રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના પરિણામે લોકો દેશ છોડી રહ્યા છે, તો કેટલાક લોકો વિસ્ફોટથી બચવા માટે સબ-વે અને અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનો સહારો લઇ રહ્યા છે. ગુરુવારે રશિયાનાં સૈન્યદળો યુક્રેનની રાજધાની કિએવ સુધી પહોંચી ગયાં અને શુક્રવારે કિએવમાં ઠેર-ઠેક વિસ્ફોટો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે, જે અંગે ઘણા વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ક્રમમાં ન્યુઝ ચેનલ GSTV દ્વારા “રશિયાના મહાભયંકર હુમલાથી સળગી રહ્યું છે યુક્રેન… થયા છે બ્લાસ્ટ” હેડલાઈન સાથે એક વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં એક ભયંકર વિસ્ફોટ જોવા મળે છે, જે યુક્રેનમાં હાલમાં થયો હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.

Fact Check / Verification
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિસ્ફોટનો વિડિઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા theguardian દ્વારા ઓગષ્ટ 2015માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અને સમાન વિડિઓ જોવા મળે છે. જે મુજબ, ડેન વેન ડ્યુરેન દ્વારા આ વિડિઓ ચીનના બંદર શહેર તિયાનજિનમાં એક ઔદ્યોગિક વિસ્તારમાં થયેલ પ્રચંડ વિસ્ફોટ સમયે લેવામાં આવેલ છે.

આ પણ વાંચો :- યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીએ યુદ્ધનો મોરચો સંભાળ્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
ચીનના તિયાનજિનમાં થયેલા વિસ્ફોટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા BBC News દ્વારા ઓગષ્ટ 2015માં યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોઈ શકાય છે. વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, ચીનના શહેર તિયાનજિનમાં જોખમી વસ્તુઓના સંચાલનમાં વિશેષતા ધરાવતી કંપનીના વેરહાઉસમાં અચાનક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.
CNBC દ્વારા ઓગષ્ટ 2015ના પ્રકાશિત કરવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર, ચીનના તિયાનજિનમાં આવેલ બિન્હાઈ ન્યૂ એરિયામાં વિસ્ફોટ સ્થાનિક સમયાનુસાર રાત્રે લગભગ 11.30 વાગ્યે થયો હતો, જેમાં 50 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી, 700 જેટલા ઘાયલ થયા છે અને 71 થી વધુ ગંભીર છે.

Conclusion
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિસ્ફોટનો વિડિઓ તદ્દન ભ્રામક છે. ચીનના તિયાનજિનમાં ઓગષ્ટ 2015ના એક ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ વેરહાઉસમાં વિસ્ફોટ થયો હતો, જે ઘટનાને હાલ યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધના સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- False Context / Missing Context
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044