Fact Check
શું NASAએ કોસ્મિક કિરણોની અસરને લઈને જાહેર સૂચના આપી છે?
Claim : સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે કોસ્મિક કિરણો મધ્યરાત્રિએ પૃથ્વીની નજીકથી પસાર થશે.
Fact : NASA કે Google દ્વારા કોસ્મિક રેડિયેશનની અસરથી બચવા કે સાવધાન રહેવા માટે કોઈ મેસેજ જાહેર કરવામાં આવેલો નથી.
સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં, દરેક વ્યક્તિએ તેમના મોબાઇલ ફોન દૂર રાખવા જોઈએ કારણ કે કોસ્મિક કિરણો મધ્યરાત્રિએ પૃથ્વીની નજીકથી પસાર થશે. વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપ પર આ વાયરલ મેસેજ ખુબ જ શેર કરવામાં આવેલ છે.

ફેસબુક યુઝર્સ “પ્રિય મંડળ, આજે પાત્રે 12:30 PM થી 3:30 AM સુધી, તમારા સેલ્યુલર ફોન, ટેબ્લેટ વગેરે. બંધ કરવાની ખાતરી કરો અને તેને તમારા શરીરથી દૂર રાખો. સીએનએન ટેલિવિઝને આ માહિતી આપી છે. કૃપા કરીને તમારા પરિવાર અને મિત્રોને જણાવો. આજે રાત્રે 12:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી, કારણ કે આપણો ગ્રહ ઘણા બધા કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરશે. કોસ્મિક કિરણો પૃથ્વીની નજીકથી પસાર થશે. તો મહેરબાની કરીને તમારા મોબાઈલ સ્વીચ ઓફ કરો. તમારા ઉપકરણને તમારા શરીરની નજીક ન છોડો, તે તમને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે. Google, NASA અને BBC સમાચાર તપાસો. તમારા માટે મહત્વના હોય તેવા તમામ લોકોને આ સંદેશ મોકલો. તમે લાખો જીવન બચાવશો.” લખાણ સાથેનો મેસેજ શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો હોવાના દાવા સાથે ગોવાનો વિડીયો વાયરલ
Fact Check / Verification
કોસ્મિક કિરણો મધ્યરાત્રિએ પૃથ્વીની નજીકથી પસાર થવાના હોવાનો દાવો કરતા વાયરલ મેસેજ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા જાણવા મળ્યું કે વાયરલ મેસેજ 2008થી ઈન્ટરનેટ પર ફેલાઈ રહ્યો છે. 2010માં ઘાનામાં બીબીસી ન્યુઝના નામે આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો હતો. જ્યાં કહેવામાં આવ્યું છે કે બપોરે 12.30 થી 3.30 વાગ્યાની વચ્ચે કોસ્મિક કિરણો પૃથ્વી પર પડશે.
આ વાયરલ મેસેજ અંગે બીબીસીએ ખુલાસો કરતા જણાવ્યું કે આવી કોઈ ચેતવણી કે સંદેશ જાહેર કર્યો નથી. સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ માત્ર એક અફવા છે અને મેસેજમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે.

આ ઉપરાંત, નાસા દ્વારા જાહેર કરવામાં આવેલા કોઈપણ સમાચારમાં વાયરલ મેસેજ સંબંધિત કોઈ માહિતી જોવા મળતી નથી. પરંતુ, નાસાએ તેમની વેબસાઈટ પર કોસ્મિક કિરણો અંગે માહિતી આપી છે. કોસ્મિક કિરણોએ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જેવા ઉચ્ચ-ઊર્જાવાળા અણુઓ છે જે પ્રકાશની ઝડપે આકાશગંગા માંથી પસાર થાય છે અને આપણા સૌરમંડળ સુધી પહોંચે છે.
કોસ્મિક કિરણો શું છે?
નાસાની વેબસાઈટ અનુસાર, જ્યારે કોસ્મિક કિરણો મૂળરૂપે શોધાયા હતા, ત્યારે વૈજ્ઞાનિકોએ તેમને સૂર્યપ્રકાશ જેવા કિરણો માની લીધા હતા અને ગેરસમજ થઈ હતી. કોસ્મિક કિરણો વાસ્તવમાં દૂરના અને પ્રાચીન તારાઓ પર સુપરનોવા વિસ્ફોટની ઘટનાઓ દ્વારા ઉત્સર્જિત નાના અણુ કે કણો છે.
આ ઉપરાંત, નાસાએ એક વેબસાઇટ વિકસાવી છે જે યુએસએના મિનેસોટામાં જોવા મળતા કોસ્મિક કિરણો પર દર 15 સેકન્ડે તસ્વીરો અપડેટ કરે છે. નાસા અને નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) જેવી સંસ્થાઓ તરફથી કોસ્મિક કિરણો વિશે સતત ચેતવણીઓ આપવામાં આવે છે.

કોસ્મિક કિરણો પૃથ્વી પરના જીવન માટે કોઈ સીધો ખતરો નથી. આ વેબસાઈટ પરની માહિતી જણાવે છે કે મોબાઈલ ફોન કે ઈલેક્ટ્રોનિક વસ્તુઓને નજીકમાં રાખવાથી જોખમ વધતું નથી. કોઈપણ ગ્રહની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર અને વાતાવરણ, ગ્રહ પરના જીવનને સૌર અને કોસ્મિક રેડિયેશનની સંપૂર્ણ અસરથી સુરક્ષિત કરે છે.
Conclusion
કોસ્મિક કિરણો મધ્યરાત્રિએ પૃથ્વીની નજીકથી પસાર થવાના હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. NASA કે Google દ્વારા કોસ્મિક રેડિયેશનની અસરથી બચવા કે સાવધાન રહેવા માટે કોઈ મેસેજ જાહેર કરવામાં આવેલો નથી.
Result : False
Our Source
Official Website Of NASA
Official Website Of NOAA
Google Research
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044