ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ ગઈ, જેમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યા છે. વળી, 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ મામલે ભાજપ અને કૉંગ્રેસ સહિતના પક્ષો તૈયારીમાં લાગી ગયા છે.
દરમિયાન, રાજકીય નેતાઓના નિવેદનો સમાચારોમાં વાઇરલ થતાં રહે છે. રાજકીય નેતાઓના બફાટના વીડિયો સોશિયલ મીડિયામાં મોટાપાયે વાઇરલ થતાં હોય છે. બાદમાં ઘણી વાર રાજકીય નેતાઓ નિવેદન સામે યુ-ટર્ન પણ લેતા હોય છે. પરંતુ રાજકીય નેતાઓના કથિત બફાટો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર જરૂર બનતા હોય છે.
આવી જ રીતે ગુજરાતમાં ભાજપના એક નેતાનું કથિત નિવેદનનું ન્યૂઝકટિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે.
સોશિયલ મીડિયામાં એક ન્યૂઝકટિંગ વાઇરલ થયું છે. તેમાં દાવો કરાયો છે કે, “ગુજરાતમાં ભાજપના નગરસેવકે રહીશ સાથે શાબ્દિક તકરારમાં રહીશને એવું કીધું કે, ‘તારા સમાજે દારુ-ચવાણું લઈને મત આપ્યા છે’ અને આનો કથિત ઑડિયો મેસેજ પણ વાઇરલ થયો હતો.”
સોશિયલ મીડિયા પોસ્ટમાં એક અખબારનું ન્યૂઝકટિંગ શેર કરાયું છે. તેમાં કથિત ઑડિયો વિશેના સમાચાર પ્રકાશિત થયા છે. જેમાં દાવા સાથે કૅપ્શનમાં લખ્યું છે, “તાજા સમાચાર.” દાવામાં સામેલ ન્યૂઝકટિંગમાં કહેવાયું છે કે, નિવેદન કથિતરૂપે ગાંધીનગરના ભાજપના નગરસેવકે રહીશ સાથેની તકરારમાં આ નિવેદન આપ્યું હતું. જેનો બાદમાં ઑડિયો પણ વાઇરલ થયો હતો.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
વિદ્યાર્થી આંદોલન અને વિવિધ સરકારી ભરતી પરીક્ષાઓ તથા પેપરલીક કાંડ મામલેની બાબતોમાં સક્રિય ભૂમિકામાં જોવા મળતા યુવરાજસિંહ જાડેજાના નામથી બનેલા ફેસબુક પૅજ પરથી પણ આ ન્યૂઝકટિંગ શેર કરાયું છે. એકાઉન્ટ પરથી યુવરાજસિંહની વિવિધ પ્રવૃત્તિઓ વિશે સતત અપડેટ્સ આપવામાં આવા છે. જોકે, તે યુવરાજસિંહ જાડેજાનું સત્તાવાર હેન્ડલ પૅજ છે કે કેમ તેની પુષ્ટિ થઈ શકી નથી.
જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટા સંદર્ભ હોવાનું જાણવા મળ્યું છે.
Fact Check/Verification
સૌપ્રથમ દાવાની તપાસ માટે અમે સૌપ્રથમ ભાજપ નગરસેવક દારુ-ચવાણું અને મત જેવા કીવર્ડ થકી ગૂગલ સર્ચની મદદથી સર્ચ ચલાવી. જેમાં અમને 20 ફેબ્રુઆરી-2023ના રોજ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક પરની પોસ્ટ પ્રાપ્ત થઈ. આ પોસ્ટમાં એક ઑડિયો છે, જેમાં બે વ્યક્તિ કોઈ કામ કરાવાવની બાબતે તકરાર કરી રહ્યા છે. તેમાં જે ન્યૂઝપેપર કટિંગ છે તે વાઇરલ દાવાવાળું જ ન્યૂઝકટિંગ છે.
જેને પગલે વધુ તપાસ કરતા અમને એબીપી અસ્મિતા દ્વારા 20 ફેબ્રુઆરી-2023ના રોજ પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ગાંધીનગરના ભાજપના કોર્પોરેટરનો ઑડિયો ક્લિપ વાયરલ થઈ છે. એમાં વાયરલ વીડિયોમાં 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઈને મતો આપ્યાનો ઉલ્લેખ છે. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ભરત ગોહિલ અને બાબુલાલ નામની વ્યક્તિની ઑડ઼િયો ક્લિપ વાયરલ થઈ હોવાનું તેમાં કહેવાયું છે.”

તદુપરાંત, ઈટીવી ભારત દ્વારા પણ 20 ફેબ્રુઆરી-2023ના રોજ પ્રસારિત અહેવાલમાં ઉપરોક્ત વાત કહેવામાં આવી છે. આ અહેવાલમાં પણ વાઇરલ દાવાના જ સમાચાર અહેવાલની વિગતો સામેલ છે.
એબીપી અસ્મિતા દ્વારા 20 ફેબ્રુઆરી-2023ના રોજ ન્યૂઝ બૂલેટિનમાં પણ ઉપરોક્ત સમાચાર પ્રસારિત કરાયા હતા તે યુટ્યુબ ચૅનલ પર અપલૉડ કરાયા હતા.
આમ, આ તમામ બાબતો સૂચવે છે કે, ભાજપના નગરસેવકના કથિત ઑડિયોના સમાચાર ખરેખર વર્ષ 2023ના છે. તે તાજેતરની ઘટના કે સમાચાર નથી. બે વર્ષ જૂના ન્યૂઝકટિંગને ખરેખર ખોટા સંદર્ભના દાવા સાથે નવા તાજા સમાચાર તરીકે વાઇરલ કરવામાં આવ્યું છે.
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ભાજપના નગરસેવકના કથિત ઑડિયોકાંડના સમાચારનું ન્યૂઝકટિંગ ખોટા સંદર્ભ સાથે શેર કરાયું છે. તે બે વર્ષ જૂના સમાચાર છે અને ન્યૂઝપેપર કટિંગ પણ બે વર્ષ જૂનું છે.
Sources
News Report by ABP Asmita, dated 20th Feb, 2023
News News Report by Etv Bharat, dated 20th Feb, 2023
Video News Report by ABP Asmita, dated 20th Feb, 2023
FB post by MJ TV Live, dated dated 20th Feb, 2023