ગુજરાતમાં તોફાની અને અસામાજિક તત્ત્વો સામે ગુજરાત પોલીસ ખાસ અભિયાન ચલાવી રહી છે. ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો જાહેરમાં હથિયારો સાથે પ્રદર્શન અને મારપીટ સહિતની કરતૂતોના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થતા આવ્યા છે. જનતા પણ અસામાજિક તત્ત્વો દ્વારા ફેલાવાયેલા ભયના માહોલથી ત્રસ્ત થઈ ગઈ છે. આ પ્રકારના વીડિયો વાઇરલ થતાં જનતા સોશિયલ મીડિયા પર તેમનો રોષ ઠાલવતી આવી છે.
દરમિયાન, હોળીના તહેવાર દરમિયાન અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ઘટનાએ દેશભરમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે.જાહેરમાં સંપત્તિ-રાહદારીઓ-વાહનો અને નિર્દોષ નાગરિકોમાં ભય ફેલાવનારા તત્ત્વોનો એક વીડિયો વાઇરલ થયો છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયો સાથે કૅપ્શનમાં લખવામાં આવ્યું છે, ” અમદાવાદમાં મુસ્લિમ યુવકોએ તલવારો અને હથિયારો સાથે તોડફોડ કરી અને મહિલા તથા રાહદારી વ્યક્તિઓ પર હુમલા કરતા પોલીસે બાદમાં તેમને પકડીને ફટકાર્યાં અને કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનો વાઇરલ વીડિયો.”
વીડિયોમાં એક ટોળું રસ્તા પર જાહેરમાં તોફાન મચાવી રહ્યું છે અને તોડફોડ કરી રહ્યું છે. જ્યારે તેમાં બીફોર અને આફ્ટર ટ્રિટમેન્ટ વાળા સ્ક્રિન સાથે તોફાન કરનારા તત્ત્વ પર પોલીસ દંડાવાળી કરી રહી છે તે દર્શાવાયું છે.
અન્ય એક યુઝરે લખ્યું કે, “અમદાવાદમાં હોળીના પવિત્ર તહેવાર પર હિંદુ વિરોધી જેહાદીઓ દ્વારા પથ્થરમારો કરાતા પોલીસે પછી તેમની સાથે હોળી રમી, આંતરિક સુરક્ષા માટે આ જરૂરી પણ છે.”
તમામ વીડિયોમાં તત્ત્વોએ જાહેર માર્ગ પર જે હુડદંગ મચાવ્યું હતું અને ત્યાર બાદ પોલીસે તેમને તેમના વિસ્તારમાં ઘર પાસે લઈ જઈ પરેડ કરાવી દંડાથી ફટકાર્યાં તેના દૃશ્યો છે.
જોકે, તમામે વીડિયો શેર કરી દાવો કર્યો છે, કે આ તોફાન મચાવનારા શખ્શો મુસ્લિમો હતા અને તેમણે હોળીના તહેવાર પર હિંદુઓ પર હુમલા કર્યાં હતા. જેનો અર્થ કે તેને હિંદુ-મુસ્લિમ કોમી એંગલ આપવાની કોશિશ કરવામાં આવી છે.


સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરણને જાણવા મળ્યું છે કે, દાવો ખરેખર ગેરમાર્ગે દોરનારો છે. કેમ કે આ સમગ્ર ઘટનામાં હિંદુ-મુસ્લિમનું કોમી પરિબળ સામેલ જ નથી. આથી વીડિયો અધૂરા સંદર્ભ સાથે શેર કરાયો છે. તેમાં મુખ્ય સંદર્ભ જ ગાયબ છે.
Fact Check/Verification
દાવાની તપાસ માટે સોપ્રથમ અમે ગૂગલ સર્ચ કીવર્ડની મદદ લીધી. અને તેમાં વસ્ત્રાલ, અમદાવાદ પોલીસ હોળી તોફાન, સહિતના કીવર્ડની સર્ચ ચલાવતા અમને આ બનાવ મામલેના ઘણા અહેવાલો પ્રાપ્ત થયા.
અમને 17-માર્ચ, 2025ના રોજ ન્યૂઝ18 ગુજરાતી સત્તાવાર યુટ્યુબ ચૅનલ પર દ્વારા પ્રકાશિત વીડિયો ન્યૂઝ અહેવાલ પ્રાપ્ત થયો. અહેવાલનું શીર્ષક છે – Ahmedabad Police Mar LIVE| Ahmedabad Vastral News | લુખ્ખાઓના પોલીસે જાહેરમાં મોર બોલાવ્યા
અહેવાલમાં જણાવાયું છે કે, “અમદાવાદના વસ્ત્રાલમાં શાશ્વત સોસાયટી-2 પાસે અસામાજિક તત્ત્વોએ તલવારો, છરા અને અન્ય હથિયારો લઈને વિસ્તારને બાનમાં લીધો હતો. તેમણે રસ્તા પર જઈ રહેલા વાહન ચાલકોને પણ બાનમાં લઈ તોડફોડ કરી હતી.”
વીડિયો અહેવાલ વધુમાં જણાવે છે કે, “આરોપીઓને પોલીસ દંડાથી ફટકારી સબક શીખવાડી રહી છે. તથા આ ઘટનામાં કુલ 14 આરોપીઓની ધકપકડ કરવામાં આવી છે. જેમાંથી 7 આરોપીઓના ઘર ગેરકાયદે હોવાનું કારણ જણાવી અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસની મદદથી બુલડોઝર વડે ધરાશાયી કરી દેવામાં આવ્યા છે.”
15 માર્ચ -2025ના રોજ પ્રકાશિત મિંટ ન્યૂઝના અહેવાલમાં પણ લખ્યું છે કે, “અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક ત્તત્ત્વોએ તોફાન મચાવતા પોલીસે તેમના પર લાઠીમાર માર્યાનો વીડિયો વાઇરલ. જનતા આ વિશે ઘણા પ્રતિભાવો આપી રહી છે. જનતાએ ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંશા કરી છે.”

અમે આ ઉપરાંત ગૂગલ સર્ચમાં વસ્ત્રાલમાં વિધર્મીઓ દ્વારા તોફાન, અમદાવાદ હોળી પથ્થરમારો સહિતના કીવર્ડથી અહેવાલો શોધવાની કોશિશ કરી.
જોકે, મુસ્લિમ યુવકો દ્વારા તોફાન કરાયાના કે હિંદુ-મુસ્લિમ વચ્ચે અથડામણ થઈ હતી એવી નોંધ લેતા એક પણ સત્તાવાર, વિશ્વસનીય મીડિયા અહેવાલ પ્રાપ્ત થયાં નથી.
આમ, ઘટના ખરેખર અસામાજિક તત્ત્વોમાં બે જૂથોની મારામારી હતી.
ઉપરાંત, કોમી પરિબળ સામેલ હોવાનો એક પણ સત્તાવાર મીડિયા અહેવાલ ઉપલબ્ધ નહીં હોવાની બાબત સૂચવે છે કે, વાઇરલ દાવો ખરેખર ગેરમાર્ગે દોરનારો છે જે અધૂરા સંદર્ભ કે પૂરતા સંદર્ભવાળો નથી. કેમ કે, વાઇરલ વીડિયોની ઘટનામાં કોમી પરિબળ સામેલ જ નથી.
છતાં વધુ તપાસમ માટે ઘટનાનાની ઉંડાણપૂર્વક તપાસ કરતા અમને 15 માર્ચ-2025ના રોજ ગુજરાત સમાચાર દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો.

ગુજરાત સમાચારના અહેવાલમાં સ્પષ્ટ રૂપે આરોપીઓના નામ આપવામાં આવેલ છે. પ્રાથમિક દૃષ્ટિએ તેમાં એક પણ નામ મુસ્લિમ સમુદાયની વ્યક્તિનું નથી જણાતું.
તદુપરાંત, બીબીસી ન્યૂઝ ગુજરાતી દ્વારા આરોપીઓના પરિવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે.
17 માર્ચ-2025ના રોજ બીબીસી ગુજરાતી દ્વારા પ્રકાશિત અહેવાલમાં આરોપીના પરિવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે. તેમાં પણ જે નામનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, તે તમામ નામો પણ સૂચવે છે કે તેમાં કોઈ મુસ્લિમ સમુદાયની વ્યક્તિ સામેલ નથી.

વધુમાં અમદાવાદ પોલીસે પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેર પોલીસ વસ્ત્રાલમા બનેલ ઘટના અંગત અદાવત ના કારણે બની છે, બનાવની જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર રામોલ સહિતની ટીમો ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયેલા. ભોગબનનારની FIR દાખલ કરવામાં આવેલ છે.અત્યાર સુધી માં કુલ 13 આરોપીઓને પકડી લેવામાં આવેલ છે.”

આ અંગે વધુ માહિતી અમે અમદાવાદ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. જોકે, તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. તેમનો પ્રત્યુત્તર મળશે તો, તેને અહેવાલમાં સામેલ કરી લેવામાં આવશે.
પરંતુ હાલના તબક્કે ઉપરોક્ત બાબતો સ્પષ્ટ સૂચવે છે કે, વાઇરલ દાવો ખરેખર ગેરમાર્ગે દોરનારો છે. જે ઘટનાનો વીડિયો છે, તેમાં કોમી પરિબળ સામેલ નથી.
Conclusion
અમદાવાદ પોલીસ દ્વારા હોળી પર મુસ્લિમ યુવકો દ્વારા હિંદુઓ પર પથ્થરમારો કરીને તોડફોડ કરાયાનો વાઇરલ વીડિયોનો દાવો ખરેખર ગેરમાર્ગે દોરનારો છે. કારણ કે, તે ખોટા સંદર્ભ સાથે શેર કરાયો છે. વાઇરલ વીડિયો ખરેખર અમદાવાદમાં બે આસામાજિક તત્ત્વોના જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ પોલીસે તેમને પકડીને દંડામાર ફટકાર્યોં તેનો છે. તેમાં કોઈ કોમી એંગલ સંકળાયેલ નથી.
Sources
News Report by News18 Gujarati, dated 17th March, 2025
News Report by Mint, dated 15th March, 2025
News Report by Gujarat Samachar, dated 15th March, 2025
News Report by BBC News Gujarati, dated 17th March, 2025