Authors
ભારતમાં એક પછી એક હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના સંક્રમિત કેસો નોંધાવાનું શરુ થઈ ગયું છે. ગુજરાત સહિત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ઉપરાંત ઘણા રાજ્યોમાંથી કેસો નોંધાવાના શરૂ થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી કુલ 7થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. સ્વાસ્થ મંત્રીએ પણ પુષ્ટિ કરી છે કે કોઈ પણ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તમામ દર્દી સારી રીતિ રિકવર થઈ રહ્યા છે.
દરમિયાન, ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના વધતા પ્રકોપથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે. ભારત સહિત અન્ય દેશો પણ વાયરસ અને તેના સંક્રમણના ફેલાવા પર ચુસ્ત મૉનિટરિંગ કરી રહ્યા છે. ગુજરાત ઉપરાંત બેંગલુરુની એક ખાનગી હૉસ્પિટલમાં બાળકમાં મેટાપ્યુમોવાયરસનો કેસ મળી આવ્યો છે.
ત્યારે એ જાણનું જરૂરી છે કે, આ એચએમપીવી વાયરસ શું છે? શું આ વાયરસ કોવિડ-19 વાયરસ જેટલો જોખમી છે? તેના લક્ષણો શું હોય છે તથા HMPV માટે કોઈ વેક્સિન છે?
શું છે HMPV?
‘હ્યુમન મેટાપ્યુમોવાયરસ’ એ સામાન્ય શ્વાસનસંબંધિત વાયરસ છે. જે લોઅર અને અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન (શ્વસનના ઉપલા અને નીચલા સંક્રમણ)નું કારણ બને છે. જેમ કે શરદી. આ એક સિઝનલ રોગ છે જે સામાન્ય રીતે શિયાળામાં અને વસંતઋતુની શરૂઆતમાં થાય છે. તે ફ્લૂની જેમ જ ફેલાય છે.
શું HMPV કોઈ નવો વાયરસ છે?
HMPV એ નવો વાયરસ નથી. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવ્યા અનુસાર, આ વાયરસની ઓળખ સૌપ્રથમ 2001માં થઈ હતી. જોકે, કેટલાક સેરોલોજિક પુરાવા સૂચવે છે કે, વાયરસ વર્ષ 1958થી ફેલાયેલો છે. RSV સાથે HMPV ન્યુમોવિરિડ ગ્રૂપ સાથે સંબંધિત છે.
એચએમપીવી કેવી રીતે ફેલાય છે?
•HMPV શ્વસનતંત્ર સંબંધિત વાઇરસજન્ય બીમારીઓનો એક ભાગ છે જે વાઇરલ ઇન્ફેક્શનથી ફેલાય છે.
•આ વાઇરસથી સંક્રમિત લોકોની સીધા સંપર્કમાં આવવાથી.
•રોગથી સંક્રમિત વસ્તુઓના સંપર્કથી અથવા વાતાવરણમાં રહેવાથી.
સામાન્ય લક્ષણો
•સંક્રમણ થયાના છ દિવસમાં લક્ષણો દેખાય છે
•નાક બંધ થઈ જવું
•નાકમાંથી સતત પાણી વહેવું
•ગળામાં દુઃખાવો
•માથામાં દુઃખાવો
•ઉધરસ
ગંભીર લક્ષણો
•શ્વાસ લેવામાં મુશ્કેલી
•સતત છીંકો આવવી
•વિઝિંગ
•બ્રોન્કિયોલિટિસ
•બ્રોન્કાઇટિસ
•ન્યૂમોનિયા
સારવાર
•મોટાભાગના કેસમાં સારવાર વગર 2-5 દિવસમાં દર્દી સાજો થઈ જાય છે
•વધુમાં વધુ આરામ
•વધુમાં વધુ પ્રવાહીનું સેવન
•ઓક્સિજન ઘટી ન જાય તે જોવું
•વાઇરસજન્ય બીમારીઓમાં અપાતી દવાઓ લેવી
તકેદારી
•હાથ સાફ રાખવા
•માસ્ક પહેરવું
•બીમાર લોકોથી અંતર જાળવવું
•સંક્રમિત વ્યક્તિની આસપાસ સતત સફાઈ રાખવી
જોખમ
• નવજાત બાળકો, નાના બાળકો, વૃદ્ધો
• ઓછી રોગપ્રતિકારકશક્તિ ધરાવતા લોકોને સૌથી વધારે અસર થવાની શક્યતાઓ છે.
શું HMPV અને કોવિડ-19 બંને સરખા છે?
અમદાવાદના વરિષ્ઠ ફિઝિશ્યન ડૉ. પ્રણિવ ગર્ગ અનુસાર, “બંનેના લક્ષણો મોટાભાગે સમાન છે. પણ એમચએમપીવી કોવિડ જેટલો ઘાતકી નથી. સંભવિત રીતે આ બંને વાયરસ ઇન્ફેક્ટેડ વ્યક્તિમાંથી અન્ય લોકોમાં ઉધરસ અને છીંક અને વધારે નજીક જવાથી થાય છે. જેના પર આ વાયરસ હોય એવી વસ્તુઓ કે સરફેસને સ્પર્શ કરીને મોં, નાક અથવા આંખોને સ્પર્શવાથી પણ ફેલાય છે. તે ઇન્ફ્લૂએન્ઝા પ્રકારનો જ ફ્લૂ છે અને તેના વિશે ગભરાવાની જરૂર નથી. કોવિડ જે પ્રકારે મ્યૂટેશન ધરાવતો અને શરીરમાં ચેપ લગાવી નુકસાન કરતો અને ઝડપથી ફેલાતો હતો તેવું એચએમપીવીના કેસમાં નથી. વળી કોવિડ નાના બાળકોમાં વધુ નહોતો ફેલાતો જોકે, આ વાઇરસ નાના બાળકોમાં જોવા મળે છે. અને વૃદ્ધોમાં. તે પહેલાથી જ 25 વર્ષથી જાણીતો વાઇરસ છે. તેનો ટેસ્ટ પણ થાય છે. રેસ્પરેટરી પેનલ દ્વારા જ તેનો ટેસ્ટ થઈ જાય છે.”
HMPVના ફેલાવાને અટકાવવા માટે શું કરવું?
– હાથને સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરો.
– આંખ, નાક કે મોઢાને હાથ ધોયા વગર સ્પર્શવાનું ટાળો.
– બીમાર વ્યક્તિઓની વધારે નજીક જવાનું ટાળો.
– જે લોકોને શરદીના લક્ષણો હોય તેમણે ઉધરસ કે છીંક ખાતી સમય પોતાનું મોઢું અને નાકને કવર કરી લેવા જોઈએ.
– અન્ય લોકોના કપ કે વસ્તુઓ વાપરવાથી બચો.
શું ન કરવું?
- જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો તબીબનો સંપર્ક કરવો.
ભારત સરકારની માર્ગદર્શિકા
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, તેઓ બધી જ ચેનલ્સના માધ્યમથી ચીનની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને સમયાંતરે આ અપડેટ શેર કરવા માટે અપીલ કરી છે. ગુજરાત સરકારે પણ તમામ જિલ્લા વહીવટી તંત્રો અને સ્વાસ્થ્ય વિભાગોને આ મામલે માર્ગદર્શિકા બહાર પાડીને ઍલર્ટ કરી દીધા છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044