Authors
Claim – રેલ્વે દ્વારા સિનિયર સિટીઝન્સને ટિકિટમાં 40થી 50 ટકાનું ડિસ્કાઉન્ટ.
Fact – રેલ્વે દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આવું કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી.
દિવાળીના તહેવારમાં સંખ્યાબંધ યાત્રીઓ મુસાફરી કરતા હોય છે. જેમાં રેલ્વે દ્વારા લાખો મુસાફરો યાત્રા કરતા હોય છે. તેવામાં રેલ્વે મામલેનો એક વાઇરલ મૅસેજ ધ્યાનમાં આવેલ છે.
મૅસેજમાં દાવો કરવામાં આવેલ છે કે, કેન્દ્ર સરકારે વરિષ્ઠ એટલે કે સિનિયર સિટીઝન્સ માટે રાહત સુવિધાઓની જાહેરાત કરેલ છે.
મૅસેજમાં કહેવાયું છે કે, ” કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો માટે રેલ્વે મુસાફરી માટે રાહત સુવિધાઓની જાહેરાત કરી છે. પુરૂષ વરિષ્ઠ નાગરિક મુક્તિ વય 60 વર્ષ અથવા તેથી વધુ. સ્ત્રી વરિષ્ઠ નાગરિક રાહત વય 58 વર્ષ કે તેથી વધુ. પુરુષો માટે રેલવે પેસેન્જર ભાડામાં 40% ડિસ્કાઉન્ટ. મહિલાઓ માટે રેલ્વે ભાડા પર 50% ડિસ્કાઉન્ટ. આ ડિસ્કાઉન્ટ રેલ્વે પેસેન્જર ટ્રેનોની કોઈપણ કેટેગરીમાં ઉપલબ્ધ હશે જેમ કે મેલ/એક્સપ્રેસ/રાજધાની/શતાબ્દી/જનશતાબ્દી/દુરંતો. રેલ્વે રિઝર્વેશન / અથવા, બધી સામાન્ય ટિકિટો કરતી વખતે કોઈ ઉંમરનો પુરાવો આપવાની જરૂર નથી. જો કે, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, રેલ્વે ટિકિટ ચેક (TC)ના કિસ્સામાં ઉંમરના પુરાવા તરીકે PAN કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ફોટો સાથે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ પત્ર સબમિટ કરવાનું ફરજિયાત છે. વરિષ્ઠ નાગરિકો તેમની રેલ્વે ટિકિટ કોઈપણ ટિકિટ / રિઝર્વેશન ઑફિસમાંથી અથવા ઇન્ટરનેટ દ્વારા ખરીદી શકે છે. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)માં, વરિષ્ઠ નાગરિકો, સગર્ભા સ્ત્રીઓ અને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને રેલવેમાં સ્લીપર ક્લાસમાં 6 બર્થ, AC-3, AC-2માં 3 બર્થ આપવામાં આવે છે.”
વધુમાં મૅસેજમાં દિવ્યાંગજનો, સગર્ભા મહિલાઓ અને બીમાર દર્દીઓ તથા અશક્તોને સ્ટેશન પર મળતી મૂળભૂત સુવિધાઓ વિશે પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.
જોકે, ટિકિટમાં ડિસ્કાઉન્ટનો દાવો ન્યૂઝચેકરને ખોટો હોવાનું જણાયું છે.
ન્યૂઝચેકરને અમારી WhatsApp ટિપલાઇન (+91 9999499044) પર યુઝર તરફથી ઉપરોક્ત દાવો એકથી વધુ વાર તપાસ માટે મોકલવામાં આવ્યો છે. અને તેની અધિકૃતતા ચકાસવા વિનંતી કરવામાં આવી છે.
Fact Check/Verification
આ દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે રેલ્વે વિભાગની વેબસાઇટ તપાસી. વેબસાઇટ તપાસતા અમને રેલ્વે દ્વારા સિનિયર સિટીઝન્સ મામલે ડિસ્કાઉન્ટના નિયમોનું પૅજ જોવા મળ્યું.
પૅજની વિગતોને ધ્યાનથી ચકાસતા તેમાં સિનિયર સિટીઝન્સ મામલેની ડિસ્કાઉન્ટની માહિતી જોવા મળી. જોકે, તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલ હતો કે, 1 સપ્ટેમ્બર-2001થી પીઆરએસ મારફતે સિનિયર સિટીઝન્સને ડિમાન્ડના આધારે (ડિફોલ્ટ વિકલ્પ તરીકે નહીં) ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટેની વયમર્યાદા, દસ્તાવેજો, નિયમોનો તેમાં ઉલ્લેખ કરાયેલ છે. તથા અંતમાં એવું પણ લખેલ છે કે રેલ્વે બોર્ડના નોટિફિકેશન (તારીખ – 13/05/2011) અનુસાર આ શરતોમાં કોઈ પણ બદલાવ આવેલ નથી.
આમ, 2011થી આ ડિસ્કાઉન્ટના નિયમો યથાવત હતા. પરંતુ વધુ તપાસ કરતા અમને રેલ્વે મામલેના અન્ય અહેવાલો પ્રાપ્ત થયા જેમાં સિનિયર સિટીઝન્સના ટિકિટ ડિસ્કાઉન્ટ વિશે વધુ સ્પષ્ટતા મળી.
અમને ગૂગલ સર્ચની રેલ્વે સિનિયર સિટિઝન્સ ટિકીટ ડિસ્કાઉન્ટ કીવર્ડની મદદથી સર્ચ ચલાવી જૂના અહેવાલો તપાસતા હિંદુસ્તાન ટાઇમ્સનો વર્ષ 2020નો સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો.
19 માર્ચ-2020ના રોજ પ્રકાશિત અહેવાલનું શીર્ષક (ગુજરાતી અનુવાદ) છે – કોવિડ-19 : સિનિયર સિટીઝન્સ સહિતના યાત્રીઓ માટે રેલ્વેમાં મળતું ડિસ્કાઉન્ટ સ્થગિત કરવામાં આવે છે.
અહેવાલમાં વધુમાં વિગતે જણાવ્યું છે કે, “રેલ્વે દ્વારા કોરોનાકાળમાં મુસાફરીને બિનપ્રોત્સાહિત કરવા માટે તમામ શ્રેણીનું ટિકિટ ડિસ્કાઉન્ટ બંધ કરવામાં આવે છે. જોકે, વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને મળતી રાહત ચાલુ રહેશે.”
જેનો અર્થ કે, વર્ષ 2020 એટલે કે, કોરોનાકાળથી રેલ્વે દ્વારા સિનિયર સિટીઝન્સને મળતું ડિક્સાઉન્ટ બંધ છે.
અત્રે નોંધવું કે, વર્ષ 2020માં દેશમાં કોરોનાની પ્રથમ લહેર અને વર્ષ 2021માં બીજી લહેર આવી હતી.
ત્યાર બાદ વર્ષ 2022માં ડિસ્કાઉન્ટની સ્થિતિ તપાસવા અમે તે વર્ષના અહેવાલો ચકાસ્યા. જેમાં અમને ગૂગલ સર્ચની મદદથી ઇન્ડિયા ડૉટ કોમનો એક સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો.
અહેવાલનું શીર્ષક (ગુજરાતી અનુવાદ) છે – ભારતીય રેલ્વે ટિકિટ બુકિંગ નિયમોમાં બદલાવ : હવે સિનિયર સિટીઝન્સને ટિકિટમાં કન્સેશન્સ નહીં મળશે
અહેવાલની વિગતોમાં લખ્યું છે કે, “કોરોનાકાળ દરમિયાન જે ડિસ્કાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું તેને ફરીથી રિસ્ટોર કરવામાં આવશે નહીં. રેલ્વેમંત્રી અનુસાર રેલ્વે પહેલાથી જ રેલ્વેભાડામાં યાત્રીઓને ડિસ્કાઉન્ટ આપી રહી છે.”
જેનો અર્થ થયો કે વર્ષ 2022માં પણ તે ડિક્સાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું નહોતું.
વધુમાં અમને 24 જુલાઈ-2024ના રોજ નવભારત ટાઇમ્સ દ્વારા પ્રકાશિત અહેવાલ મળ્યો. અહેવાલમાં રેલ્વેમંત્રી દ્વારા સંસદમાં સિનિયર સિટીઝન્સને ટિકિટ ડિક્સાઉન્ટ મામલેના સવાલનો તેમણે પ્રત્યુત્તર આપેલ તેની બાબતો સામેલ છે.
અહેવાલમાં રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવને ટાંકીને લખ્યું છે, “ભારતીય રેલ્વે પહેલાથી જ યાત્રીઓને ટ્રેનના ભાડામાં 46 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.”
જેનો અર્થ કે સિનિયર સિટીઝન્સને ટિકીટમાં વર્ષો પહેલા મળતા ડિસ્કાઉન્ટને ફરીથી બહાલ કરવામાં આવેલ નથી.
અમે આ મામલે રેલ્વેનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી. જેમાં પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “રેલ્વે દ્વારા સિનિયર સિટીઝન્સને ફરીથી ટિકિટ ડિસ્કાઉન્ટ આપવા મામલે કોઈ નવી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. તે કોવિડ સમયથી બંધ છે અને હજુ પણ તે બંધ જ છે. આ પ્રકારનું કોઈ ડિસ્કાઉન્ટ સિનિયર સિટીઝન્સને મળતું નથી.”
વળી, જ્યાં સુધી દિવ્યાંગો અને દર્દીઓને મળતી રેલ્વેની રાહત અને સુવિધાઓની વાત છે તો, તે રેલ્વે તેના નિયમો અનુસાર આપતું આવ્યું છે. વધુ માહિતી રેલ્વેનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.
Conclusion
અમારી તપાસમાં એ પુરવાર થાય છે કે, રેલ્વે દ્વારા સિનિયર સિટીઝન્સને ટિકિટમાં 50 ટકા કન્શેશન્સની જાહેરાત કરવામાં આવેલ નથી. આથી વાઇરલ મૅસેજનો દાવો ખોટો પુરવાર થાય છે.
Result – False
Sources
IRCTC Website
News Report by HT
News Report by India.com
News Report by Navbharat Times
Telephonic Interview of Railway official
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044