છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ગુજરાતી વૉટ્સઍપ ગ્રૂપમાં બસના અકસ્માત બાદ મૃતકો અને ઘાયલોના દર્દનાક લોહીલૂહાણ દૃશ્યોનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોએ ઘણી ચર્ચા જગાવી છે.
વીડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “મુંબઈથી ગુજરાત જતી બસનો ભયંકર અકસ્માત થયો છે. વીડિયો શેર કરો જેથી તેમને મદદ મળી શકે.”
વળી, એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અકસ્માત અમદાવાદ-ખેરવાડા હાઈ વે પર થયો હોવાની પોસ્ટ પણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા ગુજરાતીઓ મુંબઈથી ગુજરાત અને ગુજરાતથી મુંબઈ બસ મારફતે પ્રવાસ કરતા હોય છે. આ પ્રકારના વીડિયોને પગલે મુંબઈ-ગુજરાત પ્રવાસ કરતા પ્રવાસીઓમાં ભયનો માહોલ અને ચિંતા પણ પ્રસરેલી હોવાનું જાણવા મળ્યું છે. ઘણા વૉટ્સઍપ ગ્રૂપમાં વીડિયો શેર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાઇરલ થયો છે.
તદુપરાંત, ન્યૂઝચેકરને તેની વૉટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર આ દાવો ફૅક્ટચેક માટે મોકલવામાં આવ્યો છે અને તેની હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.


સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
અહેવાલના દૃશ્યો આપને વિચલિત કરી શકે છે. બસના અકસ્માતનો આ વીડિયો માત્ર ગુજરાતી જ નહીં પરંતુ અન્ય ભાષાઓમાં સોશિયલ મીડિયા સહિતના પ્લૅટફૉર્મ્સ પર વાઇરલ થયો છે.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વાઇરલ વીડિયોનો દાવો ખોટો છે.
Fact Check/Verification
વાઇરલ વીડિયોના દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે વીડિયોના વિઝ્યૂઅલ અને ઑડિયોની ધ્યાનપૂર્વક ચકાસણી કરી. વીડિયોના ઑડિયોની ચકાસણી કરતા સ્પષ્ટ થયું કે વીડિયોમાં દેખાતી વ્યક્તિઓ મરાઠી ભાષામાં વાત કરી રહી છે. વળી બસના રંગ અને દેખાવ પરથી એ પણ શંકા ગઈ કે આ બસ મહરાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની હોઈ શકે છે.
આમ, બસનું મહારાષ્ટ્ર કનેક્શન સ્થાપિત થઈ ચૂક્યું હતું. પરંતુ અકસ્માત ખરેખર ક્યારે થયો? કેવી રીતો થયો? ક્યાં થયો અને તેનું ગુજરાત કનેક્શન છે? આ સવાલોનો જવાબ મેળવવાની અમે કોશિશ કરી. વળી દાવામાં જે કહેવાયું છે કે, ગુજરાત જતી બસમાં ગુજરાતીઓના મોત થયા છે, તેમને મદદ જોઈએ છે, તે બાબત વિશે પણ અમે તપાસ કરવાની કોશિશ કરી.
આથી અમે વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચની મદદથી સ્કૅન કર્યાં. કી ફ્રેમ્સ સ્કૅન કરતા અમને કેટલાક ન્યૂઝ રિપોર્ટ પ્રાપ્ત થયા.
અમને 30 એપ્રિલ-2024ના રોજ બીબીસી ન્યૂઝ મરાઠીના યુટ્યુબ ચૅનલ પર પ્રકાશિત-પ્રસારિત વીડિયો ન્યૂઝ અહેવાલ પ્રાપ્ત થયો. અહેવાલનું શીર્ષક છે – Nashik Chandwad Bus Accident: નાસિકના ચાંદવડ પાસે બસ-ટ્રકના અકસ્માતમાં 4નાં મોત

બીબીસી ન્યૂઝ મરાઠીના વીડિયો અહેવાલમાં જણાવાયું છે કે, “મુંબઈ-આગ્રા હાઈવે પર નાસિક જિલ્લામાં ચાંદવડ પાસે રાહુડ ઘાટ પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. પ્રશાશન અનુસાર તેમાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 13 લોકો ગંભીરરૂપે ઘાયલ થયા હતા. બસ જલગાવથી વસઈ જઈ રહી હતી. વળી મૃતાંક વધીને હવે 4 થઈ ગયો છે.”
આ વીડિયો અહેવાલનાં દૃશ્યો અને બસ ખરેખર વાઇરલ વીડિયોમાં જે બસ અને વિઝ્યૂઅલ છે તે સરખા જ છે.
અમને આની સાથે સાથે નાસિક લોકશાહી ન્યૂઝ નામની સ્થાનિક મીડિયાના યુ-ટ્યુબ ચૅનલ પર પણ એક વીડિયો ન્યૂઝ અહેવાલ પ્રાપ્ત થયો.
30 એપ્રિલ-2024ના રોજ નાસિક લોકશાહી ન્યૂઝ દ્વારા પણ અકસ્માતની ઘટનાની નોંધ લેવામાં આવી હતી. અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે, “નાસિકમાં એસટી અને ટ્રક વચ્ચે ચાંદવડ પાસે રાહુડ ઘટ પાસે અકસ્માત થયો હતો. ઘાયલોને મદદ માટે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સ્થાનિક ગામવાસીઓ પણ મદદ માટે આવી પહોંચ્યા હતા. ઘટનાને પગલે વરિષ્ઠ પોલીસ અધિકારીનો કાફલો અને ભાજપ સરકરામાં મંત્રી રહેલી ગીરીશ મહાજન પણ આવી પહોંચ્યા હતા. ગીરીશ મહાજાને સરકારની નિયમ અનુસાર પીડિતોને વળતરની ખાતરી આપી હતી. બસમાં અંદાજે 45-50 મુસાફરો હતો. જેમાંથી 4નાં મોત થયા છે, તેમાં એક મહિલા અને 3 પુરુષો સામેલ છે. વળી અન્ય 5ની હાલત ગંભીર છે. તથા બાકીના લોકોને સામાન્ય ઇજા થઈ હતી. તમામને સારવાર આપવામાં આવી રહી છે. અને તમામ તબીબી મદદ તથા વળતર પણ આપવામાં આવશે. ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ ખડેપગે છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. પ્રાથમિક ધોરણે એ જાણવા મળ્યું છે કે, ટ્રક ડ્રાઇવરની ભૂલના લીધે અકસ્માત થયો છે. વધુ તપાસ ચાલુ છે. વળી ગીરીશ મહાજન અનુસાર તમામ મૃતકો અને ઘાયલ સ્થાનિકો છે.”

આમ, ઉપરોક્ત બાબત પરથી સ્પષ્ટ થાય છે, બસનો રૂટ ગુજરાત તરફે નહોતો અને મૃતકો કે ગંભીર ઘાયલોમાં પણ ગુજરાતીઓ સામેલ નથી.
તદુપરાંત, એબીપી માંઝા દ્વારા 1-મે 2024ના રોજ યુ-ટ્યુબ ચૅનલ પર વીડિયો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. જેમાં પીડિતોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.

અહેવાલમાં પીડિતો ખુદ જણાવે છે કે, કયા સ્થળે કેવી રીતે બસનો અકસ્માત થયો હતો. આ બંને પીડિતો પણ મહારાષ્ટ્રના સ્થાનિક છે.
વળી, આ બસ-ટ્રક અકસ્માતની નોંધ અન્ય મીડિયા આઉટલેટ્સ દ્વારા પણ લેવાઈ હતી. તે અહીં, અને અહીં જુઓ.
દરમિયાન, બનાવની વધુ પુષ્ટિ અને વિગતો માટે અમે સ્થાનિક પોલીસનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી.
ન્યૂઝચેકરે ચાંદવડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. જેમાં તેમને ટેલિફોનિક વાતચીતમાં પોલિસકર્મીએ જણાવ્યું હતું કે, “આ અકસ્માત ખરેખર એક વર્ષ પહેલા થયો હતો. વીડિયો એક વર્ષ જૂનો છે. તે ફરી વાઇરલ થયો છે. બસ વસઈ-જલગાવ-વસઈ બસનો અકસ્માત થયો હતો. વાઇરલ વીડિયોમાં જે દૃશ્યો છે, તે એ જ અકસ્માતના છે. તેમાં મોટાભાગે તમામ સ્થાનિક મરાઠી મુસાફરો જ હતા. તેમાં કોઈ ગુજરાતી યાત્રીઓ હોવાનું જાણવા નથી મળ્યું. મૃતકો પણ સ્થાનિક લોકો જ હતા. બસ ગુજરાત તરફે નહોતી જઈ રહી.”
આ બધી જ બાબતો દર્શાવે છે કે, ખરેખર એક વર્ષ પહેલા મહારાષ્ટ્રના નાસિકમાં ચાંદવડ પાસે થયેલા અકસ્માતનો વીડિયો તાજેતરમાં ગુજરાતની બસનો અકસ્માત થયો હોવાના દાવા સાથે વાઇરલ કરાયો છે. તેને ગુજરાત સાથે કોઈ લેવાદેવા નથી.
Fact Check – ભાજપના નગરસેવકના કથિત ઑડિયોના જૂના સમાચાર તાજી ઘટના તરીકે વાઇરલ કરાયા
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, મુંબઈથી ગુજરાત જતી બસમાં ગુજરાતીઓને અકસ્માત નડ્યો અને તેમના મોત થયો હોવાનો વાઇરલ વીડિયોનો દાવો ખરેખર ખોટો છે. બસ અકસ્માતના આ વાઇરલ વીડિયોને ગુજરાત સાથે કોઈ લેવાદેવા નથી.
Sources
News Report by BBC News Marathi, dated 30th Apr, 2024
News Report by Nashik Loksahi News, dated 30th Apr, 2024
News Report by ABP Maza, dated 1st May, 2024
Video News Report by ABP Maza, dated 1st May, 2024
News Report by Etv Bharat, dated 1st May, 2024
Telephonic Conversation with Chandvad Police Station
(ન્યૂઝચેકર મરાઠીના પ્રસાદ પ્રભુ તરફથી ઇનપુટ્સ)