કર્ણાટક હિજાબ વિવાદની આગ દેશભરમાં ફેલાઈ રહી છે, દેશના અન્ય શહેરોમાં પણ મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબના સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર આ ઘટના અંગે અનેક ભ્રામક દાવાઓ વાયરલ થયેલા છે, જેમાં હિજાબ ગર્લ મુસ્કાન ખાનને અભિનેતા સલમાન ખાન અને તુર્કી તરફથી રોકડ ઇનામ મળેલ છે તો બીજી તરફ હિજાબ વિવાદના વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ત્રિરંગો હટાવી ભગવો ઝંડો ફરકાવ્યો હોવાના ભ્રામક દાવા વાયરલ થયેલ છે. આ તમામ ભ્રામક દાવાઓ પર Newschecker દ્વારા ફેક્ટ ચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
કર્ણાટકમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા ભગવો ખેસ પહેરીને હિજાબનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, વિડીઓમાં ભાજપ અને RSSનો ખેસ પહેરેલા લોકોને ટોળા દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. ફેસબુક પર “ગઈ કાલે બીડર કર્ણાટક માં હિજાબનો વિરોધ કરવા આવેલા BJP અને RSS ની ધુલાઈ કરતા હિન્દૂ સંગઠનો” ટાઇટલ સાથે આ વિડિઓ કર્ણાટક હિજાબ વિવાદના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, વાયરલ વિડિઓ થોડા દિવસ અગાઉ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં “લોકો ભાજપ કાર્યકર્તાને ભગાડી રહી છે” ટાઇટલ સાથે શેર કરવામાં આવ્યો હતો.
Fact Check / Verification
વાયરલ વીડિઓને નજીકથી જોયા પછી, એક જગ્યાએ “JANGAON TRAFFIC POLICE” લખેલું જોવા મળે છે. જનગાંવએ તેલંગાણાના એક જિલ્લાનું નામ છે. વીડિયોમાં કેટલાક તેલુગુ ભાષામાં બોર્ડ અને હોર્ડિંગ્સ પણ જોવા મળે છે

જનગાંવમાં ભાજપ કાર્યકરો સાથે મારીપીટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર “TV9 તેલુગુ” દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ જનગાંવમાં ભાજપ અને સત્તાધારી તેલુગુ રાષ્ટ્ર સમિતિના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવા અંગે પ્રકાશિત કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે.
ઉપરાંત, યુટ્યુબ પર “NTV તેલુગુ” દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ પણ જોવા મળે છે. જે મુજબ, તેલંગાણાના જનગાંવમાં ટીઆરએસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
“ધ હિન્દુ” દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ, TRS કાર્યકર્તાઓ રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણને લઈને જનગાંવમાં વિરોધ કરી રહ્યા હતા. મોદીએ રાજ્યસભામાં કહ્યું હતું કે 2014માં આંધ્રપ્રદેશનું વિભાજન યોગ્ય રીતે થયું ન હતું.

પ્રદર્શન દરમિયાન ટીઆરએસના લોકોએ પીએમ મોદીનું પૂતળું બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના જવાબમાં બીજેપી કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વડાપ્રધાનના પૂતળા દહનનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે બે જૂથો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. અથડામણમાં ટીઆરએસના લોકોએ ભાજપના કાર્યકરોનો પીછો કર્યો હતો, જેમાં ભાજપના છ કાર્યકરો ઘાયલ થયા હતા. આ ઘટના અંગે “ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ” એ પણ આ સમાચાર પ્રકાશિત કર્યા છે.
શું છે હિજાબ વિવાદ?
કર્ણાટકના ઉડુપીની એક કૉલેજે મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરીને કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ મુસ્લિમ વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. થોડાક જ દિવસોમાં આ નિર્ણય અંગે રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદશન શરૂ થઈ ગયા હતા. ત્યારબાદ, હવે વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવાના અધિકારનો મુદ્દો કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો છે.
આ વચ્ચે કેટલાક હિન્દુવાદી સમૂહોએ હિન્દુ વિદ્યાર્થિનીઓને ભગવો ખેસ પહેરીને આવવા પર જોર લગાવ્યું હતું. હાલ,કર્ણાટકમાં વિદ્યાર્થીઓનાં બે જૂથ પડી ગયા છે. એક જૂથ હિજાબનું સમર્થન કરે છે અને બીજું જૂથ તેનો વિરોધ કરી રહ્યું છે. આ ગંભીર પરિસ્થિતિ ધ્યાને રાખતા રાજ્ય સરકારે તમામ હાઈસ્કૂલ અને કૉલેજોને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.
Conclusion
ભાજપના કાર્યકરોની મારપીટનો આ વાયરલ વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ખરેખર તેલંગાણાના જનગાંવમાં ટીઆરએસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જે વિડિઓ હાલ કર્ણાટક હિજાબ વિવાદના સંદર્ભે શેર કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044