Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – ગાંધીજી-નહેરુ શહીદ ભગતસિંહને ફાંસી થાય એવું ઇચ્છતા હોવાનો દાવો કરતો વાઇરલ મૅસેજ
Fact – વાઇરલ મૅસેજમાં કરવામાં આવેલા દાવાઓ વાસ્તવિકતાથી વિપરિત છે. તેમાં અપૂરતો સંદર્ભ છે અને ગેરમાર્ગે દોરનારા છે.
ભારતની સાંપ્રત રાજનીતિમાં અને રાજકીય ઇતિહાસમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, પંડિત જવાહરલાલ નહેરુ, વીર ભગતસિંહ સહિત ઘણા સ્વાંતત્ર્ય સેનાની ચર્ચાનો વિષય રહેતા હોય છે.
સંસદથી લઈને સડક સુધી ઉપરોક્ત વ્યક્તિઓના કાર્યો અને તેમના વિચારો પર નેતાથી લઈને સાધારણ નાગરિક પોતાના અંગત વિચારો વ્યક્ત કરતા અને ચર્ચા કરતા જોવા મળે છે.
જોકે, આ સમગ્ર ચર્ચામાં કેટલાક એવા દાવાઓ થતા જોવા મળે છે, જેમાં ઇતિહાસની કેટલીક ગંભીર ઘટનાઓનું વ્યક્તિ વિશેષ પોતાના મુજબ કે પોતાના વ્યક્તિગત દષ્ટિકોણ મુજબ મૂલ્યાંકન કરતા હોય છે.
એવામાં ઘણી વાર સોશિયલ મીડિયામાં કેટલાક આધારવિહોણા દાવાઓ પણ વાઇરલ થતા જોવા મળે છે. અથવા ખોટી માહિતીઓ શેર કરવામાં આવતી હોય છે, જેમાં ઐતિહાસિક વ્યક્તિઓની વિચારધારાને આમનેસામને લાવી મૂકવાના પ્રયાસ જોવા મળતા હોય છે.
આવો જ એક વાઇરલ મૅસેજ ન્યૂઝચેકરને પ્રાપ્ત થયો છે. જેમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ તથા ભગતસિંહ મામલે કેટલાક દાવાઓ કરવામાં આવ્યા છે. વળી, ભૂતકાળમાં આ મૅસેજ સોશિયલ મીડિયામાં પણ વાઇરલ જોવા મળ્યા હતા. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
વાઇરલ મૅસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘ગાંધીજી-નહેરુ ભગતસિંહને ફાંસી થાય એવું ઇચ્છતા હતા અને તેમણે ભગતસિંહની ફાંસી રોકવા માટે કંઈ જ ન કર્યું હતું.’
વાઇરલ મૅસેજમાં એકથી વધુ બાબતો વિશે દાવા કરવામાં આવેલા છે.
ન્યૂઝચેકરે આ દાવાઓની તપાસ કરી અને નિષ્ણાત પાસે તેમનો મત જાણવાની કોશિશ કરી. વાઇરલ મૅસેજમાં એકથી વધુ દાવા હોવાના લીધે તેની તબક્કાવાર તપાસ કરવામાં આવી છે.
ન્યૂઝચેકરને અમારી વોટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર આ દાવો એકથી વધુ વખત ફૅક્ટચેક માટે મોકલવામાં આવ્યો છે અને તેને હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.
“મદન મોહન માલવિયાએ ભગતસિંહની ફાંસી રોકવા મામલે દયાની અરજી દાખલ કરી ત્યાર બાદ વાઇસરોય ઇરવિને તેમને એવું કહ્યું હતું કે, તમે નહેરુ-ગાંધી અને કૉંગ્રેસના ઓછામાં ઓછા 20 સભ્યોના સંમતિ પત્રો લાવશો તો, ભગતસિંહને ફાંસી માફી મળી જશે.”
આ દાવા વિશે વરિષ્ઠ લેખક-પત્રકાર ઉર્વિશ કોઠારી ઇ-મેલના માધ્યમથી જણાવે છે કે, “આ વાતનો આધાર મળતો નથી અને તે સાચી હોય એવી સંભાવના નહીંવત્ છે. કારણ કે તે વખતે કોંગ્રેસ વતી ગાંધીજી ઇરવિન સાથે વાત કરતા હતા અને ઇતિહાસમાં પહેલી વાર અંગ્રેજ વાઇસરોયે કોઈ ભારતીય નેતાને બરાબરીના દરજ્જે વાત કરવા બોલાવ્યા હતા. જેનાથી ચર્ચિલ ખૂબ ગુસ્સે થયા હતા.”
સંમતિપત્રના દાવાના પુરાવા-આધાર મામલે ભગતસિંહની ફાંસી રોકવા મામલેના પ્રયાસોની તવારીખ વર્ણવતો અહેવાલ જણાવે છે કે, વાઇસરોય અને ગાંધીજી વચ્ચે આવા સમંતિપત્રોને લઈને કોઈ વાતચીત નહોતી થઈ.
વધુમાં તેઓ ઉપરોક્ત અહેવાલને જ ટાંકીને જણાવે છે કે, “આમાં (મદન મોહન માલવિયાએ દાખલ કરેલ દયા અરજીના અહેવાલમાં) નહેરુ-ગાંધીના સંમતિપત્રની વાત આવતી નથી.”
આથી તપાસમાં એ જાણવા મળે છે કે, વાઇસરોય અને ઇરવિન વચ્ચે આ પ્રકારનની કોઈ વાત થઈ નહોતી અને ગાંધી-નહેરુએ દયાની અરજીને સફળ બનાવવા માટે સક્રિયતા ન દાખવી એ વાત ખોટી પુરવાર થાય છે.
આમ, તપાસમાં દાવા નંબર 1 ખોટા સંદર્ભવાળો અને ગેરમાર્ગે દોરનારો પુરવાર થાય છે.
“ઇરવિને નિવૃત્તિ પછી એવું કહ્યું હતું કે, ગાંધી-નહેરુએ ફાંસી રોકવા અપીલ કરી હોત તો, ફાંસી રોકી હોત. પરંતુ ગાંધી-નહેરુ ફાંસીની ઉતાવળમાં હતા.”
દાવા વિશે ઉર્વિશ કોઠારી કહે છે કે, “આ વાત ઇરવિને કહી હોય એવું જાણ્યું નથી અને કહી હોય તો પણ માનવાજોગ નથી. આ ગાંધી-નહેરુદ્વેષની નીપજ છે. એ વખતે કોંગ્રેસના પ્રમુખ નહેરુ નહીં, સરદાર પટેલ હતા. ડો. આંબેડકરે એ મતલબનું લખ્યું હતું કે પંજાબની અંગ્રેજ અફસરશાહી માફીની એટલી વિરુદ્ધમાં હતી કે વાઇસરોય ઇચ્છે તો પણ તે માફી આપી ન શકે.”
અત્રે નોંધવું કે, ઉર્વિશ કોઠારીએ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી સહિતના મહાનુભાવોના જીવન અને રાજકીય ઇતિહાસ વિશે પુસ્તકો અને લેખ લખેલા છે. ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં તેમના પુસ્તક પ્રકાશિત થયેલા છે. ગાંધીજી વિશે તેઓ ઘણી શૃંખલાઓ પ્રકાશિત કરી ચૂક્યા છે.
આંબેડકરે તેમના અખબાર જનતાના 13 એપ્રિલ 1931ના અંકમાં જે લખ્યું હતું, તે આ લેખમાં વાંચવા મળશે.
વળી, ઇરવિને તેમની નિવૃત્તિ સમયેના ભાષણમાં કહેલ વાત દાવામાં કરવામાં આવેલી વાતથી તદ્દન વિપરિત છે.
આમ, તપાસમાં દાવા નંબર 2 ખોટા સંદર્ભવાળો અને ગેરમાર્ગે દોરનારો પુરવાર થાય છે.
“ગાંધીજી-નહેરુએ સમંતિપત્ર ન આપ્યા. આ વલણથી લૉર્ડ ઇરવિન ખુદ આશ્રર્યમાં હતા, એવું લૉર્ડ ઇરવિને નિવૃત્તિ પછીના ભાષણમાં કહ્યું હતું.”
આ વિશે ઉર્વિશ કોઠારી જણાવે છે કે, “આ વાત પણ આધાર વિનાની છે. અમને માનવાજોગ નથી.”
પુરાવા મામલે તેઓ દાવા નંબર 1ના અહેવાલ(પુરાવા)ને જ ટાંકે છે.
આમ, તપાસમાં દાવા નંબર 3 ખોટા સંદર્ભવાળો અને ગેરમાર્ગે દોરનારો પુરવાર થાય છે.
“ઇરવિને એવું કહ્યું હતું કે, ભગતસિંહ ભારતમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યા હોવાથી ગાંધી-નહેરુ નહોતા ઇચ્છતા કે ફાંસી રોકવામાં આવે.”
આ દાવાની તપાસમાં લેખક ઉર્વિશ કોઠારીનું કહેવું છે કે, “ઉપર મુજબ આખી વાત કાલ્પનિક રીતે ભગતસિંઘ અને ગાંધીજીને સામસામે ઊભા કરી દેવાની દુષ્ટતાની નીપજ છે. ભગતસિંઘની અને ગાંધીજીની લોકપ્રિયતાની કોઈ રીતે સરખામણી ન થઈ શકે અને ગાંધીજી-નહેરુ ભગતસિંઘનું મૃત્યુ ઇચ્છતા હોય એ સ્તરની કલ્પના તો જમણેરી વિચારધારામાં (માનતા) લોકોની જ હોઈ શકે.”
આમ, તપાસમાં દાવા નંબર 4 ખોટો અને ગેરમાર્ગે દોરનારો પુરવાર થાય છે.
“લાહોર જેલના જેલરે ગાંધીને પત્ર લખીને પૂછ્યું હતું કે, શું આ છોકરાઓને ફાંસી આપવાથી દેશનું વાતાવરણ નહીં બગડશે? ગાંધીજીએ એમાં લેખિત જવાબ મોકલ્યો હતો કે, તમે તમારું કામ કરો આવું કંઈ નહીં થાય.”
અત્રે નોંધવું કે, મહાત્મા ગાંધીજીએ લોર્ડ ઇરવિન સાથે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુની ફાંસીને રોકવા માટે એકથી વધુ વાતચીત કરી હોવાના પુરાવા ઉપલબ્ધ છે.
અહેવાલ પ્રમાણે મહાત્મા ગાંધીએ એકથી વધુ વખત વાઇસરોય સાથે ફાંસી રોકવા વાત કરી હતી. ગાંધીજીએ લૉર્ડ ઇરવિનને લખેલા પત્રમાં ભગતસિંહ અને તેમના સાથીના દેશપ્રેમ અને બહાદુરીના વખાણ કર્યાં હતા અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે, “મેં મારો આત્મા રેડી દીધો છે વિનંતી કરવામાં.”
વળી, ગાંધીજીએ ભગતસિંહને અને તેમના સાથીઓને 23 માર્ચ-1931ના રોજ ફાંસી આપી તેના કેટલાક કલાકો પહેલા વાઇસરોય ઇરવિનને પત્ર લખી ફાંસી રોકવા વિનંતી કરી હતી.
ગાંધીજીની વિનંતી છતાં અગ્રેજ સરકારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી દીધી હતી.
જવાહર લાલ નહેરુએ પણ કરાચી સત્રમાં ભગતસિંહની બહાદુરી મામલે વાત કરેલ હતી.
આમ નહેરુ-ગાંધી ફાંસી અપાવવાની ઉતાવળમાં હોવાની વાત ખોટી પુરવાર થાય છે. કેમ કે, ગાંધી-નહેરુએ ખુદ ફાંસી રોકવા મામલે પ્રયાસ કર્યાં હતાં. જે પુરાવા પણ ઉપલબ્ધ છે.
ઉર્વિશ કોઠારી વધુમાં આ મામલે જણાવે છે કે, “ભગતસિંઘને બચાવવા માટે ગાંધીજીએ પૂરતા પ્રયત્નો કર્યા હતા કે નહીં, તે સવાલનો હેતુ ભગતસિંઘની ફાંસી માટે ગાંધીજીને જવાબદાર ઠરાવવાનો ન હોઈ શકે. કારણ કે, તે વિકૃત તર્ક છે. ભગતસિંઘની ફાંસી સોન્ડર્સ હત્યાકેસમાં તેમના સાથીદારો અપ્રુવર બની ગયા અને તેમની વિરુદ્ધમાં જુબાની આપી, તેના કારણે થઈ. ફાંસી માફ કરાવવા માટે ગાંધીજીએ જે કંઈ કર્યું અને જે કંઈ ન કર્યું, તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે તે એક હત્યાના ગુનાસર થયેલી સજા હતી અને ગાંધીજી બંદૂકથી ન્યાયના સિદ્ધાંતમાં કે તેને ટેકો આપવામાં માનતા ન હતા. છતાં તેમણે ભગતસિંઘના દેશપ્રેમ અને બહાદુરીની કદર કરી હતી.
તેઓ જેલર મામલેના દાવા વિશે ઉમેરે છે કે, ” લાહોરના જેલરનો પત્ર કે તેનો કશો આધાર હોય તો તે જોઈને નક્કી થાય” કે આ દાવાનો આધાર છે કે પાયાવિહોણો છે.
છતાં તેઓ ઉમેરે છે કે, “જેમણે આ દાવો કર્યો હોય કે ઇરવિને કે જેલરે આવું કહ્યું, તે પાના નંબર સાથે પુરાવા રજૂ કરે. પછી તેનો પ્રતિપક્ષ વિચારાય. (કેમ કે કેટલાક લોકો) ગમે તેના નામે ગમે તેવા દાવા કરે ને આપણે તેના ખંડન માટે પુસ્તકો ફેંદતા ફરીએ તો પાર જ ન આવે.”
આમ, તપાસમાં દાવા નંબર 5 ખોટો અને ગેરમાર્ગે દોરનારો પુરવાર થાય છે. જોકે, જેલર મામલેની વાતના કોઈ પુરાવા આધાર નહીં મળતા તે અનિર્ણિત રહે છે.
ગાંધીજીના પ્રયાસોનો ઘટનાક્રમ અને તેને લગતી માહિતી આ અહેવાલમાં પણ ઉપલબ્ધ છે. વધુમાં ભગતસિંહે ખુદ તેમના પિતાએ દયા અરજી રજૂ કરવા મામલે વાંધો વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે, “મારી સાથે વાતચીત કર્યા વગર તમે આવું કૃત્ય નહોતું કરવું જોઈતું. હું મારા કેસમાં ડિફેન્સ નથી કરવાનો અને હું તેને એક નબળાઈ તરીકે જોઉ છું.”
અત્રે નોંધવું કે સમગ્ર ઇન્વેસ્ટિગેશન ઉપલબ્ધ પુરાવાના આધારે કરવામાં આવેલ છે, જે માત્ર વાઇરલ મૅસેજમાં કહેલ વાતમાં તથ્ય કેટલું છે તેને જ તારવી શકે છે. વ્યક્તિગત અભિપ્રાય, દૃષ્ટિકોણ અને વિચારધારા મુજબ વ્યક્તિ ઉપરોક્ત બાબતો મામલે પોતાનો મત જાતે બાંધી શકવા સ્વતંત્ર છે. તપાસ કોઈ નૅરેટિવને પ્રોત્સાહન કે ખંડન કરવાના પ્રયાસ હેઠળ હાથ ધરવામાં આવેલ નથી.
અમારી તપાસમાં દાવા નંબર 1થી લઈને દાવા નંબર 5 તમામ સૌપ્રથમ તો ગેરમાર્ગે દોરનારા પુરવાર થાય છે. અને તેમાં કહેવામાં આવેલી માહિતીઓ ઉપલબ્ધ પુરાવાઓ અને નિષ્ણાત અનુસાર ખોટી પુરવાર થાય છે. વળી, દાવાઓમાં ખોટા સંદર્ભ પણ આપવામાં આવેલા છે. જેથી વાઇરલ મૅસેજના દાવા ખોટા પુરવાર થાય છે. જો સત્તાવાર ડૉક્યુમેન્ટ પૂરા પાડવામાં આવે તો તે મુજબ તેને તપાસીને સંદર્ભો ચકાસ્યા બાદ પ્રતિપક્ષ મૂકી શકાય છે.
Sources
Mahatma Gandhi’s Letter to Lord Irwin
Madan Mohal Malaviya’s Mercy Plea
Baba Saheb Ambedkar’s Article
Lord Irwin’s Farewell Speech
Report by National Herald
Report by Sunday Guardian Live
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
February 25, 2025
Dipalkumar Shah
February 21, 2025
Dipalkumar Shah
February 18, 2025