Monday, March 24, 2025
ગુજરાતી

Fact Check

Fact Check – ITC ‘ભારતમાં હલાલ સર્ટિફિકેટ’વાળો આશિર્વાદ લોટ વેચતી હોવાનો વાઇરલ દાવો ખોટો

Written By Dipalkumar Shah, Edited By JP Tripathi
Mar 20, 2025
banner_image

Claim

image

ITC ‘ભારતમાં હલાલ સર્ટિફિકેટ’વાળો આશિર્વાદ લોટ વેચતી હોવાથી હિંદુ સનાતનીઓ તેનો બહિષ્કાર કરતા દાવા સાથે આશિર્વાદ લોટના પૅકેટની તસવીર.

Fact

image

દાવો ખોટો છે. પૅકેટ જૂનું છે અને હલાલ સર્ટિફિકેટનો લોગો કંપની પ્રોડક્ટની કેટલાક નિશ્ચિત દેશમાં નિકાસ માટે પૅકેટ પર લગાવે છે. ભારતમાં તેનું વેચાણ થતું નથી. લોટ સો ટકા શુદ્ધ શાકાહારી છે.

દેશમાં ખાદ્યચીજો અને તેની બ્રાન્ડ મામલે પણ ઘણા દાવા કરવામાં આવતા હોય છે. સોશિયલ મીડિયામાં એક આવો જ દાવો વાઇરલ થયો છે. જેમાં કહેવાયું છે કે, ITC ‘ભારતમાં હલાલ સર્ટિફિકેટ’વાળો આશિર્વાદ લોટ વેચતી હોવાથી હિંદુ સનાતનીઓ તેનો બહિષ્કાર કરવો જોઈએ.

સોશિયલ મીડિયા પોસ્ટમાં આઈટીસીની આશિર્વાદ આટા બ્રાન્ડના એક પૅકેટની તસવીર શેર કરાઈ છે. અને તેમાં હલાલ સર્ટિફાઇડવાળા લીલા રંગના લૉગોને હાઇલાઇટ કરી દાવો કરાયો છે કે, હલાલ સર્ટિફિકેટ હોવાથી તેનો બહિષ્કાર કરવામાં આવે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં તસવીર સાથે કૅપ્શન લખવામાં આવ્યું છે કે, “આશીર્વાદ લોટ
તમામ હિંદુ ભાઈઓ અને બહેનો અને સનાતનીઓએ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે આશીર્વાદનો લોટ હવે હલાલ ચિહ્ન સાથે વેચવામાં આવે છે. આ પ્રમાણપત્ર કોઈ સરકાર દ્વારા નહીં પરંતુ ઈસ્લામિક સંગઠન (જમિયત ઉલેમા-એ-હિંદ) દ્વારા આપવામાં આવે છે જેથી કરીને તમામ મુસ્લિમો આ લોટનો ઉપયોગ કરી શકે. બદલામાં તેઓ કંપનીના માલિક પાસેથી મોટી રકમ વસૂલે છે અને કંપનીઓ ગ્રાહકો પાસેથી આ પૈસા લે છે. મોટાભાગના લોકોને ખબર નથી કે આતંકવાદના મોટાભાગના આરોપીઓના કેસનો ખર્ચ જમિયત ઉઠાવે છે. કમલેશ્વર તિવારીનું માથું કાપી નાખનારાઓનો કેસ પણ જમિયત લડી રહી છે અને આપણે હિંદુઓ પણ આ લોટ ખરીદીને આડકતરી રીતે પૈસા ચૂકવી રહ્યા છીએ. તેથી, આપ સૌને વિનંતી છે કે, જો તમે અથવા તમારા કોઈ સંબંધી આ લોટ ખાય છે, તો તમે તેમને પણ ચેતવણી આપો અને આ લોટને તમારા ઘરે લાવવાનું બંધ કરો. જય સનાતન ધર્મ.”

Courtesy – FB/@PareshBhatt
Courtesy – Fb/@GrrishAmmin

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.

આમ, ખાદ્યચીજ સાથે ઇસ્લામોફૉબિક દાવો શેર કરવામાં આવ્યો છે. જે એક કોમી નૅરેટિવ સર્જવાની કોશિશ છે. જોકે, ન્યૂઝચેકર અનુસાર દાવો ખોટો છે.

Fact Check/Verification

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવા માટે શરૂઆતમાં અમે ગૂગલની સર્ચની મદદ લઈને ITCના આશિર્વાદ આટા વિશેના અહેવાલો અને કંપની વિશેની માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કર્યો. જેમાં અમને તેમની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કંપની બજારમાં ઉચ્ચતમ ગુણવત્તા પ્રદાન કરવા માટે સમર્પિત છે. તેમના ઉત્પાદનો 100% શુદ્ધ અને તે સંપૂર્ણ રીતે શાકાહારી છે અને નૈસર્ગિક પરિસ્થિતિઓમાં ઉત્પાદન કરાયેલ હોય છે.

Courtesy – ITC Aashirvaad Atta Official Website Screengrab

આઈટીસી આશિર્વાદ આટાના પૅકિંગની પણ તપાસ કરી. તેના પર હલાલ માર્ક નથી. વળી આઈટીસીએ ખુદ સ્પષ્ટતા કરી છે કે, તે આ પ્રોડક્ટ ભારતમાં વેચતી નથી.

Courtesy – ITC Aashirvaad Atta Official Website Screengrab

વધુ તપાસ કરતા અમને 1 ડિસેમ્બર-2023ના રોજ ITC લિમિટેડ દ્વારા તેના સત્તાવાર X (ટ્વિટર) પરથી કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ITCએ જણાવ્યું હતું કે, હલાલ લૉગો સાથેના આશીર્વાદ આટાનું આ પેકેટ જૂનું છે ફક્ત નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. તેનો હેતુ ભારતીય બજારમાં વેચાણનો ન હતો.

આની સાથે સાથે અમને 4 ડિસેમ્બર-2023ના રોજ ITC Cares તરફથી કરવામાં આવેલી બીજી એક ટ્વિટ મળી, જેમાં વાયરલ દાવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

તેમાં લખવામાં આવ્યું હતું કે, “ભારતમાં હલાલ લોગો સાથે આશીર્વાદ આટાનું પૅકેટ વેચાય છે એ આરોપ ભ્રામક અને ખોટો છે. આ પૅકેટ એ નિકાસ માટેનું પૅકેટ છે. જે એવા દેશમાં વેચવામાં આવે છે જ્યાં કાયદા અનુસાર પૅકટ પર હલાલ લૉગો હોવો ફરજીયાત છે. મહેરબાની કરીને આવી અફવાઓનો શિકાર ન થાઓ.”

વધુમાં ભારતમાં ઘણી ખાનગી કંપનીઓ હલાલ સર્ટિફિકેટ આપે છે. કેટલીક કંપનીઓ ભારત સરકાર માન્ય છે, જ્યારે કેટલીક નથી.

મિંટ ન્યૂઝ વેસબાઇટના અહેવાલ અનુસાર, હલાલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને જમિયત અલામા-ઇ-હિંદ હલાલ ટ્રસ્ટ પણ હલાલ સર્ટિફિકેટ આપે છે.

વળી, દાવામાં ઉલ્લેખ કરાયેલ જમિયત સંસ્થા હલાલ સર્ટિફિકેટ ઇસ્યૂ કરતી નથી, પરંતુ તે એક ઇસ્લામિક સ્કૉલર્સનું ટ્રસ્ટ છે. તેના દ્વારા રજિસ્ટર્ડ કરાયેલ જમિયત અલામા-ઇ-હિંદ હલાલ ઇસ્લામિક કાયદા અનુસાર હલાલના ધોરણે અને સર્ટિફિકેશનનું કામ કરતું ટ્રસ્ટ છે.

બંને એકબીજાથી કામકાજની દૃષ્ટિએ સ્વતંત્ર છે. તથા કમલેશ તિવારીના કેસમાં આરોપીએને કાયદાકીય સહાય આપનાર જમિયત ઉલેમા-ઇ-હિંદ (Jamiat Ulama-i-Hind – JUH) સંસ્થા છે. Jamiat Ulama-i-Hind Halal Trust (JUHHT) જમિયત અલામા-ઇ-હિંદ હલાલ ટ્રસ્ટ ખરેખર હલાલ સર્ટિફિકેશનનું કામકાજ કરે છે.

કલમેશ તિવારીનું માથું કાપવામાં નહોતું આવ્યું. તેમની પર ગોળીબાર અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો થયો હતો. આથી માથું કાપી નાખવામાં આવ્યું હોવાની બાબત પણ ગેરમાર્ગે દોરનારી છે.

આથી દાવામાં ખરેખર સાચો પૂરતો સંદર્ભ પૂરો પાડવામાં આવેલ નથી. જેના પગલે દાવો ગેરમાર્ગે દોરનારો પણ બને છે.

આમ ખરેખર, નિકાસ માટેની આશિર્વાદ આટાના પૅકિંગવાળી પ્રોડક્ટની જૂની તસવીર ખોટા દાવા સાથે શેર કરાઈ છે કે હલાલ સર્ટિફિકેટવાળી લોટની પ્રોડક્ટ ભારતમાં વેચવામાં આવી રહી છે.

આ મામલે વધુ પુષ્ટિ માટે અમે આઈટીસી અને તેની પેટા બ્રાન્ડ પ્રૉડક્ટ આશિર્વાદ આટાને પણ ઇમેલ મારફતે સંપર્ક કરેલ છે. તેમના તરફથી પ્રત્યુત્તર મળતા અમે તેને અહેવાલમાં સામેલ કરી લઈશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં જાણીતી આઇસક્રીમ બ્રાન્ડ વાડીલાલ આઇસક્રીમ અને ગુજરાતના યશ પાપડ મઠીયા બંને મામલે કોમી એંગલવાળા ખોટા દાવા વાઇરલ કરવામાં આવ્યા હતા. જેને ન્યૂઝચેકરે તપાસ કરીને સત્ય બહાર લાવ્યું હતું. તે અહેવાલ અહીં અને અહીં વાંચો.

હલાલ સર્ટિફિકેટ શું છે?

હલાલ સર્ટિફિકેટ એ છે કે, ખોરાક અથવા ઉત્પાદન ઇસ્લામના અનુયાયીઓ માટે માન્ય છે અને તેના ઉત્પાદન અથવા પ્રક્રિયામાં કોઈપણ હરામ સામગ્રી અથવા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉત્પાદન પર હલાલ લોગોની હાજરી ગ્રાહકને ખાતરી આપે છે કે, ઉત્પાદન હલાલના ધારા-ધોરણોનું પાલન કરે છે અને મુસ્લિમો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે.

હલાલ શું છે?

હલાલ એટલે જ્યારે જાનવરની ગરદનની ચારેય બાજુની નસને કાપી નાખવામાં આવે, પરંતુ તેના માથાને ધડથી અલગ કરવામાં ન આવે તેને હલાલ કર્યું કહેવાય. હલાલમાં જાનવરનું લોહી વહી જાય છે.

“મોહમ્મદ પયગંબરે કહ્યું હતું કે જો માંસની અંદર લોહી સૂકાઈ જાય તો તેનાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. જો (જાનવરની અંદરનું) બધું લોહી વહાવી દેવામાં આવે તો આ પ્રકારનું માંસ ખાવાથી માણસને કોઈપણ પ્રકારની બીમારી નથી થતી. તેને ‘જબિહા’ કહેવાય છે.”

“જ્યારે ‘જબિહા’ કરવાનું હોય ત્યારે પ્રાણીને જમીન ઉપર સુવડાવીને ‘બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર’ પઢવામાં આવે છે અને પછી જાનવરનું ગળું કાપવામાં આવે છે. નસોને એવી રીતે કાપવામાં આવે છે કે જેથી કરીને ધડ અને માથું અલગ ન થઈ જાય અને શરીરમાંથી બધું લોહી નીકળી જાય.”

“બીજી બાજુ ઝટકામાં ધડ અને માથું અલગ કરી દેવામાં આવે છે.”

Read Also : Fact Check – અમદાવાદમાં પોલીસે વસ્ત્રાલના અસામાજિક તત્ત્વોને તોડફોડ બદલ ફટકાર્યાંનો વીડિયો ખોટા કોમી દાવા સાથે વાઇરલ

Conclusion

અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, આઈટીસીની આશિર્વાદ આટા બ્રાન્ડ ભારતમાં હલાલવાલા લોટનું વેચાણ કરતી નથી. તે સો ટકા શુદ્ધ શાકાહારી છે. વાઇરલ દાવામાં કરવામાં આવેલ જમિયત સહિતના દાવા અપૂરતા સંદર્ભ સાથે શેર કરવામાં આવ્યા છે, જે ગેરમાર્ગે દોરાનારા છે. આથી સમગ્ર દાવો ખોટો પુરવાર થાય છે.

Sources
X Posts by ITC Care, Dated 1st & 4th Dec, 2023
News Report by BBC
News Report by Mint, 19th Nov, 2023
ITC Aashirvaad Atta Official Website
News Report by Hindustan Times, Dated, 24th Oct, 2019
News Report by Indian Express, Dated, 26th Oct, 2023


RESULT
imageFalse
image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,500

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.