Fact Check
પંજાબના લોકોએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વોટ ના આપવા અપીલ કરી હોવાના ભ્રામક વિડીયોનું સત્ય
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મેદાનમાં આ વખતે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ મોડેલને લઈને ગુજરાતમાં ચૂંટણીલક્ષી પ્રચાર કરી રહી છે. સોશ્યલ મીડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હોય તેમ અનેક પોસ્ટ જોવા મળી રહી છે. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબના લોકો ગુજરાતના ગામડે-ગામડે ફરીને આમ આદમી પાર્ટીને વોટ ના આપવા અપીલ કરી રહ્યા છે.

વાયરલ વિડીયોને “પંજાબની જનતા, સરદાર જી ગુજરાતના ગામડે-ગામડે ફરીને ગુજરાતીઓને અપીલ કરી રહ્યા છે, તમે ગુજરાતીઓ એ ભૂલ ન કરો જે પંજાબીઓએ કરી, આ ધૂર્ત કાચંડો જુઠાલાલે અરવિંદ કેજરીવાલને ઠપકો આપો, વોટ ન આપો, અમારી ભૂલ. તમારા માટે એક પાઠ છે, તેમને મત આપશો નહીં.” કેપશન સાથે ફેસબુક યુઝર્સ શેર કરી રહ્યા છે. વીડિયોમાં એક મોટી સંખ્યામાં પંજાબી લોકોની ગાડીઓનો કાફલો લાઉડ સ્પીકર સાથે નીકળી રહ્યા છે.
Fact Check / Verification
પંજાબના લોકો ગુજરાતના ગામડે-ગામડે ફરીને આમ આદમી પાર્ટીને વોટ ના આપવા અપીલ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વીડિયોમાં એક રિપોર્ટરને આ ઘટના પર ઇન્ટરવ્યૂ લેતા જોઈ શકાય છે. વિડીયોના કિફ્રેમ્સને ધ્યાનપૂર્વક જોતા IBN24 ન્યુઝ ચેનલનું માઈક જોવા મળે છે. આ ઉપરાંત, વીડિયોમાં એક મંડપ નીચે ધરણા પર બેઠેલા લોકો અને જેમની પાછળ જોવા મળતા બેનરમાં “અનિશ્ચિત ધરણા પ્રદશન ગ્રામવાસી ખેરમપુર” લખાયેલ જોઈ શકાય છે.

આમ આદમી પાર્ટીને વોટ ના આપવા અપીલ સાથે ખેરમપુર અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર ન્યુઝ ચેનલ IBN24 દ્વારા 1 નવેમ્બરના પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, “પંજાબના ભૂતપૂર્વ સૈનિકો આદમપુરમાં આમ આદમી પાર્ટીનો કરશે વિરોધ, કહ્યું કે તેઓ આમ આદમી પાર્ટી સિવાય કોઈને પણ વોટ આપે પરંતુ આમ આદમી પાર્ટીને વોટ ન આપો“
આ ઉપરાંત, અહીંયા વાયરલ વિડીયોમાં જોવા મળતા દર્શ્યો અને ન્યુઝ ચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયોના કિફ્રેમ્સ સરખાવતા સાબિત થાય છે કે આ ઘટના ગુજરાત નહીં પરંતુ હરિયાણાના ખેરમપુર ખાતે બનેલ છે.

Conclusion
પંજાબના લોકો ગુજરાતના ગામડે-ગામડે ફરીને આમ આદમી પાર્ટીને વોટ ના આપવા અપીલ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો હરિયાણાના ખેરમપુર ગામ ખાતે 1 નવેમ્બરના બનેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વીડિયોને ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભ્રામક સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
Result : Partly False
Our Source
YouTube Video Of IBN24 News, on 1 NOV 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044