Authors
Claim – બાંગ્લાદેશમાં હિંદુ સરકારી અધિકારીઓ પાસેથી બળજબરીથી રાજીનામા લેવાઈ રહ્યા હોવાનો વાઇરલ વીડિયો
Fact – વીડિયોમાં દેખાતા મહિલા કવયિત્રી અમીના બેગમ છે. તેઓ નઝરૂલ સરકારી કોલેજનાં તત્કાલીન પ્રિન્સિપાલ હતાં.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક ટોળું એક મહિલાને બળજબરીથી સફેદ કાગળ પર સહી કરાવતું જોવા મળી રહ્યું છે. આ વીડિયોને એવા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશમાં મુસ્લિમો હિંદુ સરકારી અધિકારીઓ પાસેથી બળજબરીથી રાજીનામા લઈ રહ્યાં છે.
વાઇરલ વીડિયો લગભગ 52 સેકન્ડનો છે, જેમાં એક ભીડ એક મહિલાને ઘેરી રહી છે અને તેમને સફેદ પેપર પર સહી કરવાનું કહી રહી છે. મહિલા ભીડના દબાણમાં સહી કરે છે અને પછી ગુસ્સામાં પેન ફેંકી દે છે. આ પછી ભીડ તે કાગળ ઉપાડે છે અને ઉજવણી કરવાનું શરૂ કરે છે.
વીડિયોને કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે, “બાંગ્લાદેશમાં ઈસ્લામિક હત્યારા, જમાત-એ-ઈસ્લામી, BNP અને તેમની સાથે ઊભેલા મુસ્લિમો હવે હિંદુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને રાજીનામા પત્રો લખવા દબાણ કરી રહ્યા છે અને તેમને બહાર ફેંકી રહ્યા છે.”
Fact Check/Verification
વિડિયોની કીફ્રેમ્સને રિવર્સ ઈમેજ સર્ચ કરતા અમને ડિજિટલ બાંગ્લા મીડિયા નામના YouTube એકાઉન્ટ દ્વારા 12 ઓગસ્ટ, 2024ના રોજ અપલોડ કરવામાં આવેલ વીડિયો રિપોર્ટ મળ્યો . વાઇરલ વીડિયોના દ્રશ્યો તેમાં હાજર હતા.
વીડિયો રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 11 ઓગસ્ટ, 2024ના રોજ અનામત વિરોધી આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓએ ઢાકાની કવિ નઝરૂલ સરકારી કોલેજના પ્રિન્સિપાલ અમીના બેગમની ઑફિસને ઘેરી લીધી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓના દબાણને કારણે અમીના બેગમે રાજીનામું આપ્યું હતું. રાજીનામાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ અમીના બેગમ દ્વારા અનામત વિરોધી ચળવળ દરમિયાન માર્યા ગયેલા કોલેજના વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના કઠોર વર્તન માટે નારાજ હતા.
અમારી તપાસ દરમિયાન, અમને જાગો ન્યૂઝની વેબસાઈટ પર આને લગતો અહેવાલ મળ્યો . 11 ઓગસ્ટ, 2024ના રોજ પ્રકાશિત થયેલા આ અહેવાલમાં વાયરલ વીડિયોના દ્રશ્યો છે.
જાગો ન્યૂઝના અહેવાલ મુજબ, 11 ઓગસ્ટ-રવિવારે સવારે 11 વાગ્યે વિદ્યાર્થીઓએ કોલેજ કૅમ્પસમાં પ્રિન્સિપાલ અમીના બેગમના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા. આ પછી જ્યારે પ્રિન્સિપાલ અમીના બેગમ કૉલેજમાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓએ તેમને તેમની ઓફિસમાં ઘેરી લીધા હતા. જે બાદ અમીના બેગમે પોતાનું રાજીનામું એક સાદા કાગળ પર લખી દીધું હતું. આ અહેવાલમાં કોલેજના વિદ્યાર્થી મહેંદીનું નિવેદન પણ છે, જે મુજબ તેમની કોલેજના ચાર વિદ્યાર્થીઓ અનામત વિરોધી આંદોલનમાં માર્યા ગયા હતા પરંતુ પ્રિન્સિપાલે કોઈ તપાસની નોંધ લીધી ન હતી. જેના કારણે વિદ્યાર્થીઓ તેમનાથી નારાજ હતા.
આ ઉપરાંત, અમને કાલબેલા નામના બાંગ્લાદેશી સમાચાર આઉટલેટની વેબસાઇટ પર પણ આનાથી સંબંધિત એક અહેવાલ મળ્યો. રિપોર્ટમાં પ્રિન્સિપાલ અમીના બેગમનો ફોટો અને શ્વેતપત્ર પણ છે જેમાં તેમણે બંગાળી ભાષામાં રાજીનામું આપ્યું હતું. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમીના બેગમ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગની શિક્ષણ અને માનવ સંસાધન સમિતિના સભ્ય પણ હતા. આ ઉપરાંત, એવા પણ અહેવાલ હતા કે અવામી લીગ સાથે જોડાયેલા શિક્ષકોની આગેવાની હેઠળની કોલેજની શિક્ષક પરિષદ પ્રિન્સિપાલના રાજીનામા પછી વિસર્જન કરવામાં આવી હતી.
Conclusion
અમારી તપાસમાં મળેલા પુરાવાઓથી સ્પષ્ટ થાય છે કે વાઇરલ વીડિયોમાં દેખાતા મહિલા હિંદુ નથી, પરંતુ તે ઢાકાની કવિ નઝરુલ સરકારી કોલેજનાં પૂર્વ પ્રિન્સિપાલ અમીના બેગમ છે.
Result – False
Our Sources
Video report by digital bangla media YT channel on 12th aug 2024
Article by Jago News on 11th aug 2024
Article by Kalbela on 11th aug 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044