જગ્યાને બન્ને સમુદાય વચ્ચે વહેંચી આપી હતી અને સરહદ બનાવી આપી હતી.

સર્વપલ્લી ગોપાલની એક પુસ્તક Anatomy of a Confrontation: Ayodhya and the Rise of Communal Politics in India પ્રમાણે 1855માં જે વિવાદે જન્મ લીધો હતો તે બાબરી મસ્જીદને લઈને નહીં પરંતુ હનુમાન ગઢી મંદિરને લઈને સર્જાયો હતો. તો આ તરફ કેટલાક મુસ્લિમ સમુદાય માનતા હતા કે મસ્જીદને તોડી પાડી આ મંદિર બનાવવામાં આવ્યું હતું જે બાદ મુસ્લિમ સમુદાય દ્વારા તેના પર કબ્જો કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વિવાદનો અંત લાવવા અવધના નવાબ વાજિદ અલી શાહ દ્વારા એક કમિટી બનાવવામાં આવી જેમાં માનવામાં આવ્યું કે હનુમાન મંદિર કોઈ મસ્જીદ તોડી બનાવવામાં નથી આવ્યું. તેમજ મુસ્લિમ સમુદાય સાથે ન્યાય કરવા માટે મંદિર સાથે એક મસ્જીદ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.

આ વિદ્રોહ બાદ 1857માં હનુમાન મંદિરના મહંત દ્વાર બાબરી મસ્જીદ પાસે એક ચબુતરો બનાવવામાં આવ્યો, જેની ફરિયાદ બાદ 1861માં બ્રિટિશ અધિકારીએ ચબુતરો મસ્જીદથી અલગ કરી બન્ને વચ્ચે એક દીવાલ બાનાવી આપી હતી. ત્યારબાદ મહંતે ચબુતરા પર મંદિર બનાવવાનું કામ શરૂ કર્યું, પરંતુ મુસ્લિમ સમુદાયના વાંધો ઉઠાવ્યા બાદ કોર્ટે મંદિર નિર્માણ કાર્ય પર રોક લગાવવાના આદેશ આપ્યા. જે બાદ હનુમાન ગઢીના મહંત રઘુવર દાસે 1885માં કોર્ટમાં કેસ કરતા કહ્યું કે ચબુતરાની જગ્યાના માલિક હોવા સાથે તેઓ તે જગ્યા પર કોઈ પણ વસ્તુનું નિર્માણ કરી શકે છે.

રઘુવર દાસની અપીલ પર કોર્ટે કહ્યું કે ચબુતરા પર મંદિર બન્યા બાદ બન્ને સમુદાય વચ્ચે મતભેદ વધી શકે છે. જેના દ્વારા સાંપ્રદાયિક હિંસામાં પણ વધારો થઇ શકે છે, જે બાદ ઉપ ન્યાયાધીશ દ્વારા ચબુતરા પર રઘુવર દાસ અને હિંદુઓનો અધિકાર અનઅધિકૃત કર્યો હતો. ત્યારબાદ રઘુવર દાસ દ્વારા અવધ અદાલતમાં અપીલ કરતા કહ્યું કે મંદિર નિર્માણ સાથે ઉપન્યાયાધીશના નિર્યણને રોકવા માટે પણ અપીલ કરી હતી. જેમાં ચબુતરાની માલિકી પર કોર્ટે સુનાવણી કરી હતી. વર્ષ 1934માં અયોધ્યામાં ફરી એક વખત વિવાદનો માહોલ જોવા મળી રહ્યો હતો, જયારે ગૌ-હત્યાથી ગુસ્સામાં આવેલા હિન્દૂઓએ બાબરી મસ્જીદ પર તોડ-ફોડ કરી, જે બાદ બ્રિટિશ અધિકારીઓએ તેને સરખી પણ કરાવી હતી, અને 1946માં અંગ્રજોની વિદાય બાદ બાબરી મસ્જીદ સુન્ની સમુદાયને સોંપવામાં આવી હતી.
- ક્યાંથી આવી રામ ભાગવાનની મૂર્તિ

આઝાદી બાદ ઉતરપ્રદેશની રાજનિતીમાં ભારે ઉતાર-ચઢાવ ચાલતા રહ્યા છે. સાંપ્રદાયિક ધ્રુવીકરણે સત્તાપર બેઠેલા કૉંગેસ સરકારને હચમચાવી દીધી હતી. વર્ષ 1948ની પેટા ચૂંટણી આ વાતની સાબિતી છે. કોંગ્રેસથી અલગ થયેલા વિધાયક આચાર્ય નરેન્દ્ર દવેએ ફરી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને ફૈઝાબાદથી ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું હતું. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી જી.બી.પંતે પેટા ચૂંટણીમાં દવે સામે મહંત રઘુ દાસને મેદાનમાં ઉતાર્યા હતા. તેમજ દવે વિરુદ્ધ ઉપપ્રચાર ફેલાવ્યો હતો કે નરેન્દ્ર દવે ભગવાન રામને નથી માનતા, જે બાદ તેઓ ચૂંટણી હારી ગયા હતા. Ayodhya: The dark night નામની બુકમાં પેટા-ચૂંટણીના ઉલ્લેખ સાથે ખુલાસો કર્યો કે મસ્જીદના અંદર મૂર્તિ રાખવાનો આદેશ ત્યારના તત્કાલીન મેજિસ્ટ્રેટ કે.કે.નાયરએ આપ્યો હતો, અને 22 ડિસેમ્બર 1949ના રોજ મસ્જીદમાં મૂર્તિ રાખવામાં આવી હતી.
- રામ લલ્લાની પૂજા કરવા કોર્ટ પાસે માંગવામાં આવી મંજૂરી
રામ જન્મભૂમિ વિવાદ પર બીજો કેસ ગોપાલ સિંહ વિશારદે નોંધાવ્યો હતો. ફૈઝાબાદ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસ દ્વારા વિશારદે મસ્જીદ અંદર મુકવામાં આવેલી મૂર્તિની પૂજા કરવા માટે અરજી કરી હતી. જે મુદ્દે કોર્ટે મૂર્તિ હટાવવાનો આદેશ પર રોક લગાવી હતી.
- સુન્ની વક્ફ બોર્ડે પણ ખખડાવ્યા કોર્ટના દ્વાર

1961માં સુન્ની વક્ફ બોર્ડ તરફથી એક કેસ દાખલ કરવામાં આવ્યો અને માંગ કરવામાં આવી કે બાબરી મસ્જીદને એક સાર્વજનિક મસ્જીદ જાહેર કરવામાં આવે અને રઆમ લલ્લા અને અન્ય મૂર્તિ હટાવવામ આવે. 1946માં આ ચારેય કેસને એક કરવામાં આવ્યા અને સુન્ની વક્ફ બોર્ડના કેસને પ્રમુખ માનવામાં આવ્યો.
- એક દલિત દ્વારા રામ મંદિરના નિર્માણનો પહેલો પથ્થર રાખવામાં આવ્યો

લોકસભા ચૂંટણી નજીક હતી, કોંગ્રેસ હિંદુઓના વોટ ખોવા નોહતી માંગતી, એવામાં પ્રધાનમંત્રી રાજીવગાંધીની સહમતી બાદ મસ્જીદના દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા અને પૂજા-અર્ચના કરવા માટે મંજૂરી આપવામાં આવી. ઉપરાંત હિન્દૂ સંગઠનોને મંદિરના શિલાન્યાસની મંજૂરી પણ આપી હતી. 9 નવેમ્બર 1989ના એક દલિત કામેશ્વર ચોપાલ દ્વારા મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ રાખવામાં આવી હતી. તે સમયે ભાજપ દ્વારા વિશ્વ હિન્દૂ પરિષદને રામ મંદિર આંદોલન માટે પૂરતું સમર્થન આપ્યું અને રામ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો. જેના કારણે કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ અને ભાજપના સમર્થન સાથે જનતા દળની જીત થઇ.
- સોમનાથ થી અયોધ્યા સુધી રથયાત્રા

1990માં લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં સોમનાથ થી અયોધ્યા સુધી એક રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સમયે દેશના કેટલાક રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસા ભડકતી રહી. બિહાર પહોંચતા રથયાત્રા રોકવામાં આવી અને લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરવામાં આવી. જે બાદ ભાજપે જનતા દળ સાથે પોતાનો ટેકો પાછો ખેંચ્યો હતો અને પ્રધાનમંત્રી વી.પી.સિંહે રાજીનામુ આપવું પડ્યું હતું.
આ તરફ અયોધ્યામાં સાધુ-સંતોની ભીડમાં વધારો થતો રહ્યો અને મુલાયમ સરકાર દ્વારા મસ્જીદના ચારેય તરફ સુરક્ષા કડક કરવામાં આવી. જયારે હાલત બેકાબુ થતા પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો જેમાં 5 લોકોના મોત થયા હતા. જે બાદ ગુસ્સામાં આવેલા લોકો હિન્દુવાદી નેતા ઉમા ભારતી, અશોક સિંઘલ હજારો રામ ભક્તો સાથે હનુમાન ગઢી મંદિર તરફ આગળ વધ્યા, જે ભીડને રોકવા ફરી એક વખત સરકારે ફાયરિગ કરવાના આદેશ આપ્યા અને હજારો લોકમો ઘાયલ થયા અને અનેક મૃત્યુ થયા, જે બાદ મુલાયમ સરકારે સત્તા છોડવી પડી હતી.
- બાબરી મસ્જીદ વિધ્વંસ

અયોધ્યા વિવાદ હવે માત્ર ઉત્તરપ્રદેશ સુધી સીમિત ન હતો, પરંતુ દેશ માટે એક મોટો મુદ્દો બની ચુક્યો હતો. 6 ડિસેમ્બર 1992ના રોજ RSS અને તેના સહયોગી સંગઠનો દ્વારા અયોધ્યામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના અલગ-અલગ રાજ્યોથી અંદાજે 1.50 લાખ જેટલા સેવકો આ રેલીમાં જોડાયા હતા. લાખોની સંખ્યામાં આવેલા આ લોકોને અડવાણી , ઉમા ભારતી , મુરલી મનોહર જોશી દ્વારા સંબોધન કરવામાં આવ્યું. જોતજોતામાં આ ભીડ એક તોફાનમાં પરિવર્તિત થઇ ગઈ અને બાબરી મસ્જીદ તરફ કૂચ કરવા લાગી, અને થોડા કલાકોમાં બાબરી મસ્જીદને જમીનદોસ્ત કરવામાં આવી. મસ્જીદના વિધ્વંસ બાદ દેશમાં અનેક જગ્યા પર હિંસા ભડકી ઉઠી અને તેમાં હજરો લોકો માર્યા ગયા. IBના પૂર્વ અધ્યક્ષ મોલોય કૃષ્ણ દ્વારા લખવામાં આવેલ એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે બાબરી મસ્જીદ તોડી પાડવા પાછળ RSSએ 10 મહિના આગાઉ તૈયારી કરી હતી. તેમજ પી.વી.નરસિંહારાઉ સરકારની પણ ખુબજ આલોચના કરી હતી, તેમજ આરોપ લગાવ્યો હતો કે RSS, ભાજપ અને હિન્દૂ મહાસભાના નેતાઓ પહેલાથી હિન્દુત્વ પર બ્લુ પ્રિન્ટ બનાવી બેઠા છે. 2014માં કોબ્રા પોસ્ટ દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ખુલાસો કરવામાં આવ્યો હતો કે મસ્જીદ તોડી પાડવા પાછળ વિશ્વ હિન્દૂ પરિષદ અને RSS દ્વારા કરવામાં આવેલું ષડયંત્ર હતું.

વિવાદિત માળખાને તોડી પાડવા બાદ અનુચ્છેદ 143 અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવ્યો, અને આદેશ આપવામાં આવ્યો કે વિવાદિત જગ્યા પર મંદિર હતું કે મસ્જીદએ પ્રમાણિત કરવામાં આવે. 1994માં આ મામલે કોઈ કાનૂની પેચ ના મળતા કોર્ટે આ મામલો પ્રાપ્ત કર્યો હતો. પરિણામ રૂપે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે મસ્જીદ વિવાદમાં અસ્થાઈ મંદિરમાં હિન્દૂઓ પૂજા-અર્ચના કરી શકે છે.
- નિર્મોહી અખાડાના વકીલની દલીલ

આ મુદ્દે નિર્મોહી અખાડાએ સર્વોચ્ચ અદાલતમાં પોતાનો પક્ષ મૂકતા કહ્યું હતું કે બાબરના સૂબેદાર મીર બાકીએ આ જગ્યાએ રામ મંદિરના કિલ્લાને તોડીને મસ્જિદ બનાવી હતી. તેમણે ભારતના પુરાતત્વ સર્વેક્ષણની તપાસના હવાલા મારફતે આ દાવો કર્યો છે કે મસ્જિદના નીચે જ મંદિર હતું. નિર્મોહી અખાડાના વકીલે સુશીલ કુમાર જૈને સર્વોચ્ચ ન્યાયલયને નીચલી અદાલતમાં રજૂ કરાયેલા કેટલાક દસ્તાવેજ દ્વારા કહ્યું હતું કે, રામ જન્મભૂમિ પર નિર્મોહી અખાડાનો હક છે અને આ જમીન એમને મળવી જોઈએ.
- રામલલ્લા બોર્ડના વકીલની દલીલ
સીનિયર વકીલ કે. પરાસરને રામ લલા(જેને રામ લલા વિરાજમાન પણ કહે છે) તરફથી દલીલ કરી.તેમણે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેઠક સમક્ષ દલીલ કરી કે “વાલ્મિકી રામાયણમાં ઓછામાં ઓછો ત્રણ જગ્યાએ આ વાતનો ઉલ્લેખ છે કે શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો.”

પરાસરની આ દલીલ પર અદાલતે તેમને પૂછ્યું કે શું ઈસા મસીહ બેથલેહામમાં જન્મ્યા હતા, એવો પ્રશ્ન ક્યારેય કોર્ટ સામે આવ્યો છે? ત્યારે વકીલ કે. પરાસરને કહ્યું હતું, “જન્મસ્થાન એ ચોક્કસ સ્થળ નથી કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો, પણ તેની આસપાસની જમીન પણ તેની સીમામાં આવે છે. તેથી સમગ્ર વિસ્તાર જ જન્મસ્થાન છે.” એ વાતમાં કોઈ શંકા નથી કે એ શ્રી રામનું જન્મ સ્થાન છે. હિંદુ અને મુસ્લિમ બંને પક્ષ આ વિવાદિત જમીનને જન્મસ્થાન કહે છે.
- મુસ્લિમ પક્ષકારોની દલીલ

એએસઆઈના અહેવાલ પર મુસ્લિમ પક્ષકારોએ વાંધો ઉઠાવતા સુપ્રીમ કોર્ટે એમનાં વકીલ ડૉક્ટર રાજીવ ધવન અને મિનાક્ષી અરોરાને પૂછ્યું હતું કે “જો પુરાતત્ત્વ વિભાગના અહેવાલમાં ખામીઓ હતી તો અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી વખતે સવાલ કેમ ન કરવામાં આવ્યો?” સુપ્રીમ કોર્ટે કહ્યું કે “જો તમે હાઈકોર્ટમાં એએસઆઈના અહેવાલ સામે વાંધો નથી ઉઠાવ્યો તો મતે અહીં તેની સામે વાંધો ન ઉઠાવી શકો.”
ડૉક્ટર ધવને અદાલતને એ ચેતવણી પણ આપી કે જો તે રામ જન્મભૂમિનો દાવો માની લે છે તો એની શું અસર થશે. ડૉક્ટર ધવને કહ્યું કે જન્મસ્થળનો તર્ક બે કારણે આપવામાં આવી રહ્યો છે. એક તો મૂર્તિપૂજા માટે અને બીજું જમીન માટે. ડૉક્ટર રાજીવ ધવને કહ્યું કે આ લોકોની આસ્થા જ છે જે એમને જોડે છે. હવે સર્વોચ્ચ અદાલતે અમારો તર્ક સ્વીકારવો જોઈએ. અમને ન્યાયતંત્ર પર પૂર્ણ ભરોસો છે કે તે આ ખૂબ સંવેદનશીલ મામલો હલ કરશે અને તેમાં ચુકાદો આપશે જેથી આ વિવાદથી સંબંધિત તમામ પક્ષોનું ભલું થાય.


તો હવે રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી પૂરી થઈ ગઈ છે અને સર્વોચ્ચ અદાલતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. આ સાથે જ ન્યાયાલયે એવું પણ કહ્યું કે જો દલીલો બાકી હોય તો સંબંધિત પક્ષો 3 દિવસમાં લેખિત સ્વરૂપે પોતાની દલીલો રજૂ કરી શકે છે. સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય નવેમ્બરમાં આપશે.
સુત્રો
- BBC
- Anatomy of a Confrontation: Ayodhya and the Rise of Communal Politics in India
- Ayodhya: The dark night
(ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો checkthis@newschecker.in)