તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા (સુરત પોલીસ) દ્વારા પેટ્રોલિંગ માટે ઇ-સ્કૂટરના ઉપયોગની જાહેરાત કરાઈ હતી. જેમાં પોલીસકર્મીઓ સૅલ્ફ-બૅલેન્સિંગ ઇ-સ્કૂટર પર રાઇડ કરી રહ્યા હતા. અહેવાલ નોંધાયા કે, હવે પોલીસ પેટ્રોલિંગ માટે આ પ્રકારના ઇ-સ્કૂટરનો પણ ઉપયોગ કરશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે, સુરત પોલીસ ચાઇનીઝ બનાવટના સ્વ-સંતુલિત ઇ-સ્કૂટરનો ઉપયોગ કરી રહી છે.
સોશિયલ મીડિયામાં સુરત પોલીસ સેલ્ફ-બૅલેન્સિંગ ઇ-સ્કૂટર વાપરતી જોવા મળી રહી છે. વીડિયો ક્લિપમાં પોલીસકર્મીઓ ઇ-સ્કૂચર ચલાવી રહ્યા છે. વીડિયોની સાથે કૅપ્શનમાં દાવો કરાયો છે કે, સુરત પોલીસ ચાઇનીઝ બનાવટના સ્વ-સંતુલિત ઇ-સ્કૂટરનો ઉપયોગ કરી રહી છે.
દાવો કરાયો છે કે, ગુજરાત સરકારે પોલીસ માટે ચાઈનીથી સ્કૂટર ખરીદીને મંગાવ્યા છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર દાવો ખોટો છે. કેમ કે ઇ-સ્કૂટર બનાવતી કંપની જેણે સ્કૂટર પૂરા પાડ્યા છે તે અને પોલીસ બંને અનુસાર ઇ-સ્કૂટર ચાઈનાથી નથી લાવવામાં આવ્યા અને તે ચાઈનીઝ બનાવટના નથી.
Fact Check/Verification
દાવાની તપાસ માટે અમે સૌપ્રથમ વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચ થકી સર્ચ કરતા અમને 5 ફેબ્રુઆરી-2025ના રોજ અમર ઉજાલા દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો.

અહેવાલમાં જણાવાયું છે કે, “ગીચ વસ્તીમાં પેટ્રોલિંગ કરવા માટે અથવા આવા સ્થળોએ પેટ્રોલિંગ માટે 25 સેલ્ફ-બૅલેન્સિંગ ઇ-સ્કૂટર સામેલ કર્યાં છે. આથી હવે જ્યાં પોલીસની ગાડીઓ નથી જઈ શકતી ત્યાં આ પ્રકારના સ્કૂટર જઈ શકશે. માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાયેલ સમારોહમાં આ સ્કૂટર સામેલ કરવામાં આવ્યા હતા.”
અહેવાલમાં ગૃહમંત્રીને ટાંકીને જણાવ્યું છે કે, “આ પ્રસંગે માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્વ-સંતુલિત એટલે કે સૅલ્ફ બૅલેન્સિંગ ઈ-સ્કૂટરને સામેલ કરવા એ સ્માર્ટ પોલીસિંગ તરફ એક મોટું પગલું છે. બજારના ગીચ વિસ્તારો અને જાહેર સ્થળો જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં પરંપરાગત પોલીસ વાહનોને જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઈ-સ્કૂટર ખૂબ નાના અને અનુકૂળ છે, જે પેટ્રોલિંગમાં સુધારો કરશે અને પર્યાવરણીય સંરક્ષણને પણ પ્રોત્સાહન આપશે.”
વળી, અહેવાલમાં અમને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર કરાયેલ પોસ્ટ પણ પ્રાપ્ત થઈ.
મંત્રી હર્ષ સંઘવીએ ઇ-સ્કૂટર સાથેની તસવીર શેર કરીને પોસ્ટમાં લખ્યું છે, “ઇનોવેશન થકી સુરક્ષા વઘારવાનો પ્રયાસ. 25 નવા સેલ્ફ બૅલેન્સિંગ ઇ-સ્કૂટર પોલીસ બેડાની મદદ માટે સામેલ કરાયા છે. એએમએનએસ (AM/NS)નો યોગદાન બદલ આભાર.” તેની સાથે સુરત પોલીસનું હૅશટૅગ પણ સામેલ કરેલ છે.
જેથી અમે વધુ તપાસ કરી કે, તેમાં AM/NS કંપનીનું શું યોગદાન છે. AM/NS એટલે કે સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ/નિપ્પોન સ્ટીલની સંયુક્ત માલિકીવાળી સ્ટીલ ઉત્પાદન કંપની. જે એસ્સાર સ્ટીલ પાસેથી બંને દ્વારા ખરીદવામાં આવી હતી.
આ વિશે તપાસ કરતા અમને 3 ફેબ્રુઆરી-2025ના રોજ અમદવાદા મિરર દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો.

અહેવાલમાં જણાવાયું છે કે, ” આર્સેલર મિત્તલ/નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા કંપનીએ તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સ્કીમના પ્રોજેક્ટ ગ્રીન હેઠળ સુરત અને જિલ્લા પોલીસને 25 સેલ્ફ બૅલેન્સિંગ ઇ-સ્કૂટર આપ્યા છે.”
અહેવાલમાં સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે ટાંકીને જણાવ્યું હતું કે, “આ ઈ-બાઈકના ઉપયોગથી પોલીસ કર્મચારીઓને વધુ સારી રીતે પેટ્રોલિંગ કરવામાં મદદ મળશે અને દેખરેખ રાખવાની ક્ષમતામાં સુધારો થશે. આનાથી સુરત અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગની કાર્યક્ષમતામાં વધારો થવાની અપેક્ષા રાખી શકાય છે. અમારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને અમલીકરણના પ્રયાસોને મજબૂત બનાવવામાં તેમના અમૂલ્ય સમર્થન બદલ અમે AM/NS ઈન્ડિયાના આભારી છીએ.”
અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, સુરત પોલીસ વ્યૂહાત્મક રીતે આ ઈ-બાઈકને મોરા, સુવાલી બીચ, હજીરા, ઉધના, પાંડેસરા અને મુખ્ય બજારના વિસ્તારોમાં તહેનાત કરશે. જેથી વ્યાપક કવરેજ અને જાહેર સલામતીમાં વધારો થાય.
આમ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે, સ્કૂટર ગુજરાત સરકાર દ્વારા ખરીદવામાં આવેલ નથી. પરંતુ ખાનગી કંપની દ્વારા ઉદ્યોગની સામાજિક જવાબદારી હેઠળની યોજના અંતર્ગત સુરત પોલીસને તે સ્કૂટર પ્રાપ્ત થયા છે.

પરંતુ AM/NS કંપની સ્કૂટર ક્યાંથી લીધા અને તે સ્કૂટર ક્યાં બન્યા છે? શું તે ચાઇનીઝ છે કે કેમ? તે સવાલોના હજુ પણ જવાબો મળવાના બાકી હોવાથી અમે સુરત પોલીસનો સંપર્ક કર્યો.
સુરત પોલીસમાં ઝોન-4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “સુરત પોલીસને જે સેલ્ફ-બૅલેન્સિંગ સ્કૂટર મળ્યાં છે, તે સરકારે કે સુરત પોલીસે જાતે નથી ખરીદ્યા. તે ખરેખર AM/NS કંપની દ્વારા આપવામાં આવ્યા છે.”
સ્કૂટરની કંપની અને તેની ચાઇનીઝ બનાવટ વિશે પૂછતા તેમણે સ્પષ્ટતા કરી કે, “સ્કૂટર ચાઈનીઝ બનાવટ છે અથવા તે ચાઈનાથી મંગાવવામાં આવ્યા તે વાત તદ્દન ખોટી છે. સ્કૂટર ખરેખર મુંબઈની ફ્રીગો કંપનીના છે. તે ભારતની કંપની છે. સ્કૂટર ભારતના જ છે.”
આમ, અમને સ્કૂટરની બ્રાન્ડ અને કંપની વિશે સુરત પોલીસ તરફથી માહિતી પ્રાપ્ત થતા અમે ફ્રીગો કંપનીનો સંપર્ક કર્યો.

ફ્રીગો કંપનીના સ્થાપક-માલિક દેવલ શાહે અમારી સાથે ટેલિફોનિક વાતચીત કરી. આ વાતચીતમાં તેમણે અમને વિગતે સ્કૂટરની બનાવટ અને તમાં વપરાતા કમ્પોનન્ટ તથા મૅન્યૂફૅક્ચરિંગ વિશે માહિતી આપી.
દેવલ શાહે અમને જણાવ્યું કે, “સુરત પોલીસને સ્કૂટર મળ્યા તે ખરેખર તેમની જ કંપનીના છે. અને AM/NS કંપનીએ તેમની પાસેથી લીધા હતા, જેને કંપનીએ સુરત પોલીસને આપ્યા. સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ સ્કૂટર ખરીદવામાં આવ્યા હતા.”
સ્કૂટર ચાઈનીઝ હોવાના દાવાઓનું ખંડન કરતા તેમણે જણાવ્યું કે,”અમારા સ્કૂટર સંપૂર્ણ પણે ભારતીય પ્રૉડક્ટ છે. તેમાં 80 ટકા કમ્પોનન્ટ ભારતમાં જ બનેલા છે. વળી જ્યાં સુધી મોટર અને કંટ્રોલરની વાત છે તો તે ચીન અને વિયેતનામથી મંગાવેલ છે. આમ માત્ર 10 ટકા જ કમ્પોનન્ટ ચીનમાંથી મંગાવેલ છે. ઉપરાંત બૅટરી પણ ભારતમાં જ બનેલી છે. ભારતની જ કંપની દ્વારા નિર્મિત બૅટરી છે. આમ સ્કૂટર ભારતીય પ્રૉડક્ટ જ છે. તે મેડ ઇન ઇન્ડિયા જ છે.”

જે પાર્ટ કે કમ્પોનન્ટ ચીનથી મંગાવી તેમાં વાપરેલ છે તેના વિશે જણાવતા તેઓ કહે છે કે, “આજે મોબાઇલથી લઈને ઑટોમાઇલ્સ અને ઇલોક્ટ્રૉનિક્સ સહિતની પ્રૉડક્ટ્સમાં ઘણા ઉપકરણો ચાઈનીઝ જ હોય છે. એટલે કોઈ એક કમ્પોનન્ટ ચાઈનાથી મંગાવવો પડ્યો હોય, તો તેનો અર્થ એ નથી થતો કે પ્રૉડક્ટ ચાઈનીઝ છે. ટૅક્નૉલૉજી જો ભારતીય જ છે. ભારતમાં મોટી મોટી બ્રાન્ડ પણ કેટલાક કમ્પોનન્ટ અન્ય દેશ કે ચાઈનાથી મંગાવે છે. કારણ કે તે મંગાવવું પડે એવી સ્થિતિ પણ વર્તાતી હોય છે. પરંતુ કોઈ એકાદ વસ્તુ બહારથી લાવીને પ્રૉડક્ટ બનાવી હોય તેનો અર્થ એ નથી કે સ્કૂટર ચાઈનીઝ છે.”
તેમના સ્કૂટર વિશે ઉઠેલા સવાલો અને ચાઈનીઝ મુદ્દા વિશે પોતાનો અભિપ્રાય આપતા તેમણે કહ્યું કે, “અમે 2016માં જ અમારી આઈપીઆર (IPR – ઇન્ટલેક્ચ્યૂઅલ પ્રોપર્ટી રાઇટ્સ) નોંધાવી દીધી હતી. અમારી પ્રૉડક્ટના બધા માળખાકીય ઘટકો – ફ્રેમ, વ્હીલ્સ, ચેસિસ અને બોડી – 100% ભારતમાં ઉત્પાદિત અને એસેમ્બલ થાય છે. મોટાભાગના ભારતીય ઇલેક્ટ્રિક વાહનોની જેમ, ફક્ત ઇલેક્ટ્રોનિક ઘટકો જેમ કે કંટ્રોલર્સ આયાત કરવામાં આવે છે. તે પ્રમાણભૂત ઉદ્યોગ પ્રથા છે, અપવાદ નથી. પાયાવિહોણી અફવાઓ ફેલાવવાનું અને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. કાં તો તમારી પાસે મૂળભૂત જ્ઞાનનો અભાવ છે, અથવા તમે જાણી જોઈને ખોટી વાતો ફેલાવી રહ્યા છો. ફ્રીગો એક ભારતીય બ્રાન્ડ છે, જે 2016 થી બૌદ્ધિક સંપદા ભારત અધિનિયમ હેઠળ કાયદેસર રીતે નોંધાયેલ છે. તે એક દાયકા જૂની ભારતમાં બનેલી પ્રોડક્ટ છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “વધુમાં, ફ્રીગો સુરત પોલીસ ઉપરાંત તમિલનાડુ પોલીસ અને ફાયર વિભાગ સહિત અનેક સરકારી એજન્સીઓને ગર્વથી સપ્લાય કરવામાં આવી છે.”
દેવલ શાહ દ્વારા તેમણે નોંધાવેલ IPRની વિગત પણ શેર કરવામાં આવી છે.
સામાન્યપણે ભારતમાં જ બનતી એટલે કે મૅન્યૂફૅક્ચરિંગ થતી પ્રોડક્ટને મૅડ ઇન ઇન્ડિયા હેઠળ ગણવામાં આવે છે. ઉપરાંત કોઈ અન્ય વિદેશી કંપની તેની પ્રોડક્ટ અહીં ભારતમાં આવીને તેને બનાવે તો તેને મૅક ઇન ઇન્ડિયા હેઠળ ગણવામાં આવે છે. વધુમાં વિદેશી કંપની તેના પાર્ટ્સ અને કમ્પોનન્ટ બહારથી મંગાવી અહીં તેને એસેમ્બલ કરે તેને પણ મેક ઇન ઇન્ડિયા અને અથવા મેડ ઇન ઇન્ડિયા તરીકે લૅબલ લગાવવામાં આવે છે.
Read Also : Fact Check – ITC ‘ભારતમાં હલાલ સર્ટિફિકેટ’વાળો આશિર્વાદ લોટ વેચતી હોવાનો વાઇરલ દાવો ખોટો
Conclusion
આમ અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, દાવો ખરેખ ખોટો છે. કેમ કે ગુજરાત સરકારે સુરત પોલીસ માટે ચાઈનાથી ચાઈનીઝ સ્કૂટર નથી ખરીદ્યા. તે ખરેખર ખાનગી કંપનીઓ ભારતની જ સ્કૂટર બનાવતી કંપની પાસેથી ખરીદીને સુરત પોલીસને નિશુલ્ક આપ્યા છે.
Sources
News Report by Amar Ujala, Dated, 05 Feb, 2025
News Report by Ahmedabad Mirror, Dated, 03 Feb, 2025
X Post by Home Minister Harsh Shanghavi, Dated, 03 Feb, 2025
YouTube News Report by Business Today, Dated, 22 Nov, 2023
Telephonic Conversation with Surat Police Officer DCP Vijaysinh Gurjar
Telephonic Conversation with Freego India Founder Deval Shah