Authors
Claim – રોહિત શર્માએ કરી સંન્યાસની જાહેરાત, કહ્યું, ‘હું હવે ટીમ ઇન્ડિયા માટે ઉપલબ્ધ નથી’
Fact – દાવો ખોટા સંદર્ભ સાથેનો છે. રોહિત શર્માએ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી નથી.
સોશિયલ મીડિયામાં ભારતીય ક્રિકેટ ટીમનો ન્યૂઝિલૅન્ડ સામે થયેલ પરાજયની ભારે ચર્ચા ચાલી રહી છે. જેમાં ક્રિકેટચાહકો કપ્તાન રોહિત શર્માની ઘણી ટીકા કરી રહ્યાં છે. જોકે, બીજી તરફ કેટલાક ફૅન્સ તેમનો બચાવ પણ કરી રહ્યા છે.
દરમિયાન, ભારત ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડવાનું છે અને ટેસ્ટ શૃંખલા રમવાનું છે. આ ટેસ્ટ શૃંખલા ભારતના ટેસ્ટ ચૅમ્પિયનશીપ ક્વૉલિફિકેશન માટે ઘણી મહત્ત્તવની છે.
જોકે, ઑસ્ટ્રેલિયા ટેસ્ટ શૃંખલા મામલે રોહિત શર્માને લઈને એક દાવો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો છે. સોશિયલ મીડિયામાં પ્લૅટફૉર્મ ફેસબુક પર કરાયેલા એક દાવામાં કહેવાયું છે કે, “રોહિત શર્માએ સંન્યાસની જાહેરાત કરી દીધી છે. અને કહ્યું છે કે હવે હું ટીમ ઇન્ડિયા માટે ઉપલબ્ધ નથી.”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જણાઈ આવ્યું છે.
Fact Check/Verification
દાવાની તપાસમાં સૌપ્રથમ અમે ગૂગલ સર્ચની મદદ થકી ‘રોહિત શર્મા ટેસ્ટ સિરીઝ’ કિવર્ડની સર્ચ ચલાવી. જેમાં અમને રોહિત શર્મા 22મી નવેમ્બરથી શરૂ થઈ રહેલી ઑસ્ટ્રેલિયા શ્રેણીની પહેલી ટેસ્ટ મૅચ માટે કદાચ ઉપલબ્ધ નહીં હોવા વિશેના અહેવાલો પ્રાપ્ત થયા.
ઇન્ડિયન એક્સપ્રેસના 6 નવેમ્બરના અહેવાલમાં કહેવાયું છે કે, “રોહિત શર્મા અંગત કારણસર ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ માટે કદાચ ઉપલબ્ધ નહીં હશે. પહેલી ટેસ્ટ રમવા મામલે અનિશ્ચિતતા છે.”
વળી એ જ અહેવાલમાં ભૂતપુર્વ ક્રિકેટ સુનિલ ગાવસ્કરને ટાંકીને લખ્યું છે કે, “જો રોહિત શર્મા ઑસ્ટ્રેલિયાની બે ટેસ્ટ માટે ઉલપબ્ધ ન હોય, તો બુમરાહને કપ્તાન બનાવી દેવા જોઈએ. જો રોહિત શર્મા પહેલી ટેસ્ટથી ઉપલબ્ધ ન હોય તો પછી તમામ ટેસ્ટ મૅચો માટે શ્રેણીમાં જસપ્રિત બુમરાહને જ કપ્તાન બનાવવી દેવા જોઈએ.”
આમ, રોહિત શર્મા ઑસ્ટ્રેલિયા સામેની શૃંખલા રમવાના છે પરંતુ કઈ ટેસ્ટ મૅચથી ટીમ સાથે જોડાશે તે વિશે અનિશ્ચિતતા છે.
વળી આ વિશે વધુ તપાસ કરતા અમને 7 નવેમ્બર-2024ના રોજનો ઇન્ડિયા ટુડેનો અહેવાલ પ્રાપ્ત થયો. જેમાં રોહિત શર્માના ઑસ્ટ્રલિયા પ્રવાસ વિશે લખવામાં આવ્યું છે.
અહેવાલમાં પૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ઍરોન ફિન્ચને ટાંકીને લખ્યું છે,”હું સુનિલ ગાવસ્કર સાથે સમંત નથી. રોહિત શર્મા ભારતીય ટીમના કપ્તાન છે. તેમના પત્ની બીજા બાળકને જન્મ આપવાના હોય, તેવા સમયે તેઓ તેમની સાથે રહે તે જરૂરી છે. તેમને આ સમય મળવો જોઈએ.”
અત્રે નોંધવું કે, રોહિત શર્મા અને તેમના પત્ની રિતિકાને ત્યાં બીજા બાળકનો જન્મ થવાનો હોવાની ચર્ચા ચાલી રહી છે. જેને પગલે રોહિત શર્મા ઑસ્ટ્રેલિયાની પહેલી ટેસ્ટમાં નહીં રમે તેવી વકી છે.
તદુપરાંત, અમે ન્યૂઝિલૅન્ડ સામેની ટેસ્ટ શૃંખલાની પૂર્ણાહુતિ બાદની પત્રકાર પરિષદમાં રોહિત શર્માના નિવેદનને પણ ચકાસ્યું.
રોહિત શર્માએ તેમાં ન્યૂઝિલૅન્ડ સામેના પરાજયની સાથે સાથે આગામી ઑસ્ટ્રેલિયા પ્રવાસ વિશે પણ પત્રકારો સમક્ષ માહિતી આપી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, “ઑસ્ટ્રેલિયા શ઼ૃંખલા પર હવે મારું ધ્યાન છે. હું તેના પર વધુ ધ્યાન આપવા માગીશ. તેમાં મારે બેટિંગ પણ સારી કરવાનું લક્ષ્ય છે. જે ભૂલે વર્તમાન શ્રેણીમાં થઈ તે તેમાં સુધારી લેવાશે.”
ક્રિકટુડેના 4 નવેમ્બર-2024ના અહેવાલ મુજબ તેમને પર્થ ટેસ્ટ મામલે પૂછાતા તેમણે કહ્યું, ” હું જઈશ કે નહીં તે મામલે નક્કી નથી. જોઈએ શું થાય છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હોય તે મામલે ન તો રોહિત શર્મા કે બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ છે. બીજી બાજુ રોહિત શર્માએ ખુદ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં રમવા તૈયારી બતાવી છે. માત્ર તેઓ પહેલી કે બીજી અથવા પ્રથમ બે ટેસ્ટમાં રમશે કે નહીં તે મામલે અનિશ્ચિતતાઓ છે.
આથી તેમણે ક્રિકેટમાંથી નિવૃત્તિ એટલે કે સંન્યાસ લઈ લીધો હોવાનો દાવો ખોટો છે. તેમણે પહેલી ટેસ્ટમાં તેઓ ટીમ માટે ઉપલબ્ધ નહીં હોઈ શકે તેવું કહ્યું હતું. તેમણે એવું નથી કહ્યું કે હવે તેઓ ટીમ ઇન્ડિયા માટે ઉપલબ્ધ નથી.
જોકે, અમે આ મામલે રોહિત શર્મા અંગે બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ને પણ સ્પષ્ટતા કરવા ઇમેલ કરેલ છે. તેમનો જવાબ મળ્યા બાદ અહેવાલમાં તેને સામેલ કરી લેવામાં આવશે.
Conclusion
ભારતીય ક્રિકેટ કપ્તાન રોહિત શર્મા ઑસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ મૅચમાં અંગત કારણસર ઉપલબ્ધ નહીં હોવાની શક્યતાના અહેવાલને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવેલ છે. રોહિત શર્મા ટીમ ઇન્ડિયા માટે ઉપલબ્ધ છે અને ક્રિકેટમાંથી સંન્યાસ નથી લઈ રહ્યાં.
Result – Missing Context
News Report by Indian Express
News Report by India Today
News Report by CricToday
You Tube video by Sports X
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044