Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Crime
ગુજરાતમાં કૅમિકવાળા કાગળથી મહિલાઓના અપહરણની ચેતવણી સાથે ગુજરાત પોલીસ દ્વારા જારી કરાયેલ એડવાઇઝરીનો વાઇરલ વીડિયો
દાવો ખોટો છે. ગુજરાત પોલીસ દ્વારા આવી કોઈ સૂચના કે વીડિયો જારી કરવામાં આવ્યો નથી.
સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ દ્વારા વખતોવખત કેટલાક નિયમો, માર્ગદર્શિકાઓ, સૂચનાઓ, પરિપત્રો, જાહેરનામા સહિતની માહિતીઓ જારી કરવામાં આવતી હોય છે. જનતાને નવી બાબતો વિશે માહિતગાર કરવા માટે આ રીતે સરકારની કચેરીઓ વિવિધ માધ્યમો થકી માહિતીનો પ્રસાર કરતી હોય છે.
પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે, સરકારના નામે જ સોશિયલ મીડિયામાં ખોટી માહિતીઓ ફેલાવવાનો પ્રયાસ થતો હોય છે.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં ઑડિયો અને ગ્રાફિક્સ સાથે દાવો કરવામાં આવ્યો છે.
વીડિયો ક્લિપમાં ગુજરાત પોલીસનો લૉગો છે અને સ્થાનિક મીડિયા જેવું દેખાતા ગ્રાફિક્સ તેમાં દેખાય છે. ક્લિપના ઑડિયોમાં વૉઇસ ઑવર છે અને તેમાં વ્યક્તિ સમાચાર વાંચતી હોય એ રીતે વાંચી રહી છે. જેમાં તે કહી રહી છે કે, “ગુજરાત પોલીસ તરફતી વિનંતી. મહેરબાની કરીને નોંધ કરો કે તમને મૉલ કે નિર્જન સ્થળે કાગળ સૂંઘવાનું કહે તો સૂંઘશો નહીં. આ એક નવું કાગળ છે, તે કાગળ દવાથી સજ્જ છે, તે સૂંઘતા તમે બેભાન થઈ શકે છે અને અપહરણ કરી લેશે. તમે તરત ત્યાંથી નીકળો. તે તમારું અપહરણ, લૂંટ અથવા કંઈક નુકસાન કરી શકે છે. તમામ પ્રિયજનોને આ સંદેશો મોકલો અને તેમને સુરક્ષિત કરો. આ વરિષ્ઠ અધિકારીઓ તરફથી માહિતી મળેલ છે. સુરક્ષિત રહો.”
વીડિયો ક્લિપની સાથે યુઝરે કૅપ્શનમાં લખ્યું છે, ” ખુબજ અગત્યનું. છે, બધે તાત્કાલિક મોકલજો.”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને પ્રાથમિક ધોરણે આ વીડિયોનો દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે.
સૌપ્રથમ અમે વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્સની મદદથી સ્કૅન કરી તપાસ કરી. પરંતુ અમને કોઈ પરિણામ પ્રાપ્ત ન થયું. ત્યાર બાદ અમે ગૂગલ સર્ચ થકી કીવર્ડની મદદથી સર્ચ ચલાવી. તેમાં પણ અમને આ પ્રકારની એડવાઇઝરી વિશે પરિણામો પ્રાપ્ત ન થયા.
જેથી અમે ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને વેબસાઇટની ચકાસણી કરી. જોકે, ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ ચેતવણી કે વીડિયો પોસ્ટ પ્રાપ્ત ન થઈ.
પરંતુ વધુ સર્ચ કરતા અમને વર્ષ 2022ની એક ફેસબૂક પોસ્ટ પ્રાપ્ત થઈ. 27 જૂન 2022ના રોજ જ્યોતિ ન્યૂઝ લાઇવ નામના યુઝર દ્વારા આ વર્તમાનમમાં વાઇરલ થયેલો આ જ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
જેનો અર્થ એ છે કે, વર્તમાનમાં વાઇરલ થયેલ વીડિયો 3 વર્ષ પહેલાં પણ શેર કરવામાં આવ્યો હતો. આમ આ વીડિયો જૂનો છે.
વીડિયોના વેરિફિકેશન અને તેમાં કરવામાં આવેલા દાવાને તપાસવા માટે અમે સુરત સાયબર પોલીસનો પણ સંપર્ક કર્યો.
સુરત સાયબર પોલીસના અધિકારી એ. એચ. સલિયાએ ન્યૂઝચેકર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, “તેમની જાણકારી અનુસાર આ પ્રકારની કોઈ એડવાઝરી ગુજરાત પોલીસ દ્વારા જારી કરવામાં આવી નથી.”
અમે પોલીસ અધિકારી એ. એચ. સલિયાને પણ વાઇરલ વીડિયોની ક્લિપ વૉટ્સૅપના માધ્યમથી શેર કરી હતી. તેમણે તેને તપાસ્યા બાદ અમને પ્રત્યુત્તર પણ આપ્યો હતો જેમાં તેમણે સ્પષ્ટ કીધું કે આ પ્રકારની એડવાઝરી જારી કરવામાં આવેલ નથી.
જે સૂચવે છે કે, પોલીસ દ્વારા વીડિયોમાં કહેવામાં આવેલી વાતોનું ખરેખર ખંડન કરાયું છે. આમ વીડિયો અને તેમાં કરવામાં આવેલા દાવા ખોટા છે.
તદુપરાંત, વીડિયોના ડબલ વેરિફિકેશન માટે અમે તેને ગુજરાત પોલીસને પણ મોકલેલ છે. ગુજરાત પોલીસના ડીજીપી વિકાસ સહાયને ન્યૂઝચેકર દ્વારા ઇમેલ મારફતે વીડિયોના વેરિફિકેશન અને સત્તાવાર ટિપ્પણી માટે વિનંતી કરતો ઇમેલ મોકલવામાં આવેલ છે.
તેમની તરફથી જો કોઈ પ્રત્યુત્તર પ્રાપ્ત થશે, તો તેને અહેવાલમાં અપડેટ કરી લેવામાં આવશે.
અમારી તપાસમાં સાયબર પોલીસ અધિકારી સાથેની વાતચીત અને અન્ય ચકાસણી દ્વારા એ નિષ્કર્ષ નીકળે છે કે, ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારની કોઈ ચેતવણીનો વીડિયો કે દાવો જારી કરવામાં આવ્યો નથી. આથી દાવો ખોટો છે.
Sources
Facebook Post by JyotiLive News, dated 27 June 2022
Telephonic & WhatsApp conversation with Surat Cybre Police Officer A. H. Saliya
Gujarat Police X Handle
Gujarat Police Official Website
Dipalkumar Shah
July 8, 2025
Dipalkumar Shah
April 16, 2025
Dipalkumar Shah
April 10, 2025