Authors
Claim – લોનાવાલા બાદ ગુજરાતમાં પણ પ્રવાસીઓ પાણીના ધોધમાં આવેલા પૂરમાં ફસાયા હોવાનો વાઇરલ વીડિયો
Fact – લોનાવાલા બાદ ગુજરાતમાં પણ પ્રવાસીઓ ધોધના પૂરમાં ફસાઈને તણાયા હોવાનો વીડિયો ખરેખર ઇક્વાડોરનો છે. આથી દાવો ખોટો છે.
તાજેતરમાં જ લોનાવાલાના બુશી ડૅમ પાસે પાણીના ધોધમાં આવેલા પૂરમાં એકાએક પ્રવાસીઓ ફસાઈ ગયા હતા અને પરિવારના 5 સભ્યો તેમાં તણાઈ ગયા હતા. આ દુર્ઘટનાએ આખા દેશમાં ચોમાસાની સિઝનમાં જળપ્રવાહ ધરાવતા પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની સલામતી મામલે ચર્ચા જગાવી હતી.
ત્યાર બાદ સોશિયલ મીડિયા પર એક અન્ય વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રવાસીઓ ફરી એક પાણીના ધોધમાં આવેલા પૂરમાં ફસાતા જોવા મળે છે.
સોશિયલ મીડિયા યુઝરે વીડિયો શેર કરતા કહ્યું કે, “બુશી ડૅમ, લોનાવાલાની (ઘટનાનું) આજે ગુજરાતમાં પુનરાવર્તન. સામે આવી રહેલી આપદા જોઈને પણ સંભાળ નહીં રાખવાનું પરિણામ.”
વીડિયોમાં પ્રવાસીઓ ધોધમાં એકાએક પાણીનો ધોધ અને પ્રવાહ વધી જતા નાસીપાસ છતાં જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં વહેતા થયેલા વીડિયોમાં બાળકો સહિત 20થી વધુ લોકો નાસીપાસ થતા જોવા મળી રહ્યા છે. વળી જે વ્યક્તિ વીડિયો બનાવી રહી છે તે વ્યક્તિને પહેલાં લોકોની બૂમો સંભળાય છે આથી તે દાદર ઉતરીને લોકોની નજીક જવાની કોશિશ કરે છે અને નીચે ઉતરતા તેને સામે છેડે પાણીના પૂરપ્રવાહથી ડરીને ભાગી રહેલા લોકો જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો આ પાણીના ધોધના પ્રવાહથી બચવામાં સફળ રહે છે પરંતુ કેટલાક વચ્ચે ફસાઈ જાય છે. અને તેમાંથી કેટલાક આખરે તણાઈ જાય છે. ત્યાર પછી વીડિયો પૂરો થઈ જતા તેમનું શું થાય છે નથી દેખાતું.
ઉપરોક્ત સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં અને અહીં જુઓ.
ન્યૂઝચેકરને તેની વોટ્સએપ ટિપલાઇન (+91-9999499044) પર પણ આ દાવો ફેક્ટ ચેક તપાસ માટે પ્રાપ્ત થયેલ છે.
Fact Check/ Verification
વાઇરલ વીડિયોની તપાસ કરવા અમે વાઇરલ વીડિયોના કિફ્રેમ્સને ગૂગલ લૅન્સ પર રિવર્સ ઇમૅજ થકી ચેક કર્યાં. જેમાં અમને બરાબર એવા જ એક વીડિયોવાળી ફેસબુક પોસ્ટ મળી.
ફેસબુક પોસ્ટમાં જે વીડિયો છે તેના વિઝ્યુઅલ્સ અને વાઇરલ વીડિયોના વિઝ્યૂઅલ્સ સરખા જ છે.
ત્યાર બાદ ફેસબુક પોસ્ટના ટાઇટલને પણ અમે ગૂગલ પર સર્ચ કર્યું. સર્ચ કરતા અમને કેટલાક વીડિયો અહેવાલ પ્રાપ્ત થયા.
તેમાં ટેલિમાઝોનાસ ઇક્વાડોર યુટ્યુબ ચૅનલની લિંક મળી. 18 ઑક્ટોબર-2023ના રોજ વાઇરલ વીડિયો અહીં પોસ્ટ થયેલો હતો.
જેનો અર્થ એ થાય છે કે વાઇરલ વીડિયો અને તેની સાથે કરવામાં આવેલો દાવો તાજેતરનો નથી અને ગત વર્ષનો જૂનો વીડિયો છે.
એટલું જ નહીં પણ તે ગુજરાતનો નહીં પરંતુ ઇક્વાડોરનો વીડિયો છે.
વધુમાં ગૂગલ સર્ચમાં અમને ‘યાહૂ’ ન્યૂઝ સ્પેનિશ દ્વારા 19 ઑક્ટોબર-2023ના રોજ પ્રકાશિત એક સમાચાર અહેવાલ પણ પ્રાપ્ત થયો. તેમાં પણ આ જ વીડિયો દર્શાવવામાં આવ્યો છે.
આ અહેવાલમાં કહેવાયું છે કે, “ઇક્વાડોરના નાપો પ્રાંતમાં આર્ચિડોના કૅન્ટોનમાં આવેલી હોલીન નદી થકી સર્જાતા પાણીના ધોધની મુલાકાતે પ્રવાસીઓનું જૂથ અહીં આવ્યું હતું. પરંતુ એકાએક પાણીનો પ્રવાહ વધી જતા ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેઓ નાસીપાસ થઈ ગયા હતા અને ડરનો માહોલ સર્જાયો હતો.”
વળી વીડિયોના ઑડિયોને ધ્યાનથી સાંભળતા સ્પષ્ટ થાય છે કે તે ગુજરાતી ભાષા નથી. વીડિયોમાં જે ભાષા છે તે ઇક્વાડોરની ભાષા છે.
યાહૂ ન્યૂઝના રિપોર્ટમાં વીડિયોમાં મહિલા બૂમો પાડીને રડી રહ્યા છે તેનું અંગ્રેજીમાં ભાષાંતર પણ આપેલ છે. જેનું ગુજરાતી ભાષાંતર છે – મારા ભાઈ! મારાભાઈ.
ઇક્વાડોરના સ્થાનિક મીડિયા અનુસાર જે લોકો તણાઈ ગયા હતા તેમને પ્રવાહમાં આગળના સ્થળેથી બચાવી લેવાયા હતા અને કોઈ વ્યક્તિ લાપતા નહોતું.
Read Also – Fact Check: ગુજરાતમાં વરસાદમાં રોડના ખાડામાં પડી રહેલી મહિલાનો વીડિયો ખરેખર બ્રાઝિલનો
Conclusion
અમારી તપાસના નિષ્કર્ષમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. વાઇરલ વીડિયો ખરેખર ઇક્વાડોરમાં બનેલી જૂની ઘટનાનો છે અને ગુજરાતમાં આવી કોઈ ઘટના નથી બની.
Result – False
Sources
Youtube Video by 18 OCT, 2023
News Report by Yahoo News, 19 Oct, 2023
News Report by ELUNIVERSO, 17 Oct, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044