Authors
દેશમાં હાલ વકફ બોર્ડ સુધારા બિલ-2024 મામલે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. મોદી સરકારે બજેટ સત્રમાં તેને લોકસભામાં રજૂ કર્યું હતું, જેને સમીક્ષા માટે સંસદની જોઈન્ટ કમિટિ પાસે મોકલી આપવામાં આવ્યું છે.
8 ઑગસ્ટ-2024ના રોજ લોકસભામાં વકફ કાયદામાં ફેરફાર માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ ઘણા મુસ્લિમ નેતાઓ અને વિપક્ષી સાંસદોએ આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એમનું કહેવું છે કે આ બિલ મુસ્લિમો સાથે વાત કર્યા વિના રજૂ કરવામાં આવ્યું છે. આથી તેને જોઈન્ટ કમિટિ પાસે મોકલવામાં આવ્યું.
વકફ બોર્ડ શું છે?
વકફ અરબી ભાષાનો શબ્દ છે. વક્ફ એટલે એક એવી મિલકત છે જે લોક કલ્યાણને સમર્પિત છે. ઇસ્લામ અનુસાર, વક્ફ દાનની એક પદ્ધતિ છે જેમાં દાતા જંગમ અથવા સ્થાવર મિલકત દાન કરી શકે છે. મતલબ કે વાહનથી લઈને જમીન કે બહુમાળી ઈમારત સુધી કોઈપણ વસ્તુ વકફ થઈ શકે છે. તે જન કલ્યાણના હેતુ માટે જ દાનમાં આપવામાં આવે છે.
‘વક્ફ બોર્ડ’ એ સંસ્થા છે જે અલ્લાહના નામે દાનમાં આપેલી મિલકતની જાળવણી કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ તેમની કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકતને જકાત તરીકે આપે છે, તો તે મિલકતને ‘વક્ફ’ કહેવામાં આવે છે. જકાત ચૂકવ્યા પછી આ મિલકત પર કોઈની માલિકીનો અધિકાર નથી. તેને અલ્લાહની મિલકત ગણવામાં આવે છે અને તેની દેખભાળ ‘વક્ફ-બોર્ડ’ને આપવામાં આવે છે. આ સંસ્થા તે મિલકતને લગતા તમામ કાયદાકીય કામ જેમ કે વેચાણ, ખરીદી, ભાડા વગેરે સંભાળે છે. એકવાર કોઈ વ્યક્તિ આ વકફ આપી દે તો તે તે મિલકત ક્યારેય પાછી લઈ શકે નહીં અને વક્ફ બોર્ડ ઇચ્છે તેમ તેનો ઉપયોગ કરે છે.
દેશમાં વક્ફ બોર્ડની રચના ક્યારે થઈ?
1947માં આઝાદી બાદ દેશભરમાં ફેલાયેલી વકફ પ્રોપર્ટી માટે માળખું બનાવવાની વાત થઈ હતી. તેવી જ રીતે વર્ષ 1954માં સંસદે વકફ એક્ટ 1954 પસાર કર્યો હતો. આના પરિણામે વકફ બોર્ડની રચના કરવામાં આવી હતી. આ એક ટ્રસ્ટ હતું જેના હેઠળ તમામ વકફ પ્રોપર્ટી આવી હતી. 1955માં એટલે કે કાયદો અમલમાં આવ્યાના એક વર્ષ પછી આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને રાજ્ય સ્તરે વક્ફ બોર્ડ બનાવવાની જોગવાઈ કરવામાં આવી. આ પછી વર્ષ 1995માં નવો વકફ બોર્ડ કાયદો આવ્યો અને 2013માં તેમાં સુધારા કરવામાં આવ્યા હતા.
કેમ છે વિવાદ?
હવે સરકાર વક્ફ બોર્ડના દાવાઓની ચકાસણી ફરજિયાત બનાવવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર વર્તમાન વક્ફ બોર્ડ એક્ટમાં કેટલાક સુધારા કરવા માંગે છે. જે મિલકતો માટે વક્ફ બોર્ડ અને માલિકો વચ્ચે વિવાદ છે તેના માટે પણ વેરિફિકેશન ફરજિયાત બનાવી શકાય છે. ઘણા અહેવાલો અનુસાર સરકારનો ભાર વક્ફમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર છે. અને સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વકફ બોર્ડની સંપત્તિ સંબંધિત સત્તા પર સરકાર નિયંત્રણ કરશે અને મોટાભાગનો વિવાદ આ બાબતને લઈને છે.
શું છે સામૂહિક ઇમેલ ઝુંબેશ?
અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદે જોઇન્ટ કમિટિને બિલ સમીક્ષા માટે મોકલી આપ્યું છે. આ મામલે જંગદંબિકા પાલની અધ્યક્ષ્યતાવાળી કમિટિએ તેની સમીક્ષા મામલે સંબંધિત પક્ષો અને સમુદાયો, સંસ્થાઓ અને નિષ્ણાતો સહિત જાહેર જનતા પાસેથી પણ સલાહ-સૂચનો અને અભિપ્રાયો મંગાવ્યા છે.
આ મામલે સમિતિએ 29 ઑગસ્ટના રોજ એક પ્રેસ રિલીઝ ઇસ્યૂ કરી હતી. જેમાં જાહેર જનતા પાસેથી આ સુધારા બિલ મામલે મંતવ્યો મંગાવ્યા હતા.
પ્રેસ રિલીઝમાં કહેવાયું છે કે, “ઇચ્છિત વ્યક્તિ લોકસભાના જોઈન્ટ સેક્રેટરીને સંબંધિત સરનામે અને ઇમેલ મારફતે પ્રેસ રિલીઝની તારીખથી 15 દિવસની અંદર તેમના સૂચનો મોકલી શકશે. તેમાં jpcwaqf-iss@sansad.nic.in ઇમેલ આઈડી પર મંતવ્યો મોકલવાની સલાહ આપવામાં આવી છે.”
જોકે, વકફ બોર્ડ એક્ટમાં સુધારા મામલે લાવવામાં આવેલા મોદી સરકારના બિલને પગલે સરકાર અને વિપક્ષ આમને સામનો આવી ગયા છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ વિચારધારાનું એક શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. દરમિયાન, સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર મૅસેજ વાઇરલ થવા લાગ્યા છે, જેમાં જાહેર જનતાને ઉપરોક્ત ઇમેલ આઈડી પર પોતાના મંતવ્યો મોકલવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
પરંતુ, અહીં એક બાબત એ પણ જોવા મળી રહી છે કે, વકફ બોર્ડ એક્ટમાં સુધારા માટે અને તેને રદ કરવાની માગણી કરવા સોશિયલ મીડિયામાં એક ખાસ ઇમેલ ઝુંબેશ જોવા મળી રહી છે.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
કઈ રીતે ચલાવાઈ રહી છે ઝુંબેશ?
અમને અમારી Whatsapp ટિપલાઈન (9999499044) પર પણ આ દાવો મળ્યો છે, અને તેને તથ્ય-તપાસ કરવાની વિનંતી કરી છે.
ન્યૂઝચેકરને પણ આ સામૂહિક ઇમેલ ઝુંબેશ વિશે તેની વોટ્સઍપ ટિપલાઇન પર મૅસેજ પ્રાપ્થ થયા છે. આ વાઇરલ મૅસેજ મળતા ન્યૂઝચેકરે તેની તપાસ કરવાની કોશિશ કરી.
વાઇરલ મૅસેજમાં અમને એક વૉટ્સૅપ મૅસેજ પ્રાપ્ત થયો છે. જેમાં દાવો કરાયો છે કે, “વકફ બોર્ડ હિંદુઓની જમીનો પચાવી પાડી રહ્યું હોવાથી હિંદુઓ એકતા જાળવીને આ કાયદાને રદ કરવા માટે સહકાર આપે.”
મૅસેજમાં ઉપરોક્ત બાબતોની સાથે સાથે એક લિંક આપવામાં આવી છે. તે લિંક પર ક્લિક કરવાથી એક ડ્રાફ્ટ થયેલો ઇમેલ ખૂલે છે. વ્યક્તિએ ઇમેલના અંતમાં તેનું નામ લખી તેને માત્ર સેન્ડ બટન પર ક્લિક કરવાથી તે ઇમેલ જોઇન્ટ કમિટિને જતો રહે છે. વળી ન્યૂઝચેકરને વોટ્સએપ ટિપલાઇન પર ક્યૂઆર કૉડવાળા મૅસેજ પણ પ્રાપ્ત થયા છે. જેમાં વ્યક્તિ માત્ર તેને સ્કેન કરે એટલે એક ડ્રાફ્ટ ઇમેલ ખૂલે છે. જેને તે જોઇન્ટ કમિટિને મોકલી શકે છે. જેનો અર્થ કે કેટલાકને આ ઇમેલ મોકલવા માત્ર સેન્ડ બટન ક્લિક કરવું પડે છે અથવા કેટલાકને વાઇરલ મૅસેજમાં આપેલ ઇમેલ કોપી કરીને પૅસ્ટ કરવું પડે છે.
બંને કેસમાં એક બાબત સરખી છે કે, વ્યક્તિએ મંતવ્ય કે સૂચનનો ઇમેલ લખવાની જરૂર નથી રહેતી. કેમ કે તેમાં પહેલાથી જ લખેલ ઇમેલ ઉપલબ્ધ હોય છે. આ ઇમેલ કોઈ, ક્યારે, શા માટે, કેવી રીતે લખ્યો છે તે અમે સ્વતંત્ર રીતે તપાસી નથી શક્યા. પરંતુ એ વાત નોંધી છે કે, ઇમેલનું કન્ટેન્ટ પહેલાથી જ લખેલું હોય છે. ઘણા મૅસેજમાં તે કન્ટેન સરખું જોવા મળ્યું છે. તો કેટલાકમાં તે અલગ હતું.
સામૂહિક ઇમેલ ઝુંબેશ અને વિવાદ
અત્રે નોંધવું કે સંસદની જોઇન્ટ કમિટિએ વ્યક્તિઓને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે ઇમેલ આઈડી પૂરુ પાડ્યું છે, જેમાં જનતા તેના પર વકફ બિલ વિશે તેમાન મંતવ્યો મોકલી શકે.
પરંતુ આ સામૂહિક ઝુંબેશમાં પહેલાથી જ કોઈએ લખેલ ડ્રાફ્ટ ઇમેલ હોય છે અને તે અંગ્રેજીમાં હોય છે.
આથી વ્યક્તિએ પહેલા તે ઇમેલ વાંચવો જોઈએ અને તે બાબતો-વિગતો-તથ્યો સાથે તે સંમત હોય તેણે ખાતરી કરી હોય તો, જે તેને મોકલવો જોઈએ. નહીં તો જો કોઈ ખરેખર પોતાનો અંગત વ્યક્તિગત મંતવ્ય મોકલવા માગતી હોય તો, તે કમિટિએ આપેલા ઇમેલ પર અલગથી પોતાનો નવો ઇમેલ મોકલી શકે છે.
આ ખરેખર એક કોપી-પેસ્ટની સામૂહિક ઇમેલ ઝુંબેશ છે. જેમાં કોમી વિચારધારા વધુ પ્રતીત થતી નજરે જોવા મળે છે.
ન્યૂઝચેકરે સ્વતંત્ર રીતે ડ્રાફ્ટ ઇમેલના લખાણની સમીક્ષા કે તપાસ કરેલ નથી. પરંતુ છતાં કોઈ પણ લખાણ મોકલતા પહેલા કે લિંક ક્લિક કરતા પહેલાં અથવા ક્યૂઆર કૉડ સ્કૅન કરતા પહેલા એક વખત તેની ચકાસણી કરવી હિતાવહ છે.
કોણ ચલાવી રહ્યું છે ઝુંબેશ?
મૅસેજના કન્ટેન પરથી જોવા મળ્યું છે કે, “જમણેરી વિચારધારા ધરાવતા સંગઠનો, સોશિયલ મીડિયા યુઝર્સ આ ઝુંબેશ ચલાવી રહ્યાં છે. ઝુંબેશમાં વપરાતા મૅસેજના લખાણમાં હિંદુ સમુદાયને શક્ય તેટલા વધુ ઇમેલ મોકલવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. મૅસેજમાં પણ ઉપરોક્ત સંસ્થાઓ અને વિચારધારાના સમૂહો દ્વારા ઇમેલ કરવા માટે પ્રોત્સાહન અપાતું હોવાનો ઉલ્લેખ કરાયેલ છે.
સરકારે કે જોઈન્ટ કમિટિએ આ મામલે કોઈ ક્યૂઆર કૉડની સુવિધા જાહેર કે ઇસ્યૂ કરેલ નથી. છતાં તેના માટે ક્યૂઆર કૉડ બનાવવામાં આવ્યા છે.
જ્યારે ભાજપનો ‘મિસ્ડ કૉલ નંબર’ યુસીસી માટેની ઝુંબેશ તરીકે વાઇરલ થયો..
અત્રે નોંધવું કે ભૂતકાળમાં ભાજપના સમર્થન માટેનો ‘મિસ્ડ કૉલ નંબર’ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) માટેની ઝુંબેશ તરીકે વાઇરલ થયો હતો.
યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના અમલીકરણ માટેની ઝુંબેશ તરીકે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એક મૅસેજ ફરતો કરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે, જેમાં હિંદુઓને વિનંતી કરે છે કે તેઓ 9090902024 પર મિસ્ડ કોલ આપે, જેથી UCC (યુસીસી) માટે તેમની સંમતિ આપી શકે. મૅસેજમાં દાવો કરાયો છે કે, “પહેલેથી જ બે દિવસમાં 4 કરોડ મુસ્લિમો અને 2 કરોડ ખ્રિસ્તીઓએ યુસીસી વિરુદ્ધ મતદાન કર્યું છે. તેથી, સમયમર્યાદા પહેલા, 6ઠ્ઠી જુલાઈ, દેશના તમામ હિન્દુઓને યુસીસીની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરવામાં આવે છે. કૃપા કરીને યુસીસીને સમર્થન આપવા અને દેશને બચાવવા માટે 9090902024 પર મિસ્ડ કૉલ કરો.”
જોકે, તપાસમાં બહાર આવ્યું હતું કે, મિસ્ડ-કોલ ઝુંબેશ કે જેમાં નરેન્દ્ર મોદી યુસીસી લાવવા સમર્થન માટે હિંદુઓને મોબાઇલ નંબર પર મિસ્ડ કૉલ આપવા આહવાન કરે છે એ દાવો ખોટો પુરવાર થયો.કેમ કે, આ રીતે કોઈ સમર્થન માગવામાં આવ્યું જ નહોતું.
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવી કે કમિટિએ વકફ બિલ પર સૂચનો મામલે 15 દિવસની સમય મર્યાદા આપી હતી, જે 13 સપ્ટેમ્બર-2024ના રોજ પૂર્ણ થાય છે.
જોઇન્ટ કમિટિ આગામી 18,19,20 સપ્ટેમ્બરના રોજ ફરીથી બેઠક કરવાની છે. તેમાં તે સંબંધિત પક્ષો-સંસ્થાઓ તરફથી મળેલા સૂચનોને રૅકર્ડ કરશે.
Sources
Loksabha Website
AIR News Report
Dainik Jagaran News Report
Aaj Tak News Report
Minority Affairs Ministry, Govt Of India
Business Standard News Report
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044